- લોકસભાની ચૂંટણીમાં ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
- મનસુખ માંડવીયા પોરબંદર અને રુપાલા રાજકોટથી લડશે ચૂંટણીઃ સી.આર. પાટીલ નવસારીથી મેદાનમાં ઉતરશે
- મોદી સરકારના 34 મંત્રીઓને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા મોદી સરકારના 34 મંત્રીઓને પણ આ યાદીમાં સામેલ કરાયા
ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે, ત્યારે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની 195 ઉમેદવાર સાથેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 15 સીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી ગત બે ચૂંટણીથી ગુજરાત લોકસભાની ચૂંટણીનું એપીસેન્ટર રહ્યું છે. ગુજરાતના પરફોર્મન્સ પર સૌ કોઈની નજર રહેલી છે. તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચાર દિવસમાં 1.10 લાખ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરી મોદીની ગેરંટેડ ગીફ્ટ નાગરિકોને આપી હતી.
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. લિસ્ટમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધન કરતા જણાવ્યું છે કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીને થયેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા હતા. જેની ઘોષણા આજે અમે કરી રહ્યા છીએ. વિનોદ તાવડેએ કહ્યું કે, પીએમ મોદી ફરી એક વાર વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત 34 મંત્રીઓને પણ પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતની 15 બેઠકોને પ્રથમ યાદીમાં સમાવવામાં આવી છે. જેમાં પાટણ બેઠક માટે ભરતસિંહ ડાભી, કચ્છ માટે વિનોદ ચાવડા(SC)ના નામે જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્રિમથી દિનેશ મકવાણા(SC), બનાસકાંઠાથી રેખાબહેન ચૌધરી, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા અને જામનગરથી પુનમ માડમ ભાજપની ટીકીટ પર ચૂંટણી લડશે. તો આણંદમાંથી મિતેશ રમેશ પટેલ, ખેડામાંથી દેવુંસિંહ ચોંહાણ, પંચમહાલમાંથી રાજપાલસિંહ જાધવ, દાહોદમાંથી જશવંત સિંહ, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીમાંથી પ્રભુભાઈ વસાવા અને નવસારીમાંથી સી.આર. પાટીલ ચૂંટણી લડશે.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા પહેલી ચૂંટણી યાદી જાહેર કરવામાં આવી છે. આ પહેલા સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન મોદીને વારાણસીથી ઉમેદવાર બનાવવામાં આવશે અને ત્યાંથી ચૂંટણી લડશે. આ સાથે જ, મોદી સરકારના 34 મંત્રીઓને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સાથે, જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.
ભાજપની 195ની યાદીમાં ઘણા દિગ્ગજ નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. જેમાં બે પૂર્વ મુખ્યમંત્રી, લોકસભા અધ્યક્ષ, 50 વર્ષથી ઓછી ઉંમરના 46 નેતાઓને ટિકિટ ફાળવાઈ છે. જ્યારે ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને પણ ટિકિટ આપી છે. જ્યારે 47 યુવાનેતાને તેમજ 27 અનુસુચિત જાતિના નેતાઓ તેમજ 18 અનુસુચિત જનજાતિના આગેવાનો, 5 OBC આગેવાનને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે યુવા, પીઢ, અનુભવી, મહિલાઓ સહિત જાતિ સમીકરણને પણ સંતુલિત રાખવાનો પ્રયાસ કર્યો છે.