માત્ર અભિનંદન નહીં, હવે ‘એન્ડોર્સમેન્ટ’ આપો: ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં, હવે સંસ્થાઓએ આગળ આવવનો સમય

બ્રામ્પટન, ઓન્ટારિયો: મ્યુનિસિપલ ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ગુજરાતી ઇન્ડો-કેનેડિયન સમુદાયમાં એક અનેરો રાજકીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા સમુદાયમાંથી અનેક ઉત્સાહી નાગરિકો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ ડોર-નોકિંગ, ફ્લાયર્સ , સ્થાનિક સેમિનારો અને સોશિયલ મીડિયા દ્વારા મતદારો સુધી પહોંચી રહ્યા છે. લોકો પણ કોફી શોપ, કમ્યુનિટી ઇવેન્ટ્સ અને વોટ્સએપ ગ્રુપ્સમાં ઉમેદવારોના ગુણદોષ ચકાસી રહ્યા છે. ‘ધ્વનિ ઓનલાઈન ન્યૂઝ’ પણ ઉમેદવારોના ઇન્ટરવ્યુ દ્વારા તેમની વિઝન જનતા સમક્ષ મૂકી રહ્યું છે.
પરંતુ આ સંપાદકીય લેખ એક વિશિષ્ટ પ્રશ્ન ઉઠાવે છે: આપણા સામાજિક નેતા, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો આ ચૂંટણીમાં શું ભૂમિકા ભજવશે?
‘ધ્વનિ’ આજે તમામ ગુજરાતી ઇન્ડો-કેનેડિયન સંગઠનો , ગુજરાતી એસોસિએશન્સ, સોસાયટીઓ, મંદિરો અને સમુદાયના અગ્રણી નેતાઓને ખુલ્લું આહ્વાન કરે છે કે તેઓ આગળ આવે અને ઉમેદવારોની ચૂંટણી લડવાની વાસ્તવિક ક્ષમતા તેમજ લાયકાતના આધારે યોગ્ય ઉમેદવારને જાહેર સમર્થન એટલે કે ‘એન્ડોર્સમેન્ટ’ આપે.
અહીં ‘ધ્વનિ’નો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ વ્યક્તિ માત્ર ગુજરાતી, હિન્દુ કે પરિચિત છે એટલા માટે તેને આંધળું સમર્થન આપી દેવું. એન્ડોર્સમેન્ટ ઉમેદવારે પોતાની ક્ષમતાથી કમાવવું પડે છે.
સંસ્થાઓ સ્થાનિક મુદ્દાઓ જેવા કે પ્રોપર્ટી ટેક્સ, હાઉસિંગ, ટ્રાફિક, પબ્લિક ટ્રાન્ઝિટ, ક્રાઇમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપરન્સી અંગે એક સમાન પ્રશ્નાવલી (ક્વેશ્ચનેર) તૈયાર કરી તમામ ગુજરાતી ઇન્ડો-કેનેડીયન ઉમેદવારોને મોકલી શકે છે. ઉમેદવારોના જવાબો, તેમનો ભૂતકાળનો અનુભવ અને સમુદાયમાં યોગદાનનું તટસ્થ મૂલ્યાંકન કરો. જો કોઈ સંગઠન ન્યાયી પ્રક્રિયાના અંતે કોઈ ઉમેદવારને યોગ્ય માને, તો તેને જાહેરમાં ટેકો આપતા અચકાવું ન જોઈએ.
એન્ડોર્સમેન્ટનો સીધો અર્થ એ જ છે: “અમે ઉમેદવાર ને ચકસ્યો છે અને અમારા જાહેર ધોરણોના આધારે આ ઉમેદવાર અમારું સમર્થન મેળવવા યોગ્ય છે.” પ્રશ્નાવલી અને પસંદગીના ધોરણો ટ્રાન્સપરન્ટ હોવા જોઈએ. વળી, એન્ડોર્સમેન્ટ એ માત્ર એક ભલામણ છે, કોઈ આદેશ નથી. સભ્યોને અસહમત થવાની પૂર્ણ સ્વતંત્રતા છે.
એક મહત્વપૂર્ણ વાત: કોઈ એક ઉમેદવારને સમર્થન આપવાનો અર્થ બીજા વિરુદ્ધ નકારાત્મક ઝુંબેશ ચલાવવાનો નથી. વ્યક્તિગત આક્ષેપો ન કરો અને કોઈની ક્ષમતાઓને ઓછી ન આંકો. ચૂંટણી લડવી એ ભારે હિંમત અને સમર્પણનું કામ છે, તે મહેનતનું સન્માન કરો.
સાથે જ, ચૂંટણીમાં ક્યારેય ડાર્ક હોર્સ કે અંડરડોગ ગણાતા ઉમેદવારને નબળો ન આંકવો. વિશાળ બજેટ કે સોશિયલ મીડિયા ફોલોઅર્સ વગરનો સામાન્ય ઉમેદવાર પણ ઘરે-ઘરે જઈને લોકોના દિલ જીતી શકે છે. આખરી નિર્ણય હંમેશા જાગ્રત મતદારોના હાથમાં હોય છે.
તેથી, સકારાત્મક રીતે સમર્થન આપો. ઉમેદવાર ‘A’ ને ટેકો આપતી વખતે ઉમેદવાર ‘B’, ‘C’ કે ‘D’ નું અપમાન કરવાની જરૂર નથી. દરેક મતદારનો મત તેનો પોતાનો છે. સમર્થનનો અર્થ માત્ર વોટ આપવો જ નથી, પરંતુ વિભાજિત થયા વિના લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો છે.
આજે કેનેડામાં ગુજરાતી ઇન્ડો-કેનેડિયનો પાસે સફળ વ્યાપાર, મંદિરો, વરિષ્ઠ અને યુવા મંડળો તેમજ સક્રિય સંસ્થાઓ છે. ચૂંટણી ડિબેટ્સ યોજો, નીતિઓની સરખામણી કરો અને પારદર્શક એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા સ્થાપિત કરી નિર્ણય પાછળ મક્કમતાથી ઊભા રહો.
કોઈપણ ઉમેદવાર પર કાદવ ઉછાળ્યા વગર સમર્થન આપો અને કોઈને શત્રુ બનાવ્યા વગર તમારો કિંમતી વોટ આપો. ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ડગલું માંડ્યું છે, હવે કમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સે પણ જવાબદારી નિભાવી આગળ આવવું પડશે.
— હિતેશ જગડ (ચીફ એડિટર, ધ્વનિ ઓનલાઈન ન્યૂઝ)
