14 September 2026

યુવાવર્ગનું મક્કમ કદમ: બ્રેમ્પટનના વોર્ડ ૨ અને ૬માં પાર્થ શર્માએ ‘રેસિડન્ટ્સ ફર્સ્ટ’ના સંકલ્પ સાથે ઝુકાવ્યું ચૂંટણી જંગમાં

0

    ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | બ્રેમ્પટન

    કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં વસતા ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે બ્રેમ્પટન શહેર એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ઓક્ટોબર ૨૬, ૨૦૨૬ના રોજ યોજાનારી બ્રેમ્પટન મ્યુનિસીપલ લ ચૂંટણી (Municipal Election 2026) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ સ્થાનિક રાજકારણમાં અસાધારણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે મતદારોનો મિજાજ બદલાયો છે. નાગરિકો હવે માત્ર કયા ઉમેદવારનું કયું બેકગ્રાઉન્ડ છે તે જોવાને બદલે, ઉમેદવાર પાસે શહેરના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનું ચોક્કસ વિઝન અને માર્ગનકશો (Roadmap) શું છે તેની ઝીણવટભરી સમીક્ષા કરી રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં, બ્રેમ્પટનના વોર્ડ ૨ અને ૬માંથી રિજીઓનલ કાઉન્સિલર (Regional Councillor) પદ માટે ઉમેદવારી નોંધાવનાર ઉત્સાહી યુવા નેતા પાર્થ શર્માએ પરિવર્તન, નાગરિક સુવિધાઓ અને ‘રહેવાસીઓ પ્રથમ’ (Residents First)ના સ્પષ્ટ સંકલ્પ સાથે સ્થાનિક રાજકીય મેદાનમાં ઝુકાવ્યું છે.

      પાર્થ શર્માની ચૂંટણી ઝુંબેશનું મુખ્ય સ્લોગન “બદલાવ માટે મત આપો” (Vote for Change), “તમારા માટે કાર્યરત, પરિણામલક્ષી કામગીરી” (Working For You. Delivering Results) અને “રહેવાસીઓને પ્રાધાન્ય” (Putting Residents First) છે. તેમણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પાંચ મુખ્ય અને પાયાના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે: વધુ સુરક્ષિત પાડોશ (Safer Neighbourhoods), ટ્રાફિકની જટિલ સમસ્યાનું નિવારણ અને રસ્તાઓનો સુધારો, બહેતર તથા સક્ષમ લોકલ ટ્રાન્ઝિટ સેવાઓ, નાણાકીય શિસ્ત તથા જવાબદારીપૂર્વકનો જાહેર ખર્ચ (Responsible Spending), અને જાહેર સુરક્ષા તથા નાગરિક આરોગ્ય.

      આ ઉમેદવારીનો એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક પાસું મ્યુનિસીપલ સરકારમાં કેનેડિયન યુવાનોની પ્રત્યક્ષ ભાગીદારી છે. ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ હંમેશાં એ વાત પર ભાર મૂકતું આવ્યું છે કે આપણા ઇન્ડો-કેનેડિયન સમુદાયની નવી પેઢીએ માત્ર વ્યવસાયિક ક્ષેત્રો પૂરતું મર્યાદિત રહેવાને બદલે સ્થાનિક ગવર્નન્સ, સામાજિક નેતૃત્વ અને લોકશાહીની પ્રક્રિયામાં પણ સક્રિય થવું જોઈએ. સામાન્ય રીતે આપણે એવું કહીને વિરામ લઈ લઈએ છીએ કે યુવાનો આપણી આવતીકાલનું ભવિષ્ય અને આવતીકાલના નેતાઓ છે. પરંતુ વાસ્તવિક નેતૃત્વ આવતીકાલે અચાનક પ્રગટ થતું નથી; તેનો પ્રારંભ ત્યારે થાય છે જ્યારે કોઈ યુવાન આજે આગળ આવીને, વર્તમાન પ્રશ્નોને ઊંડાણપૂર્વક સમજીને, લોકશાહી પ્રક્રિયાની જવાબદારીઓ પોતાના ખભા પર લેવા તૈયાર થાય.

