દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. આત્માની જેમ જ પરમપિતા પરમાત્મા પણ પ્રકાશ, જ્યોતિ અથવા જ્યોતિર્બિન્દુ સ્વરૂપ છે, જેને પ્રેમથી “બાબા” અર્થાત્ “પરમપિતા” કહેવામાં આવે છે, જેવો પરમધામમાં રહે છે, જેવો જ્ઞાન, શક્તિઓ અને ગુણોનાં સાગર છે, જેવો આ દુનિયામાં આવીને પોતાના દિવ્ય કર્તવ્ય – સ્થાપના, પાલના અને વિનાશ, ત્રિમૂર્તિ દ્વારા કરે છે. આથી પરમાત્મા સર્વધર્મ માન્ય, સર્વોચ્ચ, સર્વોપરી, સર્વજ્ઞ તેમ જ જ્ઞાન, શક્તિ અને ગુણોનાં સાગર છે.
આ પરિચયનાં આધારે પરમાત્મા વિષેની વિવિધ માન્યતાઓ જે ચિત્રમાં દર્શાવેલ છે તેને સમજી શકાય. પરમપિતા પરમાત્માને પોતાનું શરીર નથી, આથી પરમાત્મા એક વૃદ્ધ મનુષ્ય શરીરનો આધાર લઈને તેના મુખ દ્વારા જ્ઞાન આપે છે અને શક્તિનો અનુભવ કરાવે છે, જેને પ્રજાપિતા બ્રહ્મા, આદિદેવ, આદમ, એડમ વગેરે નામથી વિવિધ ધર્મોમાં યાદ કરવામાં આવે છે. પરમપિતા પરમાત્મા માટે ચિત્રમાં દર્શાવ્યા મુજબ અનેક માન્યતાઓ વિવિધ ધર્મોમાં હોવાથી આ માન્યતાઓને સમજવી ખુબ જરૂરી છે. દરેક માન્યતા પાછળ ચોક્કસ સામાજિક, તાર્કિક, વૈજ્ઞાનિક વગેરે કારણો છે. આપણા પૂર્વજોએ દરેક માન્યતા બુદ્ધિપૂર્વક બનાવી છે પરંતુ આપણે તેને ભુલ્યા છીએ આથી પરમાત્મા પોતે આવીને તેને સકારણ સમજાવે છે.
૧. પ્રકૃતિ પરમાત્મા છે:
પરમપિતા પરમાત્માનાં અનેક દિવ્ય ગુણોમાં એક ગુણ, દાતા અથવા મદદ કરનારનો છે, આથી પ્રકૃતિનાં જે તત્વમાં દાતા અથવા મદદ કરવાનો ગુણ છે તેને પરમાત્મા કે ભગવાન તરીકે સ્વીકાર કરવામાં આવે છે. દાખલા તરીકે, સૂર્ય પ્રકાશ અને શક્તિ આપે, આથી સૂર્ય ભગવાન તરીકે પૂજવામાં આવે છે. ચંદ્રમાં શીતળતા આપે આથી ચંદ્ર ભગવાન તરીકે માનવામાં આવે છે. આની પાછળની ભાવના બહુ જ ઉચ્ચ અને મહાન છે પરન્તુ આ પ્રકૃતિનાં તત્વો છે, જેનાથી સર્વ પરિચિત છે. તેમાં ચેતના નથી, જ્યારે પરમાત્મા સત-ચિત્ત-આનંદ સ્વરૂપ છે, અર્થાત ચેતના ધરાવતી મહાસત્તા છે. આથી પ્રકૃતીને પરમાત્મા સમાન આ ગુણમાં કહી શકાય પરન્તુ પરમાત્મા એક છે, સત્ય છે અને સર્વ આત્માઓના પિતા પણ છે.
