
ટોરોંટો, 1 માર્ચ 2025 –ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરોંટો દ્વારા અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળા ( આચાર્ય મહારાજશ્રીના ધર્મપત્ની ) ના માર્ગદર્શન નીચે ચાલતી અનાથાશ્રમ સંસ્થા “આંગન” માટે એક વિશિષ્ટ હાસ્યકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ તેમની અનોખી શૈલીમાં સત્સંગીઓને મનોરંજન આપ્યું અને સાથે સાથે સમાજસેવા માટે સહાય કરવાનો સંદેશ પણ આપ્યો. આ ભવ્ય કાર્યક્રમ બ્રેમ્પટનના ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં યોજાયો, જ્યાં લગભગ 200 જેટલા સત્સંગીઓએ હાજરી આપી હતી.
હાસ્ય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય
આ હાસ્ય કાર્યક્રમનો મુખ્ય લક્ષ્ય ગુજરાતમાં અમદાવાદ ખાતે અનાથ બાળકો માટે આશરો પૂરો પાડતી સંસ્થા ‘આંગન’ માટે દાન એકત્ર કરવાનો હતો ‘આંગન’ સંસ્થા વર્ષોથી અમદાવાદમાં અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે આશરો પૂરો પાડે છે. આ બાળકો માટે યોગ્ય ભોજન, શિક્ષણ અને આરોગ્યસંભાળ ઉપલબ્ધ કરાવવા માટે આ ધનસહાય ઉપયોગમાં લેવામાં આવશે.
10,000 કેનેડીયન ડોલરથી વધુની રકમ એકત્રિત
આ હાસ્ય કાર્યક્રમ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમમાંથી તમામ ખર્ચ બાદ કરતા આશરે 10,000 કેનેડીયન ડોલર (લગભગ ₹6.25 લાખ) ‘આંગન’ અનાથાશ્રમને અર્પણ કરવામાં આવશે. આ સમારંભ ના મુખ્ય દાતાઓની યાદી :
- પ્રમુખ રાકેશ ચૌધરી – $1000
- હાસ્યકાર જગદીશ ત્રિવેદી – $700
- દાનવીર રમણ ચૌધરી – $500
- ભારતમાતા મંદિરના પ્રણેતા અને પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર જેફ લાલ – $500
ઉપરાંત અન્ય ઘણા સત્સંગીઓએ હૃદયપૂર્વક દાન આપ્યું અને આ પુણ્ય કાર્યમાં સહયોગ આપ્યો હતો .



વિશિષ્ટ મહેમાનો અને સમાજસેવી સંસ્થાઓનો સહયોગ
કાર્યક્રમ દરમિયાન અનેક સામાજિક કાર્યકર્તાઓ અને વિદેશમાં વસતા ભારતીયોએ સહયોગ આપ્યો. અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ પણ આ કાર્ય માટે પોતાનું યોગદાન આપ્યું. કનેડામાં વસતા ભારતીયો ન તો માત્ર તેમની મૂળભૂત સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, પરંતુ માતૃભૂમિની પ્રગતિ માટે પણ સતત પ્રયત્નશીલ રહી કાર્યરત રહે છે. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતું જ નહોતું, પણ વિદેશમાં વસતા ભારતીયો કેવી રીતે પોતાના વતન માટે પણ સક્રિયપણે યોગદાન આપી શકે છે, તે સાબિત કરતો પ્રેરણાદાયક ઉદાહરણ હતો. આ શ્રેણીમાં વધુ પ્રોગ્રામ યોજવા માટે અને વધુ અનાથ બાળકોને મદદ કરવા માટે કમિટી દ્વારા નવો આરંભ કરવાની યોજના ઘડાઈ રહી છે
ડો. જગદીશભાઈ ત્રિવેદી: હાસ્ય દ્વારા હકારાત્મકતા અને સમાજસેવા
પ્રખ્યાત હાસ્યકાર ડો. જગદીશ ત્રિવેદી માત્ર હાસ્ય દ્વારા મનોરંજન આપતા નથી, પણ જીવનમાં હકારાત્મકતા અને સમાજસેવાનો સંદેશ પણ આપે છે. તેમની વક્તૃત્વ કળા અને રમૂજભરી શૈલી શ્રોતાઓને મનમુકી હાસ્ય સાથે વિચારવા માટે પણ મજબૂર કરે છે. “સેવા એ મહાન ધર્મ છે” એમ કહીને તેમણે દર્શકોને સમાજસેવામાં સહયોગ આપવા પ્રેરિત કર્યા. તેઓએ હાસ્યને માત્ર વિનોદ પૂરતું જ નહીં, પણ જીવનના ઉતાર-ચડાવ વચ્ચે સકારાત્મકતા જાળવવાનો શ્રેષ્ઠ સાધન ગણાવ્યું. તેમના હાસ્યમાં સંસ્કૃતિ અને જીવનમૂલ્યોની ઝલક જોવા મળે છે, જે શ્રોતાઓના હૃદયને સ્પર્શી જાય છે.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મેહમાનો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી . પાંઉભાજી, ગુલાબજાંબુ, પુલાવ અને છાસનો સ્વાદિષ્ટ પ્રસાદ સેવા ભાવથી વિતરણ કરવામાં આવ્યો. ભોજન દરમિયાન સત્સંગીઓએ એકબીજા સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો અને આ સેવાકીય પ્રયત્નને આગળ ધપાવવાની પ્રતિજ્ઞા લીધી. પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સૌએ કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થા અને સ્વયંસેવકોની પ્રશંસા કરી અને આવનારા સમયમાં આવા વધુ શુભ કાર્યક્રમો યોજાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.