        નાનપણથી જ કેનેડામાં ઉછરેલા પાર્થ શર્માએ સ્થાનિક મ્યુનિસીપલ રાજકારણમાં પ્રવેશ કરીને બ્રેમ્પટનના રહેવાસીઓની સમસ્યાઓને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ના ચીફ એડિટર હિતેશ જગડ સાથેની ખાસ ટેલિફોનિક મુલાકાતમાં શર્માએ પોતાની ઉમેદવારી, અગ્રતાક્રમો અને રાજકારણમાં પ્રવેશવાના હેતુઓ અંગે વિગતવાર વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન બ્રેમ્પટન શહેર સમક્ષ ઉપસ્થિત તમામ મોટા પડકારો—જેવાં કે વધતી જતી મોંઘવારી (Affordability), દૈનિક ટ્રાફિક જામ, જાહેર સુરક્ષા, લોકલ ટ્રાન્સપોર્ટેશન અને મુનિસિપલ બજેટનો ખર્ચ—અંગે ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી.

        બ્રેમ્પટનના દૈનિક જીવનમાં ટ્રાફિક અને માર્ગોની સ્થિતિ સૌથી મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ઘણા સમયથી ટ્રાફિકની ગીચતા હવે માત્ર સવાર-સાંજ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન નાગરિકોના સમય અને નાણાંનો વ્યય કરી રહી છે. સવારે બાળકોને શાળાએ મૂકવા જતા માતા-પિતા હોય, પોતાની નોકરી કે બિઝનેસ પર સમયસર પહોંચવા માંગતા પ્રોફેશનલ્સ હોય, કે પછી હોસ્પિટલ જતાં સિનિયર સિટીઝન્સ હોય—દરેક વ્યક્તિ રસ્તા પરના વિલંબથી પરેશાન છે. શર્માનું “ટ્રાફિક સુધારણા અને રસ્તાઓનો વિકાસ” કરવાનું વચન સીધું જ નાગરિકોના દૈનિક જીવનને સ્પર્શે છે.

          આજના સમયમાં સક્ષમ અને ભરોસાપાત્ર જાહેર પરિવહન (Public Transit) શહેરના આર્થિક અને સામાજિક તાણાવાણા માટે અત્યંત આવશ્યક છે. મોંઘાદાટ વાહનો રાખવા, તેના ઇન્સ્યોરન્સ અને પેટ્રોલના ખર્ચાઓ સામે આજે અસંખ્ય વિદ્યાર્થીઓ, નવઆગંતુકો (Newcomers), સિનિયર સિટીઝન્સ અને નોકરીયાત પરિવારો માટે બસ અને ટ્રાન્ઝિટ સેવાઓ એક આર્થિક વિકલ્પ બની ગઈ છે.

          સારી અને સમયસરની ટ્રાન્ઝિટ વ્યવસ્થા માત્ર મુસાફરી સરળ નથી બનાવતી, પરંતુ તે સમગ્ર શહેરની આર્થિક પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે નાગરિકો પોતાના ઘરથી નોકરીના સ્થળે, કોલેજોમાં કે વેપારી મથકો સુધી સરળતાથી પહોંચી શકે છે, ત્યારે આખા શહેરનો વેપાર-રોજગાર ખીલે છે. આથી જ પાર્થ શર્માના પ્લેટફોર્મમાં ટ્રાન્ઝિટ ક્ષેત્રે રોકાણ અને સુધારાને પ્રાથમિકતા આપી છે .

          કોઈપણ શહેરમાં રહેતા પરિવાર માટે નેબરહૂડ ની સુરક્ષા અને શાંતિ સૌથી પહેલી જરૂરિયાત છે. રહેવાસીઓ પોતાના ઘરમાં, સ્થાનિક પાર્કમાં, રસ્તાઓ પર અને જાહેર સ્થળોએ સુરક્ષિત અનુભવે તે મુનિસિપલ અને પ્રાદેશિક ગવર્નન્સની પાયાની જવાબદારી છે.

