ચકચારી ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ

શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં ગેરકાયદે રીતે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકાની પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી નામના એક ગુજરાતી વ્યક્તિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે હર્ષ પટેલ પર ગેરકાયદે રીતે ભારતીયોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવીને તેમને અમેરિકા લાવવાના કામમાં સામેલ હોવાનો આરોપ છે. એટલું જ નહીં, 19મી જાન્યુઆરી 2022ના રોજ કેનેડા-અમેરિકા સરહદે મોતને ભેટેલા ગુજરાતના ડિંગુચા ગામના જગદીશ પટેલના પરિવારને પણ અમેરિકા લાવવાનું કામ હર્ષકુમાર પટેલે જ હાથમાં લીધું હતું.

ગુજરાતના કલોલ નજીકના ડિંગુચા ખાતે રહેનાર 39 વર્ષિય જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલી (વય 37), 11 વર્ષિય દીકરી વિહાંગી અને ત્રણ વર્ષનો દિકરો ધાર્મિક કેનેડા નજીકની મનીટોબા પાસે તથા અમેરિકાની સરહદથી 12 મીટર નજીક બરફમાં થીજેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.

આ બનાવ મામલે જાહેર થયેલી વિગતો અનુસાર અંદાજે પાંચ મહિના પહેલા અરેસ્ટ વોરન્ટ ઈશ્યૂ થયા બાદ ફરાર થનાર હર્ષકુમાર રમણલાલ પટેલ નામની વ્યક્તિને મોટાભાગના લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે.

આ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, હર્ષ પટેલની શિકાગોના ઓહારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, તેની ડિટેન્શન હિયરિંગ 28મી ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર આ હર્ષ પટેલ ફ્લોરિડામાં જુગારધામ ચલાવે છે અને તેણે સ્ટીવ શેડ નામના એક વ્યક્તિને જગદીશ પટેલ જે ગ્રુપમાં બોર્ડર ક્રોસ કરવાના હતા તે ગ્રુપના લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું.

જ્યારે સ્ટીવ શેડ 19મી જાન્યુઆરી 2022ના દિવસે જ બે માઈગ્રન્ટ્સ સાથે પોલીસના હાથે ઝડપાયો હતો અને ત્યારે કેનેડા તરફની સરહદેથી બીજા પાંચ માઈગ્રન્ટ્સને પણ પોલીસે ડિટેઈન કર્યા હતા, સ્ટીવ સામેની ટ્રાયલ મિનેસોટાની ફેડરલ કોર્ટ શરૂ થવાની તૈયારીમાં છે.

પોલીસ રેકોર્ડસ અનુસાર 2018માં હર્ષ પટેલની  કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને રિલીઝ કરાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.

જાહેર થયેલા કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર હર્ષકુમાર પટેલે ઈન્ડિયાથી અમેરિકાના સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ ચારેય વાર તેની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016માં પણ હર્ષ પટેલે કેનેડા પહોંચીને ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી, જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે તે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.

હર્ષ પટેલને અમેરિકાના વિઝા તે વખતે પણ નહોતા મળ્યા. અમેરિકાની પોલીસનું માનવું છે કે પાંચમીવાર વિઝા એપ્લિકેશન રિજેક્ટ થયા બાદ હર્ષ પટેલ ત્રણ જ મહિનામાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચી ગયો હતો, અને 2018માં તે અમેરિકાથી ફરી બોર્ડર ક્રોસ કરી કેનેડા આવ્યો હતો અને ત્યારે જ તેની કેનેડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

હર્ષકુમાર પટેલ સામે સપ્ટેમ્બર 2023માં અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. તેની સામે કોર્ટમાં ગુરુવારે રજૂ કરવામાં આવેલા અનસીલ એફિડેવિટમાં પણ કેટલીક નવી વિગતો જાહેર કરવામાં આવી હતી, જેમાં હર્ષ અને સ્ટીવ વચ્ચે મેસેજથી થયેલી વાતચીતના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.

હર્ષ પટેલ માટે કામ કરનારા સ્ટીવ શેડે નવમી માર્ચ 2022ના રોજ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓ સામે એવી કબૂલાત કરી હતી કે તેણે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022ના ગાળામાં ઈન્ડિયાથી આવેલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પહોંચાડવા માટે કુલ પાંચ ટ્રીપ કરી હતી, અને આ કામ માટે હર્ષ પટેલે તેને 25 હજાર ડોલરની ચૂકવણી પણ કરી હતી.

    આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટમાં હર્ષ પટેલ ઉપરાંત આ કેસમાં ગુજરાત પોલીસે આરોપી બનાવેલા ફેનિલ પટેલ નામના બીજા એક એજન્ટ સામે પણ નવા આરોપ ઘડવામાં આવ્યા છે.

    સૂત્રો અનુસાર ફેનિલ પટેલ ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ છે, પરંતુ હાલ તે ટોરેન્ટોમાં રહે છે તેવા અહેવાલ જાન્યુઆરી 2024માં આવ્યા હતા.

    આ જ કેસમાં અમેરિકાની કોર્ટ રાજિન્દરપાલ સિંઘ નામના બીજા એક એજન્ટને કસૂરવાર ઠેરવીને તેને 45 મહિનાની જેલની સજા કરી ચૂકી છે. હાલ જેલમાં બંધ રાજિન્દરે પણ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ કરેલી પૂછપરછ દરમિયાન ફેનિલ પટેલને ઓળખી બતાવ્યો હતો અને સાથે જ એવું કબૂલ્યું હતું કે તે ડિંગુચાના પરિવારને બોર્ડર ક્રોસ કરાવવાના કામમાં સામેલ હતો, અને ફેનિલ ટોરેન્ટોમાં હોવાની માહિતી પણ રાજિન્દરે જ હોમલેન્ડ સિક્યોરિટીને આપી હતી. નોંધનીય છે કે ગુજરાત પોલીસે પણ ડિંગુચા કેસમાં જે-તે સમયે અમુક એજન્ટોની ધરપકડ કરી હતી, પરંતુ પાછળથી મોટાભાગના લોકો જામીન મળી જવાને કારણે છુટી ગયા હતા.

    Next Post

    2024 ની શરૂઆતમાંજ અનેક મોટા કોર્પોરેશનોએ કર્મચારી ઓને છુટા કર્યા, જુઓ યાદી

    Sat Feb 24 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 કેનેડામાં 2023માં શરૂ થયેલી કર્મચારી ઓની છટણીનો તબક્કો નવા વર્ષ 2024માં પણ ચાલુ રહ્યો છે. કોવિડ-19 મહામારી બાદ શરૂ થયેલી મોટાભાગની કંપનીઓ દ્વારા પોતાના કર્મચારી ઓના કામકાજની સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ટેક કંપનીઓ, રિટેલર્સ અને બીજી ઘણી […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share