13 September 2026

ઇન્ડો-કેનેડિયન સંસ્થાઓનું ‘અમે પોલિટિકલ નથી’ કહીને મૌન ધારણ કરવું કેટલું યોગ્ય? ઇન્ડો-કેનેડિયન સંસ્થાઓ માટે આત્મમંથનની ક્ષણ

0

    ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | તંત્રીલેખ હિતેશ જગડ, ચીફ એડિટર

    કેનેડિયન રાજકારણમાં કમ્યુનિટી પ્રતિનિધિત્વ: વાતોથી આગળ વધીને એક્શન મોડમાં આવવાનો સમય. કેનેડાના રાજકારણમાં આપણી તાકાત બતાવવાનો આ જ સમય.

    આ તંત્રીલેખ કોઈ વ્યક્તિ કે સંસ્થાની ટીકા કરવા કે તેમને ટાર્ગેટ કરવા માટે નથી લખાયો, પરંતુ દરેક હિન્દુ, ઇન્ડો-કેનેડિયન અને સમુદાયની સંસ્થાઓ પ્રત્યે સંપૂર્ણ આદર સાથે લખવામાં આવ્યો છે. આ એક એવું અવલોકન છે, જેના વિશે આજે આપણા સમાજે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કેનેડિયન રાજકારણમાં ઇન્ડો-કેનેડિયન સમુદાયનું મજબૂત પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને હિન્દુ એકતા વધવી જોઈએ તેવી વાતો આપણે અવારનવાર કરીએ છીએ. જ્યારે પણ તક મળે ત્યારે આપણે મ્યુનિસિપલ, પ્રોવિન્શિયલ કે ફેડરલ સ્તરે આપણા નેતાઓ આગળ આવે તેવી હિમાયત કરીએ છીએ. પરંતુ જ્યારે વાસ્તવિક તક આવે છે, ત્યારે શું આપણે ખરેખર એકસાથે ઊભા રહીએ છીએ ખરા?

    તાજેતરમાં જ ‘હિન્દુ સોસાયટી ઓફ ગ્વેલ્ફ ’ (Hindu Society of Guelph) દ્વારા એક ‘મીટ એન્ડ ગ્રીટ’ (Meet & Greet) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાએ કોઈ ઉમેદવારનું સમર્થન કર્યા વિના, તટસ્થ રહીને તમામ કેન્ડિડેટ્સ અને લોકલ કમ્યુનિટીને એક પ્લેટફોર્મ પર લાવવાનું પ્રશંસનીય કામ કર્યું છે. સંસ્થા કોઈ ચોક્કસ ઉમેદવારને વોટ આપવાનું નથી કહેતી, પરંતુ તે લોકશાહી પ્રક્રિયામાં સમુદાયની ભાગીદારી પ્રોત્સાહિત કરી રહી છે. આ પગલું જોઈને મનમાં એક જ સવાલ થાય છે કે શું આપણી અન્ય હિન્દુ સંસ્થાઓ પણ આવી જ રીતે આગળ આવી શકે?

    આ સવાલ માત્ર એક મ્યુનિસિપલ ઈલેક્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ આપણા ભવિષ્ય સાથે જોડાયેલો છે. કેનેડામાં આજે સેંકડો હિન્દુ સોસાયટીઓ, મંદિરો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, પબ્લિક અફેર્સ ગ્રુપ્સ અને કમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ કાર્યરત છે. તેમાંની ઘણી સંસ્થાઓ પાસે હજારો સભ્યોનું વિશાળ નેટવર્ક છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મજબૂત સંબંધો છે. આપણે એ પણ જોયું છે કે જ્યારે કોઈ ઉત્સવ, શોભાયાત્રા કે ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે ડઝનબંધ સંસ્થાઓ એક જ બેનર હેઠળ એકઠી થઈ જાય છે. તે સામૂહિક તાકાત ખરેખર પ્રશંસનીય અને ભવ્ય હોય છે.

    પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે જ્યારે કોઈ નવી સંસ્થા શરૂ થાય છે, ત્યારે ‘હિન્દુ એકતા’ અને ‘સરકારના તમામ સ્તરે આપણું યુનાઈટેડ પ્રેઝન્ટેશન’ (United Representation) હોવું જોઈએ તેવા જ નારા સાથે સમુદાય પાસે સપોર્ટ માંગવામાં આવે છે. લોકો પણ કમ્યુનિટી પ્રત્યેની લાગણી અને શ્રદ્ધાથી પ્રેરાઈને લાઈફટાઈમ ફી (Lifetime Membership) ભરે છે, વાર્ષિક મેમ્બરશિપ લે છે, ડોનેશન આપે છે અને ફંક્શન્સમાં હાજરી આપીને સંસ્થાઓને મોટી બનાવે છે.

    પરંતુ અફસોસની વાત એ છે કે જ્યારે આ જ સમુદાયમાંથી કોઈ યોગ્ય વ્યક્તિ પબ્લિક સર્વિસમાં જવા ઈચ્છે છે કે ચૂંટણી લડવાનો નિર્ણય કરે છે, ત્યારે અચાનક મોટાભાગની સંસ્થાઓ “અમે રાજકારણમાં નથી પડતા” (We are not political) એવું કહીને પોતાના હાથ ઊંચા કરી દે છે! શું આ યોગ્ય છે? જરા તમારી જાતને જ પૂછી જોજો…

    કોઈ ઉમેદવારનું એન્ડોર્સમેન્ટ (Endorsement) કરવું કે કોઈ પક્ષનો પ્રચાર કરવો જરૂરી નથી. બિન-રાજકીય (Non-partisan) રહેવું ચોક્કસપણે મહત્વનું છે, પણ નોન-પાર્ટિસન રહેવાનો અર્થ એવો નથી કે રાજકીય પ્રક્રિયાથી સાવ અળગા જ થઈ જવું. એક તટસ્થ ‘મીટ એન્ડ ગ્રીટ’ યોજીને તમામ કેન્ડિડેટ્સને સમાન તક આપવી, મતદારોને પ્રશ્નો પૂછવાનો મોકો આપવો અને તેમને પોતાનો નિર્ણય જાતે લેવા દેવો — આ જ સાચી લોકશાહી છે. કમસેકમ અવેરનેસ તો ઊભી કરી જ શકે.

    ઉમેદવારનું સમર્થન ન કરવા અને રાજકીય જાગૃતિ કે પ્રોત્સાહન ન આપવા વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણે એકતરફ એવું કહીએ કે કેનેડિયન પોલિટિક્સમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ, અને બીજી તરફ જ્યારે આપણા જ લોકો બેલેટ પેપર પર પોતાનું નામ નોંધાવે ત્યારે આપણે મૌન ધારણ કરી લઈએ—આ બેવડી નીતિ હવે બંધ થવી જોઈએ. ઉમેદવારનો પ્રચાર ન કરવો અલગ બાબત છે, અને સમુદાયને પોલિટિકલ પાર્ટીસિપેશન (Political Participation) માટે જાગૃત કરવો તે સાવ અલગ બાબત છે.

    ગ્વેલ્ફ ની હિન્દુ સોસાયટીએ બતાવી આપ્યું છે કે તટસ્થ રહીને પણ કમ્યુનિટી માટે કામ થઈ શકે છે. આ ઈલેક્શન સીઝન આપણા સૌ માટે આત્મચિંતન કરવાની તક છે. શું આપણી અન્ય સંસ્થાઓ પણ વાતોમાંથી બહાર આવીને એકતા અને પ્રતિનિધિત્વના આ વિચારને વાસ્તવિક અમલમાં મૂકવા તૈયાર છે?

    Share with friends

    What do you feel about this?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You may have missed

    Total
    0
    Share