          જાહેર સુરક્ષાનો અર્થ માત્ર પોલીસ બળ વધારવો એટલો જ નથી હોતો. તેમાં રસ્તાઓની ટેકનિકલ સેફ્ટી, કટોકટીના સમયે ઈમરજન્સી રિસ્પોન્સની ઝડપ, યોગ્ય શેરી લાઇટો, સમુદાય આધારિત ક્રાઇમ પ્રિવેન્શન પ્રોગ્રાન્સ અને નાગરિક આરોગ્યની સેવાઓ પણ સામેલ છે. પાર્થ શર્માએ પોતાના પ્રચારમાં ‘સેફર નેબરહુડ’ અને લોકલ હેલ્થ ફેસિલિટીઝ સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે

            ચૂંટણી ઝુંબેશ દરમિયાન જો કોઈ મુદ્દો મતદારો દ્વારા સૌથી વધુ ચકાસવામાં આવનાર હોય, તો તે નાણાકીય મેનેજમેન્ટ અને જવાબદારીપૂર્વકનો ખર્ચ (Responsible Spending) છે. આખરે મ્યુનિકીપલ કે રિજીઓનલ કાઉન્સિલ જે પણ નિર્ણયો લે છે, તેનો આર્થિક બોજ પ્રોપર્ટી ટેક્સ (Property Tax) અને વિવિધ સિટી સર્વિસ ચાર્જીસના રૂપમાં સીધો જ કરદાતાઓના ખિસ્સા પર આવે છે. હાલમાં જ્યારે મોટાભાગના પરિવારો મોંઘવારીના લીધે ઘરનું બજેટ સંભાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે ટેક્સનો એક-એક ડોલર યોગ્ય જગ્યાએ વપરાય તે અત્યંત જરૂરી છે. શર્માના કેમ્પેઇન માં મતદારોને જણાવવામાં આવ્યું છે કે રિજીઓનલ કાઉન્સિલરની ચૂંટણીમાં મત આપીને મોટો બદલાવ લાવવા માટે તેમની પાસે ઘણા કારણો છે.

            કેનેડામાં વસતા ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે આ ચૂંટણી એક નવો સંદેશ લઈને આવી છે. આપણે સામાન્ય રીતે આપણી નવી પેઢીને ડોક્ટર, એન્જિનિયર, આઇટી પ્રોફેસનલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સફળ બિઝનેસમેન બનવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. પરંતુ આ પ્રોત્સાહનની સાથે-સાથે નાગરિક નેતૃત્વ (Civic Leadership) અને દેશના રાજકારણમાં સક્રિય ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે.

            આપણા યુવાનો પોતાના શહેરનું વહીવટી માળખું સમજે, સીટી કાઉન્સિલની બેઠકોમાં હાજરી આપે, બજેટ આયોજન વિશે શીખે, સામાજિક સેવાઓમાં સ્વયંસેવક તરીકે જોડાય અને ચૂંટણી પ્રક્રિયામાં મતદાનથી લઈને ઉમેદવારી સુધી ભાગ લે તે સમયની માગ છે. જો તેમને લાગે કે તેઓ શહેરના વિકાસમાં સકારાત્મક પ્રદાન આપી શકે છે, તો તેમણે ઉમેદવારી પત્ર ભરવામાં અચકાવું જોઈએ નહીં.

            જોકે, અહીં એક મહત્વની સ્પષ્ટતા પણ જરૂરી છે: માત્ર ‘યુવાન હોવું’ કે ચોક્કસ સમુદાય, ભાષા કે ધર્મનું પ્રતિનિધિત્વ હોવું એ જાહેર પદ માટેની લાયકાત બની શકતું નથી. કોઈપણ ઉમેદવારે—પછી તે યુવાન હોય કે અનુભવી—પોતાના વિચારો, જ્ઞાન, નૈતિકતા, પ્રામાણિકતા અને કામ કરવાની ક્ષમતાથી નાગરિકોનો વિશ્વાસ જીતવો પડે છે. ઇન્ડો-કેનેડિયન ઉમેદવારો કેનેડિયન લોકશાહીમાં આગળ આવે તે સકારાત્મક બાબત છે, પરંતુ આ પ્રતિનિધિત્વ ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈપણ જાતના ભેદભાવ વિના પોતાના વિસ્તારના તમામ નાગરિકોની એકસમાન સેવા કરે. ઉમેદવારે માત્ર એ ન વિચારવું જોઈએ કે “શું મારો સમુદાય મને સપોર્ટ કરશે?”, પરંતુ એ વિચારવું જોઈએ કે “શું હું મારા સમગ્ર વોર્ડના દરેક નાગરિકનું યોગ્ય પ્રતિનિધિત્વ કરી શકીશ?”

