વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદારો સહિત લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ 19 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં કોટીયા પ્રોજેક્ટસ દ્વારા ડોલફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક આપનાર પરેશ શાહ અને નિલેશ જૈનનો પણ સમાવેશ થયો છે. ત્યારે આ મામલે સુપ્રિમ કોર્ટમાં રિટ પિટીશન કરાઈ છે.
હરણી લેક ઝોન દુર્ઘટના મામલે પોલીસે કોટીયા પ્રોજેક્ટસના તમામ ભાગીદારો સહિત અન્ય જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. ત્યારે ઘટનાના પાંચમાં દિવસે બિનિત કોટીયાની ધરપકડ કરાઈ હતી. આ અગાઉ પોલીસે કોટીયા પ્રોજેક્ટસના ભાગીદાર ભીમસીંગ યાદ, રશ્મીકાંત પ્રજાપતિ, વેદપ્રકાશ યાદવ તથા લેક ઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ઓપરેટર અંકિત વસાવા તેમજ નયન ગોહિલની ધરપકડ કરી તેમના તા. 25 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. રિમાન્ડ દરમિયાન આ તમામની પુછતાછમાં પરેશ શાહ અને ડોલફિન એન્ટરટેઇનમેન્ટની નિલેશ જૈનના વહિવટો હિસાબ બહાર આવતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં ઝડપાયેલા બિનિત કોટીયા ફરસાણનો વ્યવસાય કરતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
છત્તીસગઢના રાયપુરથી વધુ એક આરોપી ગોપાલદાસ શાહની ધરપકડ
વડોદરા સ્થિત હરણી લેકઝોન દુર્ઘટનાની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશ ટીમ (SIT)ને વધુ એક મોટી સફળતા મળી છે. બિનિત કોટિયાની ધરપકડ બાદ હવે ગોપાલદાસ શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના હાથે ઝડપાયેલા ગોપાલદાસ શાહ વડોદરા મહાનગર પાલિકાનો પૂર્વ TDO (ટાઉન ડેવલપમેન્ટ ઓફીસર) હોવાનુ જાણવા મળી રહ્યું છે. બોટ દુર્ઘટનાની તપાસ કરી રહેલી SIT ની ટીમ કોટીયા પ્રોજેકેટ્સના ફરાર ભાગીદારોની શોધમાં રાજ્યમાં બહાર ધામા નાખ્યાં હતા. જેમાં છત્તીસગઢના રાયપુરથી ગોપાલદાસ શાહની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી પોલીસ આ દુર્ઘટનાના મુખ્ય જવાબદાર ડોલફિન એન્ટરટેઇનમેન્ટના નિલેશ શાહ અને પરેશ શાહ સુધી પહોંચી શકી નથી.
શાળા સંચાલકો પણ એટલાં જ જવાબદાર – એડવોકેટ ઉત્કર્ષ દવે
એડવોકેટ ઉત્કર્ષ દવે માહિતી આપતા જણાવ્યું હતુ કે, હરણી હોનારત મામલે સુપ્રિમ કોર્ટમાં રિટ પિટિશન અને પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના મામલે કલેકટર, મ્યુનિ.કમિશ્નર અને શાળા સંચાલકો સામે પગલા લેવા માગ કરવામાં આવી છે. શાળાએ પિકનિક માટે ડીઇઓ ઓફીસની પરવાનગી કેમ લીધી ન હતી, શાળા સંચાલકોની આટલી ગંભીર બેદરકારી છતાં ફરિયાદમાં તેઓના નામ નથી, વર્ષ 2017માં જે કરાર આધારે કોટિયા પ્રોજેક્ટસને કોન્ટ્રાક્ટ અપાયો તેમાં હરણી તળાવમાં પેડલ બોટ ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી પણ એન્જિન બોટ ચલાવવામાં આવી રહીં હતી. તો તેની ચકાસણી કોણે કરવાની હતી ?
તેમણે એમ પણ જણાવ્યું કે, લેક ઝોનનું સમયસર ઇન્સપેક્શન કેમ ન થયું અને તેને બોગસ એનઓસી કોને આપી ? મોરબી વિકટીમ એસો.ની સાથે રહીં સુ્પ્રિમમાં અરજી કરાઇ છે. 1990માં સુરસાગર ખાતે બોટ દુર્ઘટના પણ આ જ કોટીયા પ્રોજેક્ટસનો કોન્ટ્રાક્ટ હતો. તો કેમ તેને અત્યાર સુધી બ્લેકલીસ્ટ ન કરાયો ? તેમણે ઉમેર્યું હતું કે, આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાકટર સહિત શાળા પણ એટલી જ જવાબદાર છે.
બોટ ચાલકે સ્પીડ વધારી ટર્ન માર્યો અને બોટ પલટી મારી
હરણી લેક ઝોન દુર્ઘટનાની તપાસમાં પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ કરાઈ હતી. જેના રિપોર્ટમાં આ દુર્ઘટના પાછળનુ કારણ સ્પષ્ટ થયું હોવાનુ જાણવા મળી રહ્યું છે કે, બોટમાં કેપેસિટી કરતા વધારે લોકોને બેસાડવામાં તો આવ્યાં જ હતા. આ સાથે ચાલકે બોટની સ્પીડ વધારી આગળ ટર્ન મારતા આગળના ભાગે વજન આવતા બોટમાં પાણી પ્રવેશ્યું અને બોટ પલટી ખાઇ જતા નિર્દોષ બાળકો અને શિક્ષિકાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. #police #SIT #Vadodara #boat-accident #case #High-Court #Harani-Lake-Boat-Tragedy #supreme-court