અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે પશ્ચિમી મીડિયાએ કરેલા તેના રિપોર્ટીંગને પગલે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેની આકરી ટીકાઓ પણ થઇ રહી છે. ભારત વિરોધી સૂર તેમાંથી ઉઠ્યો હોવાથી આવું થઇ રહ્યું છે અને પહેલી પ્રતિક્રિયા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આવી છે.
22મી તારીખે અહીંયા યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી આખી દુનિયામાં થઈ હતી. જોકે પશ્ચિમના દેશોના મીડિયાએ આ સમારોહના કરેલા પક્ષપાતી કવરેજના કારણે વિશ્વ હિન્દુ પરિષદ રોષે ભરાયુ છે. વીએચપીના અમેરિકા, કેનેડા તથા ઓસ્ટ્રેલિયાની શાખાઓએ પશ્ચિમના મીડિયાના આકરી ટીકા કરી છે અને કહ્યુ છે કે, રામ મંદિર અને તેની સાથે જોડાયેલા જેટલા પણ અહેવાલો પ્રસિધ્ધ કરાયા છે તેને આ મીડિયા તરત હટાવે અને રામ મંદિરના એક તરફી તેમજ પક્ષપાતી રિપોર્ટિંગ બદલ અને હિન્દુઓને દુનિયાની નજરમાં ખરાબ ચીતરવા બદલ પશ્ચિમના મીડિયા જગતે હિન્દુઓની માફી માંગવી જોઈએ.
વીએચપીના અમેરિકા ચેપ્ટરે અમેરિકાની ચેનલો એબીસી, સીએનએન, એમએસએનબીસી, બ્રિટિશ ચેનલ બીબીસી તેમજ આરબ મીડિયા અલજજીરાની આકરી ઝાટકણી કાઢીને કહ્યુ છે કે, આ તમામ મીડિયાએ વેબસાઈટ પર પ્રસિધ્ધ કરેલા અહેવાલોને હટાવે તેમજ તેની સત્યતતા ફરી ચકાસે અને નવેસરથી આ અહેવાલોને પ્રકાશિત કરે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ પર આપેલા ચુકાદાને પશ્ચિમનુ મીડિયા નજરઅંદાજ કરી રહ્યુ છે.
વીએચપીના કેનેડા ચેપ્ટરના કહેવા પ્રમાણે હિન્દુઓ વિરુધ્ધ ભ્રામક પ્રચાર કરતુ રિપોર્ટિંગ યોગ્ય નથી. તેના કારણે હિન્દુ સમુદાય સામેની નફરત વધી શકે છે. વીએચપીના ઓસ્ટ્રેલિયા ચેપ્ટરે પણ પોતાના દેશના મીડિયા માટે આ જ પ્રકારની વાત કહી છે અને દુખ વ્યક્ત કર્યુ છે.
#india #ram-mandir #america #austrelia #britain #canada #ABC #BBC #CNN #Al-Jazeera
#Ram-Temple #Ram-Temple-Coverage #Vishwa-Hindu-Parishad #foreign-media