USA ટૅરિફ્સ અને તેની અસર : કેનેડાને કેવી રીતે આત્મનિર્ભર બનવું તે શીખવું પડશે!

      હિતેશ જગડ દ્વારા વિશેષ અહેવાલ :

      અમેરિકા-કેનેડા વચ્ચેનો વેપારી સંઘર્ષ હવે તીવ્ર બન્યો છે! અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન આયાત પર 25% અને એનર્જી ઉત્પાદનો પર 10% ટૅરિફ લાદીને વ્યાપાર યુદ્ધને વધુ ઉગ્ર બનાવ્યું છે. આ પગલું માત્ર ઉદ્યોગોને નહીં, પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ આર્થિક સંકટ ઊભું કરશે. મોંઘવારીમાં વધારો, મંદી અને રોજગારીમાં ઘટાડા જેવા ખતરા કેનેડાની અર્થવ્યવસ્થાને મોટો આંચકો આપી શકે છે.

      ટેરિફ ની કેનેડાના નાગરિકો માટે તાત્કાલિક અસર

      ટ્રમ્પના આ ટૅરિફ યુદ્ધનો સીધો પ્રભાવ કેનેડાના મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગ પર પડશે. ગ્રોસરી ના ભાવ માં ઉછાળો જોવા મળશે, મોંઘુ પેટ્રોલ, મકાનના ભાવમાં વધારો, વધતા વાહન ખર્ચ અને રોજિંદા વપરાશની વસ્તુઓ માટે વધતા ભાવ—આ બધું કેનેડિયન નાગરિકોના જીવન પર સીધો પ્રભાવ પાડી શકે છે.

        હાઉસિંગ માર્કેટ: લંબર પર લાગેલા ટૅરિફસના કારણે નવી મકાનની કિંમતોમાં ભારે વધારો જોવા મળશે. જે લોકો મકાન ખરીદવાની તૈયારીમાં હતા, મોંઘા હાઉસિંગ બજારનો સામનો કરવો પડશે. બાંધકામ ઉદ્યોગ માટે આ મોટો આંચકો સાબિત થશે, કારણ કે નવા પ્રોજેક્ટ્સમાં વિલંબ અને બજારમાં મંદી જોવા મળશે.

        આલ્કોહોલ અને ખાદ્યઉત્પાદનો: કેનેડિયન / અમેરિકન વિસ્કી, બીયર અને સ્પિરિટ્સ પર નવા ટૅરિફ્સ લાગતા ભાવ ઉંચા જશે, જેના કારણે ગ્રાહકો માટે પીણાં વધુ મોંઘા બનશે. બ્રુઅરીઝ અને ડિસ્ટિલરીઝ માટે પણ ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જેનાથી આ ઉદ્યોગમાં રોજગારી માટે સંકટ ઊભું થઈ શકે છે.

        ટેકનોલોજી અને ગૃહ ઉપકરણો: સ્માર્ટફોન, લેપટોપ, ટીવી અને અન્ય ટેક પ્રોડક્ટ્સ હવે 20-30% વધુ મોંઘા થઈ શકે છે. આઈફોન કે ગેમિંગ કન્સોલ ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને વધુ ખર્ચનો સામનો કરવો પડશે.

        ઓટોમોબાઇલ ઉદ્યોગ: કેનેડા દર વર્ષે અમેરિકાને $87 બિલિયન ડોલરના વાહનો અને $64 બિલિયન ડોલરના ઓટો પાર્ટ્સ મોકલે છે. ટૅરિફના કારણે કારોના ભાવ ઉંચા જશે, અને ઉદ્યોગમાં મોટા પાયે લેઑફ્ફ થઈ શકે છે. વાહન માલિકો માટે ઓટો રિપેરિંગ અને સ્પેર પાર્ટ્સ માટેનો ખર્ચ પણ બમણો થઈ શકે છે.

        એનર્જી બજાર અને પેટ્રોલના ભાવ: કેનેડા દર વર્ષે અમેરિકાને $97 બિલિયન ડોલરનું ઓઈલ અને નેચરલ ગેસ મોકલે છે. 10% ટૅરિફ લાગતા, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉછળી શકે છે, જે ટ્રાન્સપોર્ટ અને એનર્જી ખર્ચમાં વધારો કરી શકે છે.

