– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત
આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત.
સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક ડિરેક્ટર કશ્યપ સોમપુરા સંગીત વિશેના તેમના વિચારોના અંશ અહીં પ્રસ્તુત છે.
આંધળો માણસ ગીત ગાય છે ત્યારે લોકો તેની વાહવાહી કરે છે. પણ બહેરો માણસ જ્યારે સૂરના તાલે સરગમ ગાય ત્યારે બહુ મોટી વાત કહેવાય. એમ જણાવીને સંગીતકાર કશ્યપ સોમપુરાએ ‘ધ્વનિ’ ને કહ્યું હતું કે, સંગીત એ કાનનો વિષય છે સંગીત એ એવી ક્રિએટિવિટી છે જે આત્માને પરમાત્મા સાથે જોડાવાની શક્તિ ધરાવે છે. સંગીતમાં ગળાડૂબ થઈને પહેલા તો એને કાનની સાંભળી અને સમજવાનું છે. પહેલાના જમાનામાં લોકો તાનસેનની ઉપમા આપતા પરંતુ હવે સમય બદલાયો છે. હવે જે હવે કાન વડે યોગ્ય સંગીત પરખી શકે છે એ જ આગળ જઈને તાનસેન બની શકે છે. ટૂંકમાં એ કે, જે કાનસેન બનશે એ જ તાનસેન બનશે. જોકે અત્યાર સંગીત આંખનો વિષય બન્યો છે. પહેલા તાનપુરો સૂરમાં લાવવો હોત તો કલાકોના કલાકો રિયાઝ કરવો પડતો હતો. હાર્મોનિયમ ને સૂર આપીને તબલાને સૂર આપવામાં આવતો હતો. જો કે આધુનિકતાના બદલાવ સંગીત ક્ષેત્રને પણ આવ્યો છે અને એવા ગેજેટ આવી ગયા છે જે ધૂન મૂકતા જ પેરામીટર દર્શાવે છે. જેમ ગણિત કહો કે આંકડાશાસ્ત્રમાં કેલ્ક્યુલેટર આવ્યું છે એમ જ સંગીતની દુનિયામાં પણ વિભિન્ન ગેજેટ કામ આસાન બનાવ્યું છે.
અત્યારનું જે આંખની શોભા બનેલા સંગીતને આંખથી કાન સુધી લઈ જવાનું છે. એમ જણાવીને કશ્યપ સોમપુરાએ કહ્યું હતું કે, 10 વિદ્યાર્થીઓમાંથી ત્રણ પણ નિષ્ઠાપૂર્વક અને ગેજેટ કે અવનવા પેતરા વાપર્યા વિના સંગીતને સાધના બનાવશે તો એ સંગીતને જીવંત રાખવા માટે પૂરતું છે. અત્યારે ગુરુ પણ ઘડિયાળના ટકોરે વિદ્યાર્થીઓને શીખવાડે છે. પરંતુ સંગીત જેવી સાધના જ્યારે માંડો છો ત્યારે સમયનું ભાન ન રહેવું જોઈએ. સાધના અને સમયને કોઈ સંબંધ નથી. જોકે અત્યારે એટલું બધુ કોમર્શિયલ બની ગયું છે કે, એક કલાક પૂરો થયો એટલે શિક્ષણ પૂરું થયું. આ પરિસ્થિતિમાં સંગીત શીખવાડનારને સાચા ગુરુ મળે તો તેમની સંગીતરૂપી સાધના ક્યાંય દૂર નથી. જો કોઈને શોર્ટકટ મારીને શીખવું હોય તો એના માટે ગુગલ પણ ગુરુથી ઓછું નથી. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કારણ કે મને મારા ગુરુ મારા ઘરમાં જ મળી ગયા હતા. મેં સંગીતનું જ્ઞાન મારા પિતા કિર્તીભાઈ સોમપુરા જે જાણીતા સંગીત વિશારદ હતા. તેમની પાસેથી લીધું હતું. સંગીત નાનપણથી જીવી રહ્યો છું અને સમયના બંધન વિના નાનપણથી શરૂ થયેલો સંગીતનો અભ્યાસ આજે પણ કરું છું. મારા સ્ટુડિયોમાં ઘડિયાળ જ નથી. આધુનિકતા દરેક શોમાં આવી છે પરંતુ સંગીત જેવા ક્ષેત્રમાં મૌલિકતા જાળવવી અને એને સાચવવી એટલી જ જરૂરી છે.
અત્યારે અનપ્લગ મ્યૂઝિકનો ટ્રેન્ડ ચાલ્યો છે એમ જણાવીને કશ્યપ સોમપુરા એ કહ્યું હતું કે, પહેલા ભજન કે ગીત ગાતા સમયે તાનપુરા કે હાર્મોનિયમનો ઉપયોગ થતો હતો. પરંતુ અત્યારે એનું સ્થાન પિયાનું અને સેક્સોફોને લઈ લીધું છે. આજની જનરેશનને સંગીતનો રસ ચખાડવા અવનવી ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં અમે સીમારુ મ્યૂઝિક અંતર્ગત 11 વર્ષના બાળક પાસે ‘પાયોજી મેને રામ રતન ધન પાયો’ આ ગીત ગવડાવ્યું છે. જેથી નાના બાળકો પોતાના સરખા અવાજમાં ગીત સાંભળશે તે સંગીત પ્રત્યે વધુ રુચિ દર્શાવશે. નાના બાળકો જમતા ન હોય તો આ એનિમેશનમાં બાળ ગણેશ, હનુમાનજી જેવા પ્રોગ્રામ દેખાડી તેમનું એક રીતે મનોરંજન તો કરીએ જ છીએ. એ સાથે આપણા ભગવાન વિશે જ્ઞાન પણ રમતગમના માધ્યમથી આપીએ છીએ બસ એ જ રીતે અમે પણ આપણી રસોઈને આધુનિકતાની ડીશમાં સજાવીને આજના યુગના બાળકથી માંડીને યુવાનોને પીરસવાનું બીડૂ ઉપાડ્યું છે નાના બાળકો પાસેથી ભજનથી માંડીને લોકગીતો ગવડાવીને સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ અમે શરૂ કરી દીધું છે. જો માતા પિતા અને ગુરુ સજાગ થઈને બાળકોને યોગ્ય માધ્યમથી શીખ આપશે તો સો ટકા બાળક પ્રગતિ પથ પર આગળ વધશે. આધુનિકતામાં આવેલા બદલાવને સ્વીકારીને બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સંગીત પહોંચાડવા માટે અનેક કંપની સાથે કોલોબ્રેશન કરીને ભજન લોકગીત જૂના ગીતો ફરી રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે.
