ભારતમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અલબત્ત એને ધાર્મિકતાથી જોડી દેવાયો છે જેમ કે આપણા અન્ય ભારતીય તહેવારો મોટેભાગે ધર્મથી જોડાયેલાં હોય છે. જે રાત્રે હોળી સળગાવવામાં આવે છે એના બીજા દિવસે લોકો એક બીજા પર વિવિધ રંગો ઉડાડી ધુળેટી ઉજવે છે. અમુક રાજ્યોમાં અને પ્રદેશોમાં ધુળેટી અલગ, અલગ નામથી ઓળખાય છે. હિન્દી વિભાગમાં એને ‘રંગપંચમી’ કહેવામાં આવે છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસથી શિયાળાની ઋતુનો અંત આવી વસંત ઋતુની શરૂઆત થાય છે. હોળી એટલે આનંદ ઉલ્લાસનો તહેવાર. મોટી ઉંમરના લોકો એક બીજાના ગાલ પર ગુલાલ લગાડી ધુળેટી ઉજવે છે જયારે નાના બાળકો અને યુવાનો પાણીમાં રંગો ભેળવી પ્રવાહી રંગો એક બીજા પર ઉડાડે છે.
હોળી એટલે હર્ષ ઉલ્લાસનો તહેવાર. એકબીજા પર રંગો ઉડાડી વસંતનું સ્વાગત કરવાનો દિવસ હોળી અને ધુળેટી.
હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે.
હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે
ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોળીકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. આનેજ મળતી એક કથા મુસ્લિમોમાં પણ છે.
હોળી અલગ, અલગ રાજ્યોમાં અલગ, અલગ નામથી ઉજવાય છે. ગુજરાતમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં એ ‘હુતાસણી’ના નામથી ઓળખાય છે. આંધ્ર પ્રદેશમાં હોળીકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે. હોળી મહારાષ્ટ્રમાં પણ ખુબ હર્ષોઉલ્લાસથી મનાવાય છે.
ભારત શિવાય હોળીનો તહેવાર અન્ય ઘણા દેશોમાં જ્યાં હિંદુઓ વસેલાં છે ત્યાં ઉજવાય છે. હોળી ઓસ્ટ્રેલિયા, સુરિનામ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, જર્મની, મોરિશિયસ, નેપાળ, સિંગાપોર અને અન્ય દેશોમાં પણ ઉજવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની ‘વાડ’ કહેવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે લોકો હોળી અને ધુળેટી હકીકતમાં તો વસંતના આગમનને આવકારવા માટે ઉજવતાં હોય છે. આમા એક મૂળભૂત માનવીય ઈચ્છા રહેલી છે અને તે એ કે ઉજવણી કરવી. મનુષ્ય સ્વભાવમાં ઉજવણી છે. આનંદ પ્રમોદ જીવનના અનેક રંગોમાંથી એક છે. એને સીમાઓની કે સરહદોની પરવાહ નથી હોતી. વિશ્વના અનેક દેશોમાં લોકો અનેક પ્રકારે આ દિવસે ઉજવણી કરે છે. મૂળમાં ઉજવણી છે ફક્ત એને ઉજવવાની રીતભાતમાં ફરક છે. અહીં આ લેખમાં સાત એવા ઉજવણીના કાર્યકરમોની વાત કરવામાં આવી છે જે ભારતની હોળી/ધુળેટીથી મળતાં આવે છે:
બોરિયાંગ કાદવ ફેસ્ટિવલ:
દક્ષિણ કોરિયામાં બોરિયાંગ શહેરમાં દર વર્ષે કાદવ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલ દર વર્ષે ૧૭મી જુલાઈએ ઉજવવામાં આવે છે. આના પાછળની ભાવના કોઈ ધાર્મિક નથી. બોરિયાંગ શહેર કાદવના વેપાર માટે પ્રસિદ્ધ છે. આ વેપારમાં ઓટ આવતાં અમુક લોકોએ ૨૦૨૦માં મડ ફેસ્ટિવલની શરૂઆત કરી. લોકો કાદવમાં પડવાની મજા લે છે. આ ફેસ્ટિવલની શરૂઆત બાદ ત્યાં કાદવ વેપાર ફરી વધી ગયો! દુનિયાભરથી લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવે છે. ત્યાંના અમુક લોકલ લોકોની માન્યતા છે કે કાદવથી ઘણા રોગો દૂર કરી શકાય છે! આયુર્વેદમાં પણ ‘કાદવ થેરાપી’ છે.
