જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે, નબળાઈ છે, તથા દરિદ્રતા છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ અંધારૃ છે. જ્ઞાન થકી મનુષ્ય પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે, તથા સારા અને નઠારા વચ્ચેનો તફાવત સમજી શકે છે. જ્ઞાન મનુષ્ય ને તેના જીવનના સત્ય માર્ગ તરફ દોરી જાય છે. તેના વિરુદ્ધ અજ્ઞાની મનુષ્ય સારા અને નઠારા વચ્ચેનો તફાવત નથી સમજી શકતો તથા અજ્ઞાનતા મનુષ્ય ને ઘણીવાર જીવનના સત્ય માર્ગેથી ચલિત કરી દે છે.
જીવનના દરેક ક્ષેત્રમાં એક સારૃં અને મોભાવાળું સ્થાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની જરૃરત પડે છે. કોઈ એક ચોક્કસ ક્ષેત્ર કે વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘણો લાંબો સમય પણ લાગી શકે છે, જેવી રીતે કે દાકતરી કે ઈજનેરીના શિક્ષણ માટે વિદ્યાપીઠમાં ચાર, પાંચ કે વધુ વર્ષ પણ કાઢવા પડે છે, અને તે પછી પણ આ ચોક્કસ અને ખાસ જ્ઞાન પ્રાપ્ત કરનાર મનુષ્ય પોતાને સંપુર્ણ જ્ઞાની તરીકે ન જ ઓળખાવી શકે, કારણ કે જ્ઞાન એ એટલા ઉંડા મહાસાગર સમાન છે કે તેનો કોઈ અંત નથી.
ધાર્મિક ક્ષેત્રે પણ મનુષ્ય ને ધર્મને તથા ધર્મશાસ્ત્રોને સમજવા માટે સમજ, ડહાપણ, બુદ્ધિ એટલે કે જ્ઞાનની જરૃરત પડે છે, અને તે થકી જ તે ધર્મનું તથા ધર્મશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અને ધર્મને તથા ધર્મશાસ્ત્રોને સારી રીતે સમજી શકે છે. તેના વિરુદ્ધ અજ્ઞાની મનુષ્ય જો ધર્મનું અને ધર્મશાસ્ત્રોનું અનુસરણ કરે છે, તો તે કેવળ એક શ્રધ્ધા કે અંધ શ્રધ્ધા હેઠળ કરે છે, કારણ કે તેણે ધર્મ કે ધર્મશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત નથી કરેલ.
આ અનુસાર મનુષ્ય માટે એ અત્યંત જરૃરી છે કે તે જ્ઞાન પ્રાપ્ત કરે. ગુજરાતી ભાષામાં એક બહુ જ જુની કહેવત છે કે “ગુરૃ વિના જ્ઞાન નહિ.” આ કહેવત ખરેખર સત્ય છે. પરંતુ અત્યારની આ એકવીસમી સદીમાં પુસ્તકો તથા કમ્પ્યુટર એટલે કે ઈન્ટરનેટ પણ એક ગુરૃની ગરજ સારે છે, અને તેના થકી પણ મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, કારણ કે આ પુસ્તકો તથા ઈન્ટરનેટ પર જ્ઞાનનો સંગ્રહ પણ ગુરૃ થકી જ થાય છે. અને આ અનુસાર આ જુની કહેવત અત્યારે એકવીસમી સદીમાં પણ સાચી પડે છે.
આ એકવીસમી સદી, જેને ઈન્ટરનેટની સદી પણ કહી શકાય, તેમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક ઠેકાણેથી બીજા ઠેકાણા પર જવાની જરૃરત નથી પડતી, પરંતુ ઘર બેઠે પણ ઈન્ટરનેટ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અને ત્યાં સુધી કે વિદ્યાપીઠોમાં પ્રવેશ પામવા માટેની પરીક્ષાઓ તથા બીજા પ્રકારની પરીક્ષાઓ ઘેર બેઠા કમ્પ્યુટર પર બેસીને પણ આપી શકાય છે. તે અનુસાર મનુષ્ય ને કોઈ પણ પ્રકારનું અનુકુળ જ્ઞાન જરૃર પ્રાપ્ત કરવું જોઈએ, જેથી મનુષ્ય જગત જીવનમાં સફળ થઈ શકે.
જ્ઞાનની મહત્વતા તથા અગત્યતા વિષે તથા જ્ઞાન પ્રાપ્ત કરવા વિષે જગતના દરેક ધર્મમાં ભાર મુકવામાં આવેલ છે, કારણ કે જ્ઞાન થકી જ મનુષ્ય પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે, અને તેને પ્રાપ્ત પણ કરી શકે છે, અને જ્ઞાન થકી જ મનુષ્ય પોતાનાં ધર્મ તથા પોતાના ધર્મગ્રંથોને સમજી શકે છે. જ્ઞાન ની મહત્વતા અને અગત્યતા વિષે જગત ના ધર્મશાસ્ત્રો માં પણ કહેવામાં આવેલ છે. ચાલો જોઈએ કે જગત ના ધર્મશાત્રો જ્ઞાન અને અજ્ઞાનતા વિષે શું કહે છે.
મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં જ્ઞાન અને અજ્ઞાનતા વિષે જે કહેવામાં આવેલ છે તેનો સાર આ પ્રમાણે છે. શું જેઓ જ્ઞાની છે અને જેઓ અજ્ઞાની છે તે કદી સમાન (એક સરખા) હોય શકે છે? શિખામણ (બોધ) તો કેવળ સમજદાર લોકો જ ગ્રહણ કરે છે. જો તમે ન જાણતા હો (જ્ઞાન ન રાખતા હો), તો તમે ધર્મશાસ્ત્રોના જ્ઞાનવાળાઓ )ને પુછી લો. કોઈ એવી વાતની પાછળ ન પડો, જેનું તમને જ્ઞાન નથી. નરમાશ અને દરગુજરની રીત અપનાવો, ભલાઈની શિખામણ આપતા રહો, અને અજ્ઞાની લોકો સાથે નિરર્થક ચર્ચાથી દુર રહો. સર્જનહાર ના ભક્તો તેઓ છે, જેઓ ધરતી પર નમ્રતાપુર્વક ચાલે છે, અને જ્યારે અજ્ઞાની લોકો તેમનો સંબોધે (મોઢે લાગે) છે, તો તેઓ તેમને કહે છે કે તમારા પર સલામતિ હો. જ્ઞાન વિષે હિન્દૂ ધર્મશાત્ર ભગવદ ગીતા અનુસાર આ જગત માં જ્ઞાન સિવાય કશું પણ શુદ્દ નથી. જે મનુષ્ય એ યોગ માં પુર્ણતા પ્રાપ્ત કરેલ, તેને ટુંક સમય માં જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન કેવળ અસલી અને સાચા આધ્યાત્મિક ગુરુ પાસે થી પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિષે ખ્રિસ્તી ધર્મશાત્ર બાઇબલ અનુસાર જ્ઞાન સર્જનહાર તરફ થી ભેટ સ્વુરુપે હોય છે. જ્ઞાન એ સમજણ અને શાણપણ પ્રાપ્ત કરવા માટે નું સાધન છે. સર્જનહાર તરફ થી જ્ઞાન તેઓ ને પ્રાપ્ત થાય છે, જેઓ સર્જનહાર સાથે પ્રમાણિક સંબંધ રાખે છે.
અંગ્રેજી માં એક સુવાક્ય છે Acquire knowledge from cradle to the grave. જેનું ગુજરાતી માં ભાષાંતર છે “જ્ઞાન પ્રાપ્ત કરો, પારણા થી લઈને ઠેઠ કબર સુધી.” એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ વય મર્યાદા નથી હોતી. બહુજ નાની વય થી લઈ ને વુધ્ધાવસસ્થા સુધી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન એ એક બહુજ ઉંડા મહાસાગર સમાન છે, જેની ક્ષમતા ન માપી શકાય. જ્ઞાન એ એવી કિંમતી સંપત્તિ છે જેને ન કોઈ ચોરી કરી શકે છે કે લુંટી શકે છે જ્ઞાન સમાન સંપત્તિ ને ખર્ચ કરવાથી એટલે કે જ્ઞાન ની વહેંચણી કરવાથી એટલે કે જ્ઞાન બીજાઓ ને આપવાથી તે જ્ઞાન માં જરા પણ અછત નથી થતી પરંતુ તેમાં હંમેશા વધારો જ થતો રહે છે.
આ જગતમાં જેમ અસંખ્ય જ્ઞાનીઓ અસ્તિત્વ ધરાવે છે, તેવી જ રીતે અસંખ્ય અજ્ઞાનીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. જેમ જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ જ્ઞાનની બાબત માં એક સરખા ન હોય શકે, તેવી જ રીતે અજ્ઞાનીઓનો વર્તાવ, તેમનો સ્વભાવ તથા તેમની વર્તણૂંક પણ જ્ઞાનીઓ જેવી ન હોય શકે. તે અનુસાર જ્યારે કોઈ અજ્ઞાની કોઈ જ્ઞાની સાથે વાદવિવાદ કરે, ત્યારે જ્ઞાની માટે અજ્ઞાનીને ઈંટનો જવાબ પથ્થરથી આપવાના બદલે ચુપકીદી સાધવી જોઈએ. અને આ જ નીતિ તેમના માટે ઉત્તમ છે. એટલે કે અજ્ઞાની, સાથે નિરર્થક ચર્ચા કે વાદવિવાદ કરવાથી દુર રહેવું જોઈએ. જો કે તેને નમ્રતાપુર્વક સમજાવવું પણ એક શ્રેષ્ઠ કાર્ય છે, પરંતુ તેની સાથે નિરર્થક ચર્ચા કે વાદવિવાદ કરવો વ્યર્થ છે.
ઉપસંહાર એ કે જ્ઞાન મેળવવું એ જીવનનો એક બહુ જ અગત્યનો ભાગ તથા અગત્યનું કર્તવ્ય છે. આ જગતના જુદા જુદા ક્ષેત્રોના જ્ઞાન ઉપરાંત ર્ધાિમક જ્ઞાન પણ મનુષ્ય માટે અત્યંત જરૂરી છે. જ્ઞાનની અને જ્ઞાન પ્રાપ્તિની મહત્વતા તથા અગત્યતા અનુસાર જ્ઞાની અને અજ્ઞાની ક્યારે પણ એક જેવા નથી હોય શકતા. મનુષ્ય માટે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલા માટે જરૃરી છે કે તે જ્ઞાન થકી પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે તથા પોતાના ધર્મને સમજી શકે છે, અને પોતાના જીવનને સમજી શકે છે. તે ઉપરાંત મનુષ્ય જ્ઞાન થકી જ જગત જીવનમાં તથા પરલોકના જીવનમાં સફળતા મેળવી શકે છે, માટે આ જગતમાં વસતા દરેક મનુષ્ય એ અજ્ઞાનતાને જાકારો આપીને જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ.