રણમાં ખીલેલુ મંદિરરૂપી ગુલાબ સદીઓ સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવશે…!

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ સુધી અખાતના દેશોમાં વસતા હિન્દુ સમુદાયને યાદ રહે એવા ભવ્ય અને દિવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ સાઉદી અરેબિયાના રણ વિસ્તારમાં અબુધાબી ખાતે આકાર પામ્યુ છે અને આજે વસંત પંચમીએ અબુધાબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઇસ્લામિક દેશમાં આ પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ વડાપ્રધાન મોદીના પ્રયાસોથી જ શક્ય બન્યુ છે.

સામાન્ય રીતે રણમાં ગુલાબ ખીલતુ નથી. પણ બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આકાર પામેલ આ હિન્દુ મંદિર અબુધાબીના રણમાં ગુલાબ સમાન છે. કેમ કે સમગ્ર મંદિરના નિર્માણમાં રાજસ્થાનના ગુલાબી રેતીના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને દૂરથી નિહાળીએ તો જાણે રણમાં કોઇ ગુલાબ ખીલ્યું હોય એવુ ભવ્ય મંદિર વિદેશની ધરતી પર ખાસ કરીને એક ઇસ્લામિક દેશમાં ભારતની ભેટ સમાન છે. મંદિરના ઉદઘાટન પ્રસંગે બાપ્સ અને વડાપ્રધાન દ્વારા યોગ્ય જ કહેવામાં આવ્યું કે આ મદિરનું નિર્માણ ભલે હિન્દુ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે પણ તે તમામ માનવ જાતિના લોકો માટે ખુલ્લુ છે. કોઇપણ ધર્મમાં આસ્થા ધરાવતા હોય એ તમામ લોકો આ મંદિરમાં આવી શકે છે અને તેની ભવ્યતા નિહાળી શકે છે.

આ મંદિર વિદેશની ધરતી પર ભવ્યાતિભવ્ય કોતરણી અને ભારતીય શિલ્પકાર્યનો ઉત્તમ નમૂનો છે. મંદિરની અંદર દિવાલો પર અને સ્તંભો પર કોતરણી દ્વારા રામાયણના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેમાં રામનો જન્મ, સીતા સ્વયંવર, રામનો વનવાસ, યુદ્ધ, લંકા દહન, રામ-રાવણ યુદ્ધ અને ભરત-મિલાપ જેવી ઘટનાઓ જોઈ શકાય છે. મંદિરની વિશિષ્ટ વિશેષતાઓમાંની એક ‘સંવાદિતાનો ગુંબજ’ છે, જે પાંચ તત્વો – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને અવકાશના સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત, મંદિરની વ્યાપક સુવિધાઓમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, પ્રદર્શનો, શીખવાના વિસ્તારો, બાળકોના રમતના વિસ્તારો, વિષયોના બગીચા, ફૂડ કોર્ટ અને પુસ્તકો અને ભેટની દુકાનનો સમાવેશ થાય છે.

હિન્દુ ધર્મ એક આસ્થા કરતાં જીવનશૈલી છે. અને જે સંસ્થાએ તેનું નિર્માણ કર્યું છે એ બાપ્સ સંસ્થાએ દેશવિદેશમાં 100 કરતાં વધુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના ફેલાવામાં સવિશેષ ફાળો આપ્યો છે. અબુધાબીના રણમાં ઉગેલુ કે નિર્માણ પામેલુ આ મંદિર જેમ ગુલાબ તેની સુવાસ ચારે તરફ ફેલાવે તેમ આ ગુલાબી મંદિર પણ હિન્દુ સંસ્કૃતિની સુવાસ આખા વિશ્વમાં ફેલાવશે. તેની મુલાકાત લેનારાઓ તે નિહાળશે ત્યારે તેનો ઇતિહાસ અને હિન્દુ ધર્મની ગાથાઓ પોતાની સાથે લઇ જશે.

