- લોકસભાની ચૂંટણી વખતે જ પોરબંદર, ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડિયા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે.
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યો ઉપરાંત એક અપક્ષ ચછા એક આપના ધારાસભ્યએ રાજીનામું ધરી દેતા વિધાનસભાની પેટાચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. લોકસભાની ચૂંટણી માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થઇ શકવાની શક્યતા છે. આ જોતાં ભાજપ હાઇકમાન્ડે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીની સાથે રાજ્યમાં ખાલી પડેલી ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે.
સોમવાર ગુજરાતના રાજકારણમાં ઘણો નિર્ણાયક દિવસ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પંજાને અલવિદા કહી દેતા આ બેઠક પણ ખાલી થઈ છે. કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ, સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા એમ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખંભાત બેઠક પર કોંગ્રેસને અલવિદા કહીને ચિરાગ પટેલે કેસરિયા કર્યા છે. આ જોતાં આ બેઠક ખાલી પડી છે. કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય સી.જે. ચાવડાએ પણ વિજાપુર બેઠક પર ધારાસભ્યપદે રાજીનામુ ધર્યુ છે. વિસાવદર બેઠક પર આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પરિણામે આ બેઠક પણ ખાલી પડી છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. આમ, આ ચારેય બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. જ્યારે બીજી યાદીમાં એકાદ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળે તો વધુ એકાદ બે બેઠક પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા પણ નકારી શકાય એવી નથી.
તેનુ કારણ એ છે કે, ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ, ઉપદંડક કૌશિક વેકરિયા, પૂર્વ મંત્રી-ધારાસભ્ય જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી રમણ પાટકર, ધારાસભ્ય ગણપત વસાવાએ ટિકિટ માંગી છે. હવે આ ચારેય બેઠકો પર કોણ ઉમેદવાર હશે તે અંગે અટકળો જામી છે પણ મોટાભાગે પક્ષપલટુઓને ભાજપ પેટાચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે.
એવું જાણવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણી વખતે જ પોરબંદર,ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડિયા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. આ જોતાં આ પાંચેય વિધાનસભા મત વિસ્તારમાં બે ઈવીએમ હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે. લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયાં બાદ આ બેઠકોના ઉમેદવારોની જાહેર કરાય તેવી સંભાવના છે.
#Gujarat #politics #congress #BJP #APP #arjun-modhwadiya #Amrish-der