આજથી દસ વર્ષ પહેલાં રિમિક્સનો ગજબનો ટ્રેન શરૂ થયો હતો. એમ જણાવીને કશ્યપ સોમપુરાએ કહ્યું હતું કે, લોકો જૂના સોંગને હિપહોપ કરી રિમિક્સ બનાવતા પરંતુ અત્યારના લોકો ફરી પાછા મેલોડી તરફ વળ્યા છે. પહેલા ગીતકારને લિરિક્સ આપી દેવાતા હતા ગાવા માટે પરંતુ હવે ગીતકાર લિરિક્સ સારા છે કે નહીં તે ગાવાથી તેમની ઈમેજ પર કંઈ અસર નહીં પડેને તે બધી બાબતો પર ધ્યાન આપતા થઈ ગયા છે. એથી સિંગર શબ્દ ગાતા જ નથી અને લિરિક્સનું ચયન કરતા થયા છે એટલે હવે રાઇટર પણ સજાગ થયા છે, અને યોગ્ય શબ્દોનું ચયન કરતા થઈ ગયા છે. કલાકારોની વેવલેન્થ પણ બદલાય રહી છે.
સંગીત એ રસનું અને ઊંડો વિષય છે એમ જણાવીને કશ્યપ સોમપુરાએ કહ્યું હતું કે, સંગીતમાં ‘એ’ અને ‘બી’ આ બે સેગમેન્ટ છે, ‘સી’ જેવી કોઈ કેટેગરી જ નથી. ‘એ’ સેગમેન્ટમાં સંગીત શીખવાથી માંડીને તૈયાર કરવાની પ્રોસેસ સમાયેલી છે. જ્યારે ‘બી’ સેટમેન્ટમાં ઓડિયન્સ જે આ સંગીતને સાંભળીને પસંદ કરે છે. ઓડિયન્સ ખરા અર્થમાં કાનસેન છે તેઓ Act of god છે, જ્યારે કોઈ ગીતની રચના પસંદ આવે અને સંગીત સાથે આઇબ્રો ઉપર થાય, ચહેરાના હાવભાવ બદલાય અને અંતરને અડે એ ખરા અર્થમાં સંગીતના રચના રચયિતા એટલે કે મ્યૂઝિક ડિરેક્ટર, ગીતકાર અને રાઇટરની જીત છે. તાનસેન તો ‘એ’ વાળા બનશે પણ કાનસેન એટલે કે ‘બી’ વાળા જ્યારે સુધી પાસ નહીં કરે તો ખરા અર્થમાં તાનસેન થવું મુશ્કેલ બનશે. લોકલ ટ્રેનમાં પથ્થર વગાડીને ગીત ગાતા લોકો તેમજ વાંસળી વેચતો ફેરિયો વાંસળી વગાડે છે ત્યારે તેઓ કંઈ ગુરુ પાસે કે પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લેતા પણ કામસેન બનીને સંગીત સાંભળી કોઈ પોતાનો કંઠ વેચે છે જ્યારે કોઈ વસ્તુ ખરા અર્થમાં જો કાનસેન બનશુંને તે ઓળખવું ખૂબ જ સરળ બનશે.
મુંબઈમાં સંગીત ક્ષેત્રમાં જાણીતા મ્યુઝીક ડિરેક્ટર અને પંચમ સ્ટુડિયોના પ્રણેતા કશ્યપ સોમપુરા નાનપણથી સંગીત માટે પેશોનેટ હતા બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને અત્યાર સુધીમાં થિયેટર, એડવર્ટાઇઝ, ટીવીની સીરીયલ તેમજ હિન્દી-ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. કશ્યપના ઘરમાં સંગીતનું વાતાવરણ હોવાથી સવારે ઉઠતા પિતાજી કિર્તીભાઈ સોમપુરા સાથે રિયાઝ કરવા બેસી જતા હતા. ઘરમાં ગુરુ હોવાથી 24 કલાક સંગીતમાં રચ્યા પચ્યા રહેતા હતા. આશા ભોંસલે, ઉદીત નારાયણ, રૂપકુમાર રાઠોડ, ઉષા મંગેશકર તેમજ સાધના સરગમ સાથે મળીને સાઈ પાલખી નામનું ડિવોર્સનલ આલ્બમ બનાવ્યો હતો. તેમજ કેટલાક પ્રાઇવેટ આલ્બમ, પપ્પુ કી પસંદગી, હું મારી વાઈફને એનો હસબન્ડ, જયસુખ ઝડપાયો જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. હિન્દી ફિલ્મ તેમજ કોર્પોરેટ કંપની માટે પણ સંગીત આપ્યું હતું.