બાપ્સ દ્વારા આ અગાઉ અમેરિકા, કેનેડા અને જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાય વસે છે એ દેશમાં અને એ સ્થળે ભવ્ય મંદિરોનું નિર્માણ કરેલુ છે. આ મંદિર વિદેશમાં ઉછરતી મૂળ ભારતીયોની નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવાનું કામ પણ કરે છે. કેમ કે વર્ષમાં સમયાંતરે એ મંદિરો દ્વારા ભારતીય વાર તહેવારો જેમ કે દિપોત્સવી પર્વ, હોળી, વસંત પંચમી , રક્ષાબંધન પર્વ, રામનવમી સહિતના તહેવારોની ઉજવણીનું આયોજન કરીને નવી પેઢીનાના યુવાનોને તેમાં સામેલ કરે છે અને પશ્ચિમી સંસ્કૃતિથી આડઅસરમાંથી મૂળ ભારતીયોની નવી પેઢીને બચાવવાનું સદકાર્ય પણ કરી રહે છે.

બાપ્સ દ્વારા જેમ ગુજરાતમાં અક્ષરધામ બનાવાયું તેમ દિલ્હીમાં પણ ભવ્ય અક્ષરધામ બન્યુ અને એવુ જ ભવ્ય મંદિર રણ વિસ્તારમાં વિશાળ ભૂમિ પર બન્યુ છે. તેની પાછળ ભલે 700 કરોડ ખર્ચાયા હોય પણ આવનારી પેઢીઓ માટે જે માનવતાનો, બંધુતાનો અને ભાઇચારાનો સંદેશો આપવાનું કામ સદીઓ સુધી કરશે તે અમૂલ્ય છે. તેનું આકલન કાંઇ ભૌતિક રૂપિયામાં થઇ શકે તેમ નથી.

આ મંદિરમાં પણ સંસ્થા દ્વારા વારતહેવારો સમુદાયને એકત્ર કરવામાં આવશે અને ભારતીય સંસ્કૃતિની ઉજવણીના પ્રસંગો ઉજવાશે ત્યારે તે એક અજાયબી જ કહેવાશે. કેમ કે આ મંદિરના નિર્માણ માટે ત્યાંના ઇસ્લામિક રાજાએ પણ અંગત રસ લીધો છે અને વડાપ્રધાન મોદીએ વર્ણવ્યું છે તેમ જ્યારે બાપ્સ દ્વારા મંદિર માટે જમીન માંગવામાં આવી ત્યારે એ રાજાએ દિલ ખોલીને કહ્યું કે તમે જે જમીન પર હાથ મૂકશો એ જમીન હું વિનામૂલ્યે આપીશ. અને તેમણે કેટલાય એકર જમીન વિનામૂલ્યે આપીને વચન નિભાવ્યું. દણવિસ્તારમાં ખીલેલુ આ મંદિર રૂપી ગુલાબ સદીઓ સુધી ભારતીય સંસ્કૃતિનીની સુવાસ ફેલાવશે તેમાં કોઇ બે મત નથી.

Next Post

નવગ્રહ અને દશા દિશા ની રોજિંદી જીવનમાં થતી અસર આપણી સંસ્કૃતિની જરૂર આપણું જ્ઞાન અને વિજ્ઞાન : એસ્ટ્રો હેમંત સાથે વિશેષ મુલાકાત..

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 બાળકોના જન્મથી માંડીને અબોટણ કરવવું, સગાઈ, લગ્ન તેમજ ઘર, કાર કે  કોઈ કિમતી વસ્તુ ખરીદવા જેવા જીવનભરના દરેક પ્રસંગમાં શુભ ચોઘડિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણી સનાતન સંસ્કૃતિ અને ઋગ્વેદ છઠ્ઠા અંગ તરીકે એસ્ટ્રોલોજી સ્થાન ધરાવે છે. જેમાં દશા અને દિશા […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share