          કેનેડાની સરકારનો પ્રતિકાર: ટ્રુડોનો તીવ્ર પ્રતિસાદ!

          પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તાત્કાલિક પગલાં ભરતા 30 બિલિયન ડોલરના પ્રતિસાદી ટૅરિફ્સ લાગુ કરવાની જાહેરાત કરી છે, જે તુરંત જ અમલમાં આવશે. આ પછી 21 દિવસમાં કેનેડા અમેરિકાના ઉત્પાદનો પર 125 બિલિયન ડોલરના વધારાના ટૅરિફ્સ લાદશે, જેથી ઉદ્યોગો માટે વૈકલ્પિક સપ્લાય ચેઇન વિકસાવી શકાય.

          ટ્રુડોનો સંદેશ માત્ર કેનેડિયન નાગરિકો માટે જ નહીં, પરંતુ અમેરિકન નાગરિકો માટે પણ ચેતવણી છે. આ ટૅરિફ્સને કારણે ઉદ્યોગો બંધ થશે, ઓટો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અસર પડશે, અને ગ્રોસરી તથા ગેસના ભાવ ઉંચા જશે.

          કેનેડાના પ્રતિસાદી ટૅરિફ્સમાં સામેલ:

          • અમેરિકન બીયર, વાઇન અને બર્બન
          • ફળ, શાકભાજી અને ઓરેન્જ જ્યુસ સહિત
          • પરફ્યુમ, કપડાં અને શૂઝ

          કેનેડા ના પ્રિમિયરોની પ્રતિક્રિયા:

          • ઓન્ટારિયાના પ્રીમિયર ડગ ફોર્ડએ આ પગલાને “ખોટું અને ડેન્જર ફોર ઈકોનોમી” ગણાવ્યું.
          • બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ તાત્કાલિક અસરથી અમેરિકન લિકર ખરીદવાનું બંધ કરવાની જાહેરાત કરી.
          • અલ્બર્ટાના પ્રીમિયર ડેનિએલ સ્મિથએ જણાવ્યું કે “આ નીતિ બંને દેશો માટે વિનાશક સાબિત થશે”.

            કેનેડિયન ઉદ્યોગો અને મજૂર સંગઠનોનો પ્રતિકાર!

            કેનેડાના ઉદ્યોગો અને મજૂર સંગઠનો પણ આ પગલાને આર્થિક યુદ્ધ ગણાવી રહ્યા છે. યુનિફોર, કેનેડાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું યુનિયન, “અમેરિકા સામે હવે કેનેડાને સ્વતંત્ર થવું પડશે” એમ કહી કેનેડાને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનવા આહવાન આપ્યું છે.

            આપણે આટલું તો કરીજ શકીયે : સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપો!

            આજની પરિસ્થિતિમાં, કેનેડાના નાગરિકોએ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી બની ગયું છે. ‘મેડ ઈન કેનેડા’ ઉત્પાદનો ખરીદીને અને સ્થાનિક વેપારીઓ પાસેથી સામાન લઈને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય.

            જ્યારે આપણે કેનેડિયન શાકભાજી, દૂધ, કપડાં, લાકડાં, અને ઈલેક્ટ્રોનિક્સ ખરીદીશું, ત્યારે નાણાં કેનેડાની અર્થવ્યવસ્થામાં જ રહેશે અને રોજગારીમાં વધારો થશે.

            લોકલ ખરીદી માત્ર એક વિકલ્પ નહીં, પણ દેશને મજબૂત બનાવવા માટેનો માર્ગ છે.

            દરેક વખતે ખરીદી કરતાં પહેલાં, એક સવાલ પૂછો: શું કેનેડામાં બનેલું છે?

            આજથી જ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરો, ‘મેઇડ ઈન કેનેડા’ પસંદ કરો અને કેનેડાને વધુ આત્મનિર્ભર બનાવવામાં તમારું યોગદાન આપો! સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને કેનેડાની અર્થવ્યવસ્થાને મજબૂત કરીશું!.

              આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

              Subscribe Our Newsletter

              Total
              0
              Share