૨. આત્મા પરમાત્માં છે:
દરેક મનુષ્ય,પ્રાણી કે પક્ષીનાં શરીરમાં આત્મા રહેલો છે, જેને વિજ્ઞાન ચેતના કે શક્તિ કહે છે, જેનાથી શરીર ચાલે છે. આ આત્મા શરીરની કર્મેન્દ્રીયો દ્વારા પ્રકૃતી સાથે આદાન-પ્રદાન અર્થાત ક્રિયા-પ્રતિક્રિયાથી પ્રવૃત્તિ કરે છે. એક માનવ આત્મા બીજા મનુષ્યને નુકશાન ના કરે, ઈજા ના પહોચાડે, દગો ના કરે અથવા કોઈ પણ જીવનું ભક્ષણ ના કરે તે હેતુથી દરેકમાં પરમાત્મા રહે છે, તેવું કહેવામાં આવે છે. આત્મામાં પરમાત્મા રહે છે, તે પાછળની ભાવના બહુ જ ઉચ્ચ છે. માનવ આત્મા ગુણોમાં પરમાત્મા સમાન બને છે, જેને સંપૂર્ણ માનવ અર્થાત દેવતા કે દેવદૂત કહેવામાં આવે છે. જેવી રીતે માતાપિતા પોતે ડોક્ટર હોય કે ના હોય અને તેના સંતાન ડોક્ટર બને તો પણ તે સંતાન તેમના માતાપિતા ના બને. આથી આત્માના ગુણો પરમાત્મા સમાન થવાથી આત્મા પરમાત્મા ના બને. માનવ આત્મા અને પરમાત્મા બંને અલગ અસ્તિત્વ ધરાવે છે તેમ જ બંનેના નામ, રૂપ, રહેવાનું સ્થાન, ગુણો અને કર્તવ્ય સંપૂર્ણ જુદા છે.
૩. બ્રહ્મ પરમાત્મા છે:
બ્રહ્મ એ છઠ્ઠુ તત્વ છે, જે આ પ્રકૃતિનાં પાંચ તત્વોથી પાર અર્થાત દૂર છે, જ્યાં માનવ શરીર કે પ્રકૃતી જઈ શકતા નથી. માનવ આત્મા જ ત્યાં જઈ શકે છે. જેમ રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ જુદા છે, તેવી જ રીતે આત્મા અને બ્રહ્મ બંને જુદા છે. જેવી રીતે રાષ્ટ્રપતિ ભવન એ રાષ્ટ્રપતિને રહેવાનું સ્થાન છે, તેવી રીતે આત્મા અને પરમાત્માને રહેવાનુ સ્થાન બ્રહ્મ તત્વ છે, પરન્તુ બ્રહ્મ પરમાત્મા નથી, જેને પરમધામ, બ્રહ્માંડ, શાંતીધામ, કે નિરાકારી દુનિયા તરીકે ઓળખવામાં આવે છે.
૪. પરમાત્મા સર્વવ્યાપી છે:
દરેક આત્મામાં ઈશ્વરીય ગુણો રહેલા છે, જેનો સર્જનહાર પરમપિતા પરમાત્મા છે. ગુણોમાં સમાનતા હોવાને કારણે પરમાત્માને સર્વવ્યાપી કહી ના શકાય. ઉદાહરણ તરીકે, પુત્ર અને લૌકિક પિતાના ગુણો સમાન હોય તો પણ પુત્રને પિતા ના કહેવાય, બંનેનું અસ્તિત્વ જુદુ છે. દરેકમાં તેમની આત્મા રહેલી છે, જે શરીરનુ સંચાલન કરે છે, અને પરમાત્માં અલગ અસ્તિત્વ ધરાવે છે. આ માન્યતા પાછળની ભાવના બહુ જ ઉચ્ચ છે. એક આત્મા બીજી આત્માને કષ્ટ ના આપે, બીજાને નુકશાન ના પહોચાડે, બીજાને છેતરે નહી, બીજાને મારી ના નાખે, તેવી ઉચ્ચ ભાવનાને આધારે પરમાત્માને સર્વવ્યાપી કહેવામાં આવે છે. સર્વમાં પરમાત્મા રહેતા હોય તો વિશ્વની આ તમોગુણી હાલત શક્ય નથી. વાસ્તવમાં પરમાત્મા એક છે, સત્ય છે અને સર્વ માનવ આત્માઓના પિતા પણ છે.
૫. પરમાત્મા નિરાકાર છે:
પરમાત્માને કોઈ પણ મનુષ્ય, પ્રાણી, પક્ષી, વનસ્પતી, વસ્તુ, વૈભવ વગેરે જેવો આકાર નથી અર્થાત તેનો આકાર આ દુનિયાની કોઈ પણ વસ્તુ, પદાર્થ કે જીવ જેવો નથી. પરન્તુ તેમને આકાર જરૂર છે, જે તેનુ રૂપ છે. પરમાત્માંનુ રૂપ કે આકાર દરેક માનવના ધર્મ દ્વારા સ્વીકાર્ય છે, જે પ્રકાશ સ્વરૂપ છે. જ્યોતિ કે પ્રકાશ કોઈ એક બિંદુમાથી જ બહાર આવે છે આથી પરમાત્મા જ્યોતિર્બિન્દુ કહેવાય. આપણી આત્મા પણ સૂક્ષ્મ તે સૂક્ષ્મ જ્યોતિર્બિન્દુ છે, જેને જોઈ શકાય નહી પરન્તુ શરીર દ્વારા અનુભવ કરી શકાય, તેવી જ રીતે આત્માના પિતા પરમપિતા પરમાત્મા પણ આત્મા જેવા જ જ્યોતિર્બિન્દુ છે.
૬. પરમાત્મા દેવતા અથવા દેવદૂત છે:
પરમાત્માને પોતાનુ ભૌતિક કે સૂક્ષ્મ શરીર નથી, જ્યારે દેવતાઓને અને દેવદૂતને શરીર છે. દેવતા અને દેવદૂતના ગુણો પરમાત્મા સમાન હોય છે પરન્તુ તેઓ શરીરધારી છે અને પરમાત્માની રચના છે. પરમાત્મા એક છે, સત્ય છે અને સર્વ માનવ આત્માઓના પિતા પણ છે.
૭. પરમાત્મા નામરૂપથી ન્યારા છે:
આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કે જીવને નામ, રૂપ વગેરે છે તો પછી આ દુનિયાના રચતા ભલા નામરૂપથી ન્યારા કેવી રીતે હોઈ શકે? તેમનુ સનાતન નામ કલ્યાણકારી અર્થાત શિવ છે. તેમનુ રૂપ પ્રકાશ કે પ્રકાશબિંદુ સ્વરૂપ છે. જેવી રીતે આકાશ પોલાણ છે છતાં પણ નામ છે, તેવી રીતે પરમાત્માને પોતાનું નામ અને રૂપ છે.
આ રીતે જોતા પરમાત્મા વિષેની માન્યતાઓ પાછળની ભાવના બહુ જ ઉચ્ચ છે પરંતુ તેની સમજ પણ બહુ જ જરૂરી છે. ચાલો આપણે પરમાત્માના ધ્યાનનો અભ્યાસ કરીએ. આપણે અનન્ય પ્રકાશના સ્ત્રોત છીએ. આપણે પરમાત્માના સંતાન છીએ, જે આપણા જેવા છે અને દરેક આત્માના પિતા છે, આથી આત્મા એ પરમાત્મા નથી અને તેવો સર્વવ્યાપી નથી. તેવો સર્વોચ્ચ પરમધામમાં રહે છે, બ્રહ્મ તત્વ નથી. તેવો ત્રિમૂર્તિ હોવાથી નવી દુનિયાની સ્થાપના, તેની પાલના તેમજ જૂની દુનિયાનો વિનાશ કરાવે છે, આથી તેવો દેવતા કે દેવદૂત નથી. તેમનો આકાર કોઈપણ માનવી, પશુ, પક્ષી, પદાર્થ જેવો નથી આથી નિરાકાર કહેવાય છે. તેવો દરેક આત્માનું કલ્યાણ કરે છે આથી નામ શિવબાબા અથવા બાબા અથવા પિતા છે અને તેમનો આકાર પ્રકાશ સ્વરૂપ છે અર્થાત નામરૂપથી ન્યારા નથી. તેવો પ્રકૃતિના પાંચ તત્વોથી પાર છે અર્થાત પ્રકૃતિ પરમાત્મા નથી. આપણે તેમના સંતાન હોવાથી તેમની શાંતિ અને શક્તિઓને આસપાસ સ્પંદનો દ્વારા ફેલાવીને વિશ્વની આત્માઓ અને પ્રકૃતિને પણ તેમની શાંતિ અને શક્તિઓ દ્વારા શાંતિપૂર્ણ, શક્તિશાળી અને શુદ્ધ બનાવીએ.