લા ટામેટીના:
સ્પેનના બુનોલ ટાવુનમાં દર વર્ષે ઓગસ્ટની ૨૬મીએ આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. પાકા ટામેટાં ભરેલી ટ્રકોમાં લોકો ટામેટાં પગોથી તોડતાં હોય છે અને એના રસમાં સ્નાન કરતાં હોય છે! ભારતમાં જેમ અમુક જગ્યાએ અમુક લોકો ફુગ્ગામાં રંગ ભરી એક બીજાં પર ફેંકે છે તેવીજ રીતે અહીં લોકો પાક ટામેટાં એક બીજ પર ફેંકે છે. આ તહેવાર કહેવાય છે કે ૧૯૪૪ કે ૪૫માં શરુ થયો હતો. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા દુનિયાભરથી લોકો આવે છે.જિંદગી ના મિલેગી દોબારા.
હારો અથવા હીરો વાઈન ફેસ્ટિવલ:
સ્પેનનાજ હારો શહેરમાં દર વર્ષે ૨૯મી જૂને આ ફેસ્ટિવલ ઉજવાય છે. નામમાં છે તે મુજબજ આ ફેસ્ટિવલ વાઈન સંબંધિત છે. આને અમુક લોકો વાઇની લડાઈ એટલે કે ‘બેટલ ઓફ વાઈન’ પણ કહે છે. અહીં વાઈન તો પીવેજ છે પરંતુ તે શિવાય એક બીજા પર વાઈન ફેંકે પણ છે! આમા મહિલા, પુરુષો, યુવાનો અને વૃદ્ધો પણ ઉલ્લાસથી ભાગ લે છે. આના મૂળમાં પણ ઉજવણી કરવાનીજ ભાવના છે.
ચીંચીલા વોટરમેલન ફેસ્ટિવલ:
ઓસ્ટ્રેલિયાના ચીંચીલા શહેરમાં દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ આ ઉતસ્વ મનાવવામાં આવે છે. કલિંગડને અંગ્રેજીમાં વોટરમેલન કહેવામાં આવે છે. આ ઉત્સવ અલગ, અલગ રીતે પુરા એક સપ્તાહ માટે ઉજવવામાં આવે છે. લોકો કલિંગડોને હાથ અને પગથી તોડે છે. તોડેલા કલિંગડોમાં બેસે છે, કુદકા મારે છે અને એક બીજા પર એના નાના મોટા ટુકડા ફેંકે છે! આ ફેસ્ટિવલની શરૂઆત ૧૯૯૪માં થઇ હતી.
સોન્ગકરણ ફેસ્ટિવલ:
થાઇલૅન્ડમાં દર વર્ષે એપ્રિલ ૧૩ થી ૧૫ દરમ્યાન આ ફેસ્ટિવલ ઉજવાય છે. દરઅસલ લોકો થાઈલેન્ડનું નવું વર્ષ ઉજવે છે. આ ફેસ્ટિવલ દરમ્યાન લોકો એક બીજા પર બરફથી ઠંડુ કરેલું પાણી ફેંકે છે. એક બીજાને નવડાવે છે. આ પાછળની એમની ભાવના એક બીજાના પાપોને ધોઈને પવિત્ર કરવાની હોય છે! ‘સોન્ગકરણ’ શબ્દ મૂળ સંસ્કૃતના ‘સંક્રાંતિ’થી આવેલો છે. બીજી પણ એક ભાવના છે અને તે એકતાની.
નારંગી લડાઈ:
ઇટલીમાં દર વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ આ ફેસ્ટિવલ ઉજવાય છે. સ્પેનના ટામેટાં ફેસ્ટિવલની જેમજ અહીં લોકો એક બીજા પર નારંગી ફેંકે છે. આ ફેસ્ટિવલ ઇટલીના આઇવેર શહેરમાં ઉજવાય છે. આની શરૂઆત ૧૮૦૮માં થઇ હતી. દર વર્ષે આ ફેસ્ટિવલમાં લગભગ ૪૦૦ ટન નારંગીઓનો ખુરદો બોલાવાય છે.
કાસકામોરા:
સ્પેનના ગોડિક્સ અને બાઝ શહેરોમાં દર વર્ષે સપ્ટેમ્બર ૬ થી ૯ સુધીમાં આ ફેસ્ટિવલ ઉજવાય છે. કહેવાય છે કે આ ફેસ્ટિવલ ૧૪૯૦થી ઉજવાય છે. આ ફેસ્ટિવલમાં લોકો વિર્જિન મેરીના પૂતળાને ચોરી કરે છે અથવા ચોરી કરતા અટકાવે છે.
અલગ, અલગ દેશોમાં આ શિવાય અનેક ઉજવણી કરવાના તહેવારો ઉજવાય છે. માનવગત સ્વભાવમાંજ ઉજવણી અને આનંદ પ્રમોદ છે. આમ કરવાથી મન પ્રફુલ્લ રહે છે અને અનેક બીમારીઓથી છુટકારો મળે છે.