              ચૂંટણી: વિચારો અને ક્ષમતાની કસોટી

              પાર્થ શર્માએ રાજકીય મેદાનમાં ઉતરીને પોતાના લક્ષ્યો જાહેર કરીને પહેલું કદમ ઉઠાવી લીધું છે. હવે પછીનું કદમ એ છે કે તેઓ બ્રેમ્પટનના વોર્ડ ૨ અને ૬ના રહેવાસીઓને કઈ રીતે ખાતરી અપાવે છે કે તેમનું વિઝન વ્યવહારુ, આર્થિક રીતે જવાબદાર અને સિદ્ધ કરી શકાય તેવું છે.

              શર્મા માટે તેમનો મૂળ સંદેશ ‘નાગરિકો પ્રથમ’ છે, અને હવે તેમની પાસે એ સાબિત કરવાની તક છે કે આ સૂત્ર માત્ર પ્રચાર પૂરતું નથી પરંતુ વાસ્તવિકતા છે. તેમનો આ નિર્ણય તે તમામ યુવાનો માટે પણ પ્રેરણાદાયક છે જેઓ રાજકારણથી દૂર રહીને માત્ર સમસ્યાઓની ફરિયાદો કરતા રહે છે.

              ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ માનવું છે કે એક મજબૂત અને જીવંત લોકશાહી માટે જાગૃત મતદારો, ગંભીર ઉમેદવારો અને નવી પેઢીની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. આથી જ અમે ઉમેદવારોના ફોટા, સ્લોગન કે સમુદાયના કાર્ડથી પર જઈને તેમના વિઝનને નાગરિકો સુધી પહોંચાડતા રહીશું.

              ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આખરી નિર્ણય બ્રેમ્પટનના મતદારોના હાથમાં રહેશે. પાર્થ શર્માએ વોર્ડ ૨ અને ૬માં બદલાવની આશા સાથે પોતાનું પ્લેટફોર્મ રજૂ કર્યું છે. હવે નાગરિકોની પાયાની જવાબદારી છે કે તેઓ આ વિઝનની ગંભીર સમીક્ષા કરે, અન્ય ઉમેદવારો સાથે સરખામણી કરે, યોગ્ય પ્રશ્નો પૂછે અને પોતાના વિસ્તારનું બહેતર પ્રતિનિધિત્વ કરી શકે તેવા યોગ્ય ઉમેદવારની પસંદગી કરે. આ જ સાચી લોકશાહીની સુંદરતા અને કાર્યપદ્ધતિ છે.

                ધ્વનિ કમ્યુનિટી ન્યૂઝપેપર પોતાના રીડર્સ સાથે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે. પાર્થ શર્મા સાથેનો આ ઇન્ટરવ્યૂ સંપૂર્ણપણે અનપેઇડ (Unpaid) છે. આ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવાર કે તેમની ચૂંટણી ટીમ પાસેથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ લેવામાં આવ્યું નથી.

                આ ખાસ ઇન્ટરવ્યૂ સિરીઝનો મુખ્ય હેતુ કોઈ ઉમેદવારનો પ્રચાર કે સમર્થન કરવાનો નથી, પરંતુ કમ્યુનિટીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, તેમના વિચારો, યોજનાઓ અને વિઝનને વધુ સારી રીતે જાણવાની તક આપવાનો છે. અમારો પ્રયાસ છે કે વોટર્સ ઉમેદવારો સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓને સમજે, પ્રશ્નો પૂછે, અલગ-અલગ ઉમેદવારોની સરખામણી કરે અને મતદાન કરતી વખતે પોતાનો સ્વતંત્ર અને માહિતીસભર નિર્ણય (Informed Decision) લઈ શકે.

                Share with friends

                What do you feel about this?

                Leave a Reply

                Your email address will not be published. Required fields are marked *

                You may have missed

                Total
                0
                Share