લોકસભાની ચૂંટણી ટાણે ભરૂચમાં શંકરાચાર્ય મઠ પર એક બુકાનીધારીએ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનું કૃત્ય કરી શાંતિ ડહોવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે નગરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
ભરૂચના નવચોકી ઓવારે રણછોડજીના ઢોળાવ નજીક આવેલા શંકરાચાર્ય મઠનું છેલ્લા સાત – આઠ મહિનાથી સંચાલન મઠાધિશ મુકતાનંદ સ્વામી કરે છે. મઠ પરિસર આગળ ચોલેશ્વર અને મોલેશ્વર મહાદેવ તેમજ મઠની અંદર પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
મુક્તાનંદ સ્વામી મળસ્કે 5 વાગે મઠની અંદર સેવા પૂજા કરી રહ્યા હતા. ત્યારે દિલીપ દવેએ એક શખ્સને મઠ પર આગચંપી કરતા જોતા સ્વામીને જાણ કરી હતી. મુકતાનંદ સ્વામી બહાર આવી જોતા દરવાજો સળગતો હોવાથી તેને બુઝાવવાનો પ્રયાસ કર્યા બાદ બહાર નીકળતા કોઇ વ્યક્તિ ન હતું.
ઘટનામાં CCTV જોતા નદી તરફથી એક વ્યક્તિ કાળા લિબાસમાં આવી જ્વલનશીલ પદાર્થો મઠ પર ફેંકી આગ લગાડતો નજરે પડ્યો હતો. તેને મોહ પર બુકાની અને માથા પર ટોપી પહેરી હોવાનું પણ મુકતાનંદ સ્વામીએ મીડિયાને કહ્યું હતું. તો મઠને સળગાવવાનો પ્રયાસ કરનાર આ હુમલાખોરે ગુસ્તા કે પીર કી સજા, સર કલમ સે જુદા લખેલા કાગળ પણ ઉડાવ્યા હતા.
મઠને આગ લગાડવાના પ્રયાસની ભરૂચ પોલીસને જાણ કરાતા SP મયુર ચાવડા, DYSP સી.કે.પટેલ, SOG પી.આઈ., એ ડિવિઝન સહિતનો કાફલો દોડી આવ્યો હતો. મઠના CCTV મેળવવા સાથે પોલીસે FSL ની મદદ લીધી છે. ઘટનામાં ફરિયાદ નોંધી SOG, LCB સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો બનાવી કૃત્ય કરનાર હુમલાખોરને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
બીજી તરફ મઠને સળગાવવાના પ્રયાસ ને લઈ હિન્દુ સંગઠનો આગ બબુલા થઈ ગયા છે. ઘટનામાં વિધર્મીને જેર કરવાના આક્ષેપ સાથે તંત્રને રજુઆત કરવા કવાયત હાથ ધરાઈ છે.
ભાવેશ પટેલમાંથી મુકતાનંદ બન્યા બાદ પણ વિવાદો અને ઘટનાઓ સ્વામીનો પીછો છોડતી નથી
ભરૂચના ભાવેશ પટેલ અજમેર બૉમ્બ બ્લાસ્ટમાં જામીન પર છૂટ્યા બાદ સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ મુકતાનંદ સ્વામી બની ગયા હતા. અને છેલ્લા સાત – આઠ મહિનાથી પશુપતિનાથ મહાદેવ મંદિર શંકરાચાર્ય મઠમાં મઠાધીશ બની સંચાલન કરી રહ્યાં છે. જોકે અહીં પણ તેઓને ધમકી, ઝઘડો, હુમલાના બનાવ વિતેલા મહિનાઓમાં બનતા જ રહ્યાં છે.