ભારતીયો અને હવે તો અન્ય દેશોના લાખો, કરોડો લોકોની સવાર ચાથી શરુ થાય છે. અમુક લોકોને દર કલાકે કે દર બે, ત્રણ કલાકે ચાની યાદ આવે છે. એટલુંજ નહીં પણ અમુક લોકો તો દિવસ દરમ્યાન ૮ થી ૯ કપ ચા પિતા હોય છે! ચા ભારતનું અઘોષિત રાષ્ટ્રીય પીણું છે. યુરોપ, કેનેડા અને અમેરિકામાં જેમ ઘર, ઘર અને ગામડે, ગામડે કોફી પીવાય છે તેમજ ભારતમાં ચા દરેક ઠેકાણે પીવાય છે.
આમ તો ચા ભારતમાં વર્ષોથી પીવાય છે. કેટલાં વર્ષોથી પીવાય છે એ તો સ્ટડી કરી પી.એચડી મેળવવાનો વિષય છે. ભવિષ્યમાં કદાચ કોઈ આના પર શોધ કરી ડોક્ટરેટની ડિગ્રી મેળવે તો મને જરાય આશ્ચર્ય નહીં થાય. અમુક વર્ષો પહેલાં મુંબઈમાં ‘શંકર ભુવન’ નામની દુકાનો સ્ટીલની વાટકી અને કટોરીમાં ચાય આપવા માટે ખુબ પ્રખ્યાત હતી. ભાગ્યેજ કોઈ એવી જગ્યા હશે કે જ્યાં એની દુકાન નહીં હોય. આ દુકાનવાળા અન્ય દુકાનદારોને ચાય સપ્લાય કરતાં. મુસલમાનોમાં એક સમાજ છે જેનું નામ ‘ચિલિયા’ છે. એક સમયે એમની મુંબઈ અને અન્ય શહેરોમાં અનેક રેસ્ટોરન્ટો હતી ત્યાં ચાય મળતી. શંકર ભુવન અને ચિલિયા ચામાં મૂળ તફાવત એટલે ચિલિયા ચાય મલાઈવાળી હોતી. આ શિવાય અનેક ઈરાની રેસ્ટોરન્ટો હતી જે ચાય અને બૃનમસ્કા કે બનમસ્કા માટે જાણીતી હતી. લાખો લોકોનો એ સવારનો નાશ્તો હતો. મેં પોતે અનેક વખત એની મજા લીધી છે.
આજે તો મુંબઈમાં ચાયની પૉશ દુકાનો ખુલી ગઈ છે. આજે ભારતમાં ચાનો બિઝનેસ જેટલો વધી ગયો છે એટલો પહેલાં કદી ના હતો. એક સમયે ગરીબ લોકો ફૂટપાથ પર કડક મીઠી મસાલાવાળી ચા વેંચતા. આજે તો હવે ખાસ ચાનીજ દુકાનો થઇ ગઈ છે.
ચાની વાત નીકળી છે તો એક ચુટકી પણ લઇ લવું. આ વર્ષેજ ફેબ્રુઆરીમાં મુંબઈ અને અન્ય શહેરોમાં જવાનું થયેલું. ટ્રેનોમાં અને અનેક જગ્યાએ મેં ફક્ત ૧૦ રૂપિયામાં ચા વેચાતી જોઈ. નાના, નાના કપમાં ચા વેચાય છે. આ ચાને મેં એક નામ આપયું છે. હું એને ‘એક ચુસ્કી ચા’ કહું છું! મને તો લાગે છે કે મોંઘવારીના આ દિવસોમાં અને આવનાર દિવસોમાં ચા હવે બોટલોની ઢાંકણીઓમાં મળશે. જય હો ચા માતાકી.
હું વાત કરતો હતો ચાની નવી, નવી દુકાનોની. મુંબઈમાં મેં આ વખતે ‘નાગોરી’ ચાયની દુકાનો જોઈ. હવે આ બધી દુકાનો એકજ માલિકની છે કે પછી અલગ, અલગ લોકોએ આજ નામની દુકાનો ખોલી છે એ ખબર નથી. મુંબઈમાં મારા ઘરની સામેની નાગોરી ચાયની દુકાને જઈને ચાય પીધી તો મને એમાં ઈરાની ચાની ઝલક જોવા મળી. મલાઈવાળી અને ખુબ મીઠી.
ભારતમાં ફક્ત ચા વેચીને લાખોપતિ અને કરોડોપતિ બનેલાં અમુક લોકોની વાત અહીં કરવી છે. મજાની વાત તો એ છે કે અમુક દુકાનોમાં ફક્ત ચા વેચાય છે. જે લોકો ચા વેચી લાખોપતિ બની ગયા છે એમનો ટૂંક પરિચય આપી રહ્યો છું. મને ખાતરી છે કે એમના જેવા તો અનેક હશે. તો ચાલો શરૂઆત કરીએ.
