23 September 2026

ઓટાવા સરકારે ગેસ ટેક્સ ફ્રીઝ લંબાવ્યો : પરંતુ કેનેડિયનોને હજુ વધુ નક્કર સહાયની જરૂર: ‘ધ્વનિ’નો વિશેષ અહેવાલ

    ઓટાવા — કેનેડાના વાહનચાલકોને લેબર ડે પછી પણ પેટ્રોલ-ડીઝલના પંપ પર થોડી રાહત મળવાનું ચાલુ રહેશે. ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા જતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ગૅસોલિનના ભાવ દબાણ હેઠળ છે, જેને ધ્યાનમાં રાખીને ફેડરલ સરકારે ફ્યુઅલ એક્સાઇઝ ટેક્સમાં આપેલી કામચલાઉ છૂટછાટને આગળ લંબાવવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રી ફ્રેન્કોઇસ-ફિલિપ શેમ્પેઇન આ વિસ્તરણની સત્તાવાર પુષ્ટિ કરે તેવી પૂરી શક્યતા છે, જેનાથી લેબર ડે પર પૂરી થતી ફેડરલ એક્સાઇઝ ટેક્સની મુદત પછી તરત જ ટેક્સ પાછો લાદવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ઇરાન સંબંધિત સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જાના ભાવ આસમાને પહોંચ્યા બાદ ઓટાવા સરકારે ગત એપ્રિલ મહિનામાં ફેડરલ એક્સાઇઝ ટેક્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધો હતો. આ માપદંડ હેઠળ ગૅસોલિન પર પ્રતિ લિટર ૧૦ સેન્ટનો ફેડરલ એક્સાઇઝ ટેક્સ દૂર કરવામાં આવ્યો હતો, જેથી પંપ પર ઝડપથી વધતા ભાવ સામે વાહનચાલકોને થોડું પ્રોટેક્શન મળી શકે.

    આ ટેક્સ રિલીફનું વિસ્તરણ એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડિયનો મોંઘવારી અને જીવનનિર્વાહના સતત વધતા બોજ સામે સંઘર્ષ કરી રહ્યા છે. ઇંધણના વધતા ભાવ માત્ર કારચાલકો કે વાહનચાલકો પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ તેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડે છે. ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચની સીધી અસર ટ્રકિંગ, એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, રેસ્ટોરન્ટ્સ અને રિટેલર્સ પર પડે છે, જે આખરે સામાન્ય ગ્રાહકો માટે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારી દે છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે આ ટેક્સ રિલીફ લંબાવવાના નિર્ણયને આવકાર્યો છે અને ઓટાવા સરકારને આ રાહત કાયમી ધોરણે આપવા માટે અપીલ કરી છે. આ સાથે વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ ફેડરલ સરકાર પર વધુ પગલાં લેવા દબાણ કર્યું છે, જેમાં આ ટેક્સ પોઝને વર્ષના અંત સુધી ચાલુ રાખવાની અને ફ્યુઅલ પર વધારાની GST રાહત આપવાની માંગણી શામેલ છે.

    પંપ પર મળતી આ થોડા સેન્ટની રાહત ચોક્કસપણે આવકારદાયક છે, પરંતુ ‘ધ્વનિ’ ઇન્ડો-કેનેડિયન ન્યૂઝપેપરનું સ્પષ્ટ માનવું છે કે કેનેડિયનો આજે જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે, તેને ઉકેલવા માટે માત્ર ગૅસોલિન ટેક્સ રિલીફ હવે પૂરતી નથી. ગ્રોસરીના બિલ હજુ પણ અતિશય ઊંચા છે, ઘરોનું બજેટ ખોરવાઈ ગયું છે અને સતત વધતી ફુગાવાની અસર કેનેડિયનોની ખરીદશક્તિને નબળી પાડી રહી છે. જ્યારે પરિવાર પોતાના દરેક ડોલરને ખર્ચતા પહેલાં વિચાર કરવા મજબૂર બને છે, ત્યારે ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડિંગ એટલે કે બિન-જરૂરી ખર્ચ ઘટી જાય છે — અને તેની સૌથી પહેલી માઠી અસર રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટાલિટી બિઝનેસ અને અન્ય નાના સ્થાનિક વ્યાપારીઓ પર પડે છે.

    તેથી જ ઓટાવા સરકારે વધુ વ્યાપક અને ટાર્ગેટેડ અફોર્ડેબિલિટી મેઝર્સ પર વિચાર કરવાની જરૂર છે, જેમાં કેનેડિયનોને સ્થાનિક સ્તરે ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે બીજી એક GST/HST હોલિડેની જાહેરાતનો સમાવેશ થઈ શકે છે. જો રેસ્ટોરન્ટ્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને આવરી લેતી એક સુઆયોજિત ટેક્સ હોલિડે જાહેર કરવામાં આવે, તો તેનાથી પરિવારોને પોતાના દરેક ડોલર પર વધુ વેલ્યુ મળશે અને સામે પક્ષે ફૂડ, લેબર અને ઓપરેટિંગ કોસ્ટના વધતા ખર્ચ સામે ઝઝૂમી રહેલા સ્થાનિક વ્યવસાયોને ખૂબ જ જરૂરી એવી આર્થિક ગતિશીલતા મળશે.

    ગેસ ટેક્સ રિલીફ વાહનચાલકોના ખિસ્સામાં માત્ર થોડા ડોલર પાછા મૂકે છે. પરંતુ ઓટાવા સરકાર સામે હવે સાચો પડકાર એ છે કે તેઓ કેનેડિયનોમાં એવો આત્મવિશ્વાસ કેવી રીતે જગાવે કે જેથી તેઓ એ ડોલર પોતાના સ્થાનિક સમુદાય અને કમ્યુનિટીમાં ખર્ચવા તૈયાર થાય. કારણ કે આજે અફોર્ડેબિલિટીનો મુદ્દો માત્ર એ નથી રહ્યો કે કેનેડિયનો પંપ પર ગૅસ માટે કેટલો ભાવ ચૂકવે છે — પણ ખરી વાત એ છે કે અન્ય તમામ જરૂરી ખર્ચાઓ ચૂકવ્યા પછી તેમના ખિસ્સામાં ખરેખર કેટલા ડોલર બચે છે.

    Share with friends

    What do you feel about this?

    You may have missed

    Total
    0
    Share