18 October 2026

    Dhwani Online News | Article by Parul Shah (Brampton)

    “યા દેવી સર્વભૂતેષુ શકિતરૂપેણ સંસ્થિતા !

    નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:”

    નવરાત્રી નો તહેવાર એ ઉત્સવ આનંદ 

    નો તહેવાર છે. હિન્દુ ધર્મ ની આસ્થા અને ધાર્મિકતા નો તહેવાર છે.નવરાત્રી એટલે  શકિત ની ઉપાસના ને ભકિત ના રંગ માં રંગાઈ ને તેને માણવા નો ઉત્સવ. આસો માસ ની શરદ ઋતુ ના પ્રારંભે ઉજવાતો આ ઉત્સવ અસત્ય પર સત્ય નો અને અંધકાર પર દિવ્ય પ્રકાશ ના વિજય નો આ મહા ઉત્સવ છે.જેમાં  મુખ્યત્વે આર્ધશકિત મા અંબા  અને તેના નવ સ્વરૂપો ની ઉપાસના  ભકિતમય વાતાવરણ માં કરવા માં આવે છે.

     “નવલી નવરાત આવી મંગલ બેલા આવી”. ચારેય બાજુ હર્ષોલ્લાસ  નું વાતાવરણ છે. મા નો ગરબો ઝાકમઝોળ બની ને ધૂમતો ધૂમતો ધરા પર આવી પહોંચ્યો છે ને કુમકુમ કેરા પગલે માડી ને ગરબા રમવા માટે ભાવભીનું આમંત્રણ અપાઈ ગયું છે. 

    ગુજરાત ની સાથે સાથે ભારત ના અન્ય પ્રાંત માં પણ આ તહેવાર ને મનાવવા માં આવે છે. તેઓ પણ મા  ના આગમન  માટે જોરશોર  થઈ તૈયારીઓ કરે છે.ગરબા ની તાલી ઓ ના ધબકાર ગુજરાત ની સંસ્કૃતિ માં ઓળઘોળ થઈ ને સમગ્ર વાતાવરણ ને ભકિતમય અને ઉર્જામય બનાવે છે. લોકો મતભેદ, મનભેદ બધું ભૂલી ને સાંસ્કૃતિક ધરોહર ને સાચવવા માટે હ્રદય ના તાર ઝણઝણાવી દે છે.

      માતાજી ની ઘટ સ્થાપના થી લઈ ને જવારા વાવવા , તેને નવ દિવસ સુધી અંકુરિત કરવા અને અખંડ જ્યોત પ્રગટાવી  ને માતા ના સ્વરૂપો ની પૂજા-આરતી અને આરાધના  કરવા માં  આવે છે.ગરબો શબ્દ ગર્ભદીપ પર થી આવ્યો છે.ગરબો માટી ના ઘડા ને કહેવાય છે. તેમાં 27 છિદ્રો હોય છે. જેથી નવરાત્રી માં ગરબા ને મધ્ય રાખી ને 108 વખત ગરબે રમવા થી બ્રહ્માંડ ની પ્રદશ્રિણા કરવા નું પુણ્ય મળે છે.

      આ તહેવાર ફક્ત ધાર્મિક દ્રષ્ટિ એ જ નથી ઉજવાતો તેની પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ ધણા છે. આધ્યાત્મિક દ્રષ્ટિ એ આ પર્વ આંતરિક શુદ્ધિ,ભકિત અને ઉર્જા ના જાગરણ નો પર્વ છે. મહિષાસુર મર્દન એ આપણા માં રહેલા  દુર્ગુણો ના રાક્ષસો ના પતન નું પ્રતીક છે.નવ દિવસ ની સાધના ,ભકિત દ્વારા આપણે અંદર ની નકારાત્મકતા પર વિજય મેળવવો જોઈએ. 

      વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ એ માટી નો ધડો એ માનવ શરીર છે. અને એની અંદર પ્રગટતો દીપક એ આપણો આત્મા છે.આત્મા ની અંદર આપણે વિશ્વાસ,દયા,લાગણીઓ ના દીપક પ્રગટાવવા જોઈએ. શકિત ની આરાધના ને  માતાજી ને વચ્ચે સ્થાપિત કરી ગોળાકાર મા ફરવું તે દર્શાવે કે આપણું સમગ્ર જીવન મા ને આધીન છે.

        તાળીઓ ના તાલે ઝૂમવા થી શારિરીક કસરત પણ થાય છે . રાત્રિ સમયે બ્રહ્માંડ માં થી આવતી સકારાત્મક તરંગો થી શરીર અને મન સ્વસ્થ થાય છે.

        સામાજિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો નાના મોટા સ્ત્રી પુરુષ બધા સાથે કોઈ પણ ભેદભાવ વગર એક સાથે ગરબા ઘૂમે છે.સંસ્કૃતિ સાથે સંસ્કારો ને જોડવાનું સર્વોત્તમ માધ્યમ ગરબા છે.આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નો અદ્ભુત,અનેરો સંગમ એટલે નવરાત્રી. ભકિત ભાવ થી મન અને તન નું શુદ્ધિ કરણ કરવાનો આ મહાન પર્વ છે. મા ની આરાધના દ્વારા આપણી 

        અંતરાત્મા ને જગાડવા નો , દૈવીય શકિત ઓ ને મહસૂસ કરવા નો  તેને આત્મસાત કરવા ના તહેવાર ને  મન ભરી ને માણવો જોઈએ અને આપણા જીવન માં નવીન ઉર્જા નો સંચાર કરવો જોઈએ.  ” પ્રેમ થી બોલો જય માતાજી ,સારે બોલો જય માતાજી “

        પારુલ શાહ-બ્રેમ્પટન (કેનેડા)

        Share with friends

        What do you feel about this?

        Leave a Reply

        Your email address will not be published. Required fields are marked *

        You may have missed

        Total
        0
        Share