સૌથી પહેલું નામ જે મારા ધ્યાનમાં આવે છે તે નવનાથ એવલેનું છે. ફક્ત ચા વેચીને આ વ્યક્તિ દર મહિને ૧૨ લાખ કમાય છે! એવલેની મહારષ્ટ્રમાં પુણેમાં ચાની ત્રણ દુકાનો છે. તેઓ ‘યેવલે ટી હાવુંસ’ના સહસ્થાપક છે. એમને પુણેમાં તો ત્રણ દુકાનો ખોલી છે અને દેશભરમાંજ નહીં પરંતું વિદેશોમાં પણ ચાની દુકાનો ખોલવાનો ઈરાદો ધરાવે છે! તેમણે એમના ભાઈ સંતોષ યેવલેની સાથે મળી ૨૦૧૧માં પહેલી દુકાન ખોલી હતી. તેઓ ફક્ત ટેસ્ટી ચાજ નથી બનાવતા પરંતુ એમની દુકાનોની એક ખાસિયત છે. તેઓ ચાઈના ક્રોકરી કે કપમાં ચા નથી વેંચતા. તેઓ ગ્રાહકોને ચા માટીના મગમાં આપે છે જેને હિન્દીમાં ‘કુલ્હડ઼’ કહેવાય છે. એમની ચામાં માટીની સુગંધ ભેગી થાય છે. અને આજ એમની સફળતાનું રહસ્ય છે. આજે યેવાળે બંધુઓનું નામ ચા ઉદ્યોગમાં મહત્વનું બની ગયું છે.
પ્રફુલ બિલ્લોરે એક બીજું નામ છે. બીલ્લોરેની ચાની દુકાનો ‘એમબીએ ચાવાલા’ નામથી પ્રખ્યાત છે. એણે પોતે એમબીએ કર્યું છે કે નહીં એ એક રહસ્ય છે. મધ્ય પ્રદેશના ધારથી આવનાર આ સાહસી યુવકે ૨૦૧૭ માં ફક્ત ૮,૦૦૦ રૂપિયાથી શરૂઆત કરી ફૂટપાથ પર ચા વેચવાની શરુ કરેલી. એ કહે છે કે શરૂઆતના બે વર્ષો એના માટે ખુબ ખરાબ ગયેલા. પરંતુ હિમ્મત હાર્યા વગર એણે પોતાનો ધંધો ચાલુ રાખ્યો. આજે ‘એમબીએ ચાવાલા’ના નામથી એની અનેક દુકાનો છે. એનું વાર્ષિક ટર્નઓવર ૪ થી ૫ કરોડનું છે!
આજ કડીમાં એક બીજૂં નામ છે પંકજ જજ. તેઓ જજ છે કે નહીં એ કોઈને ખબર નથી. એમની ચાની દુકાનો ‘ચાય ઠેલા’ના નામથી પ્રખ્યાત છે. એમની દુકાનોમાં ગ્રાહકોને એક અજબ પ્રકારનું સ્વાદ જોવા મળે છે. આ સ્વાદનું રહસ્ય શું છે તે એમણે આજ દિવસ સુધી કોઈને કહયું નથી. ગ્રાહકોનું કહેવું છે કે ચાય ઠેલા જેવી ચા અન્ય જગ્યાએ મળવી મુશ્કેલ છે. તેઓ પોતાની દુકાનોમાં પર્યાવરણ ફ્રેન્ડલી વસ્તુઓ વાપરે છે અને દાવો કરે છે આમ કરવાથી તેઓ પર્યાવરણનું જતન કરી રહયાં છે! ગમે તે હોય હોય પણ આ ‘જજ’ દર મહિને ફક્ત ચા વેચીને લાખોની કમાણી કરી રહ્યો છે.
પ્રિયંકા ગુપ્તા, આ એક બીજું નામ છે જે ચા ઉદ્યોગમાં ખુબ પ્રખ્યાત છે. તેઓની ચાની દુકાનો ‘ગ્રેજ્યુએટ ચાવાળી’નામ થી પ્રખ્યાત છે. તે ઇકોનોમીમાં પટના, બિહારથી ગ્રેજ્યુએટ છે. તેમણે સૌથી પહેલી ચાની દુકાન પટણામાં મહિલા કોલેજની સામે ૨૦૨૨માં શરુ કરી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ તે બે વર્ષો સુધી નોકરી શોધતી રહી. નોકરી નહીં મળતાં તેણે ચાના ધંધામાં ઝંપલાવ્યું. અમુક સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડિઓ ખુબ વાયરલ થયો હતો જેમાં પ્રિયંકા રડતી હતી અને કહેતી હતી કે એક મહિલા ઉદ્યયોજકને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે પ્રિયંકા અનેક ‘ગ્રેજ્યુએટ ચાવાળી’ દુકાનોની માલકીન છે. એને એની માસિક કે વાર્ષિક આવક વિષે પૂછતાં એ જવાબ આપતી નથી.
દોસ્તો, માણસના સ્વભાવમાં ઉધ્યોજીકતા, સાહસ અને ધીરજ હોય તો મોડા વહેલા સફળતા મળેજ છે. આ ત્રણે વાતો સફળતાની ચાવીઓ છે.
જો તમારી પાસે કોઈ મોટીવેશનલ સ્ટોરી હોય તો અમને મોકલતા ખચકાશો નહિ. Send to Hitesh Jagad [email protected] or dhwani.ca or whats’s app +1-519-731-0057