ક્રિસમસ પર પરિવાર સાથે બેસીને એક નવા વિષયની ગુજરાતી ફિલ્મ માણવા ઈચ્છતાં હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે.
ગુજરાતી ફિલ્મ હરિ ઓમ હરી`ની કાસ્ટની વાત કરી એ તો તેમાં છે ધુરંધર કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નંદી, મલ્હાર રાઠોડ. તેના લેખક છે વિનોદ કે સરવૈયા તથા દિગ્દર્શક છે નિસર્ગ વૈદ્ય. આ ફિલ્મને તેના કોન્સેપ્ટ, સંગીત અને કૉમિક ટાઈમિંગ દમદાર અને જકડી રાખનાર બનાવે છે તો વાર્તાની ક્યાંક ધીમી ગતિને તેનો માઇનસ પોઇન્ટ ગણી શકાય.
રાતના સમયે ટ્રાફિકમાં ફલાયેલી કારમાં બેસેલા દંપતીના દશ્યથી ફિલ્મની શરૂઆત થાય છે. પતિ(ઓમ)ના રોલમાં (રોનક કામદાર) ઝઘડા બાદ ગુસ્સામાં ચૂપ બેઠેલી તેની પત્ની વિની (વ્યોમા નંદિ)ને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ વાત છેક છૂટાછેડા સુધી વધી જાય છે. બેસ્ટ ફ્રેન્ડમાંથી પતિ-પત્ની બનેલા ઓમ અને વિનિ વચ્ચે એક બાબતે ઝઘડો થાય છે અને ઓમ અલગ થવાનો પ્રસ્તાવ મુકે છે. એવામાં એન્ટ્રી થાય છે હરિ એટલે કે પ્રભુ (સિદ્ધાર્થ રાંદેરિયા)ની. બસ અહીથી જ ફિલ્મનું કથાનક નવો ટર્ન લે છે. ઓમની મુલાકાત હરિ સાથે થાય છે. હરિ ઓમને પોતાની મનગમતી જિંદગી લખવાની તક આપે છે. એનો અર્થ એ કે તેની સાથે સંકળાયેલા જુના લોકો સાથે સંજોગો અને પરિસ્થિતિને પોતાની રીતે જીવવાની તક તેને મળે છે.
કોલેજ સમયથી ઓમને ગમતી માયરા (મલ્હાર રાઠોડ) અને તેને મેળવે એ પહેલા જ તેના વિનિ સાથેના લગ્ન. ઓમની નવી દુનિયામાં માયરા અને વિનીનું શું થાય છે. ઓમની આસપાસ ફરતી આખી ફિલ્મમાં હરિની ભૂમિકા શું. તેનો જવાબ તો ફિલ્મ નિહાળશો તો જ મળશે.
એક નવા રૂપમાં હરિના પાત્રને ન્યાય આપતા સિદ્ધાર્થ રાંદેરિયાને જોવાનો મોકો ચૂકવા જેવો નથી. કદાચ આ પહેલા સિદ્ધાર્થ રાંદેરિયાને તમે આવા અંદાજમાં નહીં જોયા હોય. તેમનો અભિનય અને કૉમિક ટાઈમિગં હંમેશની જેમ પ્રશંસનીય છે. પણ એક નવા ગેટઅપમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને રોનક કામદારની કેમેસ્ટ્રીની અવશ્ય નોંધ લેવી જોઈએ.
એક્ટર બનવાનું સપનું સેવતા ઓમની ભૂમિકામાં રોનક કામદાર એકદમ ફિટ બેસે છે. વિનિના ફ્રેન્ડના રૂપમાં હોય કે પતિના રૂપમાં, રોનક કામદાર પોતાના પાત્રને જાળવી રાખવામાં સફળ થયાં છે. ફિલ્મમાં ઑડિશનનો ભાવુક સીનમાં રોનક કામદારે અદ્ભુત પર્ફોમન્સ આપ્યું છે.
વિનિનું પાત્ર વ્યોમા નંદિએ ભજવ્યું છે. પોતાના પિતાના બિઝનેસમાં જોડાયેલી વિનિને દર્શકો સમક્ષ રજૂ કરવામાં વ્યોમાની પ્રશંસા કરવી જ રહી. સ્ક્રિન પર વ્યોમા સુંદર અને એલિગેન્ટ દેખાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેટલાક દ્રશ્યો એવા છે જેમાં તેમણે તેમના પાત્રને પુરતો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
`હરિ ઓમ હરી`થી મલ્હાર રાઠોડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યું કર્યુ છે. આ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. માયરાના પાત્રમાં મલ્હાર રાઠોડનો અભિનય દિલ જીતી લે એવો છે. આ સાથે જ સહકલાકાર તરીકે ઓમ અને વિનિના મિત્રના પાત્રમાં શિવમ પારેખે ઉમદા કામ કર્યુ છે.
ફિલ્મના સંવાદો સારા છે, ખાસ કરીને સિદ્ધાર્થ રાંદેરિયાના. એક પછી એક ઘટનાઓ બની રહી છે તેનું સિંક્રોનાઇઝેશન અસરકારક રીતે કરવામાં આવ્યું છે. જેથી, આગળ શું થશે એ પ્રકારની આતુરતા દર્શકોમાં જળવાઈ રહેશે. એક અર્બન ગુજરાતી ફિલ્મ તરીકે આ ફિલ્મ દર્શકો પર સારી છાપ છોડી શકે છે.
ફિલ્મને સારી રીતે રજૂઆત કરવાનો શ્રેય ડિરેક્ટર નિસર્ગ વૈદ્યને આપી શકાય. ફિલ્મના વિષયને અનુરુપ દરેક સીનનું જે રીતે ફિલ્માંકન થયું છે તેનું આકર્ષક પાસુ છે.
ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. સંગીત એ ફિલ્મનું અન્ય એક મનોરંજક પાંસુ સાબિત થઈ શકે છે. `વ્હાલીડા` અને `ચલ તાળી આપ ` બંને ગીત કર્ણપ્રિય બને તેવાં છે. વ્હાલીડા ગીતમાં ભૂમિ ત્રિવેદી અને કિર્તીદાન ગઢવીએ અવાજ આપ્યો છે. જ્યારે `ચલ તાળી આપ` એ અરમાન મલિક અને આદિત્ય ગઢવીએ ગાયું છે. આ સિવાય “ગમતી ગમતી રે… જયારે તું મલકી રે..” સલિમ મર્ચન્ટના અવાજમાં સાંભળવાની મજા આવે એવું છે.
સરવાળે ક્રિસમસ પર પરિવાર સાથે બેસીને એક નવા વિષયની ગુજરાતી ફિલ્મ માણવાં ઈચ્છતાં હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે.
#gujratimovie #film #cinema #sidhharthranderia #hairomhari







