મનુષ્ય જીવન અતિ કિંમતી છે. તેને વેડફી નાખવું અયોગ્ય છે. ઘણી વખત સમસ્યાઓથી ઘરાયેલો માનવી અંતિમ પગલું ભરતો હોય છે. આપઘાત કરવો એ કાયદાની દ્રષ્ટીએ અપરાધ તો છે જ પરંતુ સામાજિક દ્રષ્ટીએ પણ યોગ્ય નથી. જોકે સમસ્યાથી નાસીપાસ થઇને આપઘાત કરવાના કિસ્સા બનતા જ રહે છે. આવો જ એક કિસ્સો આંકલવ પોલીસ સ્ટેશનની હદમાં બનવા પામ્યો છે. જ્યાં વડોદરાના યુવાન અને ભાજપના વોર્ડ-18ના પ્રમુખે આપઘાત કરી લેતા મહિસાગર કિનારેથી તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ -18ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલનો આજે સવારે 11 વાગ્યાની આસપાસ ઉમેઠા સ્થિત મહિસાગર નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ નદીમાં મૃતદેહ જોતા તુરંત આંકલવ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્થળ ઉપર પહોંચતા મૃતદેહ બહાર કાઢી તેની તપાસ કરતા ઓળખ છતી થઇ હતી. પોલીસને સ્થળ પરથી એક એક્ટિવા પણ મળી આવી હોવાનું જાણવી મળી રહ્યું છે.
ઓળખ છતી થતાંની સાથે પોલીસ દ્વારા આ અંગેની જાણ મૃતકના પરિવારને કરાતા ભાજપના સ્થાનિક નેતાઓ પણ આંકલવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ મામલે નિવેદનો નોંધવાની કામગીરી કરવામાં આવી રહીં છે. પરંતુ પાર્થ પટેલે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન આ કિસ્સો શહેરભરમાં ચર્ચાની ચગડોળે ચડ્યો છે.
#VADODARA #suicide #police #word-18-president #mahisagar-rever #anklav