9 October 2026

Breaking News – સ્ટેલાન્ટિસનો બ્રેમ્પટન પ્લાન્ટ વેચવાનો નિર્ણય ૩,૦૦૦ કામદારો સાથે મોટો દગો : મેયર પેટ્રિક બ્રાઉનનો સ્ટેલાન્ટિસ સામે પ્રચંડ આક્રોશ

      Dhwani Online News

      બ્રેમ્પટન : શહેરના ઔદ્યોગિક ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રમાં એક મોટો ધડાકો થયો છે, જેણે જીટીએ (GTA) વિસ્તારના હજારો ઈન્ડો-કેનેડિયન પરિવારોની ઊંઘ ઉડાડી દીધી છે. બ્રેમ્પટન એસેમ્બલી પ્લાન્ટના ભવિષ્ય અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા હવે ચરમસીમાએ પહોંચી છે. ઓટોમોબાઇલ નિર્માતા કંપની સ્ટેલાન્ટિસ (Stellantis) એ કેનેડિયન ડિફેન્સ વ્હીકલ નિર્માતા કંપની ‘રોશેલ’ (Roshel) સાથે આ પ્લાન્ટના સંભવિત વેચાણ માટે એક Memorandum of Understanding – MOU પર હસ્તાક્ષર કર્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ આંચકાજનક જાહેરાત સામે આવતાની સાથે જ બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને અત્યંત આક્રમક વલણ અપનાવી કંપનીના આ નિર્ણયને કામદારો સાથેનો ખુલ્લો વિશ્વાસઘાત ગણાવ્યો છે.

      મેયર પેટ્રિક બ્રાઉને આ મુદ્દા પર તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ પ્લાન્ટમાં કામ કરતા આશરે ૩,૦૦૦ જેટલા વર્કર્સ અને તેમના પરિવારો છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આજીવિકા અંગે ભારે માનસિક તણાવ અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે. આ પરિવારો અને સ્થાનિક કમ્યુનિટી હવે કંપની પાસે સ્પષ્ટ અને નક્કર જવાબોની માંગ કરી રહી છે. સ્ટેલાન્ટિસ દ્વારા લેવાયેલા તાજેતરના આ નિર્ણયથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે કંપની બ્રેમ્પટન ફેક્ટરીમાં ભવિષ્યના પ્રોડક્શન અંગે આપેલા પોતાના જ વચનો અને પ્રતિબદ્ધતાઓમાંથી હવે પીછેહઠ કરી રહી છે. કરદાતાઓના નાણાંમાંથી અબજો ડોલરનું પબ્લિક ફંડિંગ મેળવ્યા બાદ કંપનીનો આ ચોંકાવનારો વળાંક અત્યંત ગંભીર બાબત છે.

      “જો સ્ટેલાન્ટિસ કંપની ખરેખર બ્રેમ્પટનમાંથી પોતાનો કારોબાર સમેટીને ભાગી રહી હોય, તો આ આપણા સ્થાનિક વર્કર્સ, તેમના પરિવારો અને દેશના દરેક કેનેડિયન ટેક્સપેયર સાથે કરવામાં આવેલો એક મોટો ધાત અને દગો છે,” તેમ મેયર પેટ્રિક બ્રાઉને ભારપૂર્વક જણાવ્યું હતું.

      મેયરના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી માત્ર ૩,૦૦૦ પ્લાન્ટ વર્કર્સ જ પ્રભાવિત નથી થયા, પરંતુ આ એસેમ્બલી ફેક્ટરીની કામગીરી પર નિર્ભર એવા સેંકડો સ્થાનિક પાર્ટ્સ સપ્લાયર્સ, નાના બિઝનેસિસ અને તેના પર આધારિત હજારો હોમ પ્રોજેક્ટ્સને પણ માઠી અસર પહોંચી છે. બ્રેમ્પટનમાં વસતા મોટા પ્રમાણના સાઉથ એશિયન અને ઈન્ડો-કેનેડિયન સમુદાય માટે આ પ્લાન્ટ આર્થિક મજબૂતીનો એક મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેયર બ્રાઉને કેનેડાની ફેડરલ ગવર્મેન્ટને સખત અપીલ કરી છે કે, સાર્વજનિક ભંડોળ મેળવતી વખતે કંપનીએ જે વચનો આપ્યા હતા તેનું પાલન કરાવવા માટે સરકારે તમામ ઉપલબ્ધ સરકારી, કાનૂની અને રાજદ્વારી માર્ગોનો ઉપયોગ કરીને સ્ટેલાન્ટિસને સખત રીતે જવાબદાર ઠેરવવી જોઈએ.

      એક તરફ સ્ટેલાન્ટિસની આકરી ટીકા કરતી વખતે, મેયર બ્રાઉને આ પરિસ્થિતિમાં એક આશાનું કિરણ પણ દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે જો આર્મર્ડ વ્હીકલ નિર્માતા કંપની ‘રોશેલ’ આ પ્લાન્ટનો કબજો લે છે, તો તે આ ફેક્ટરી માટે એક નવી અને સકારાત્મક દિશા સાબિત થઈ શકે છે. જોકે, આ સાકાર ત્યારે જ ગણાશે જો કેનેડિયન પ્રોડક્ટ્સનું પ્રોડક્શન સ્થાનિક કેનેડિયન કામદારોના હાથ દ્વારા જ કરવામાં આવે.

      આ સાથે જ, મેયરે રોશેલ મેનેજમેન્ટ સામે પણ કેટલીક સ્પષ્ટ શરતો મૂકી છે. રોશેલ કંપનીએ હવે સાર્વજનિક રૂપે તમામ મહત્ત્વની વિગતો જાહેર કરવી પડશે. કંપનીએ એ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ આ પ્લાન્ટમાં કેટલી નવી જોબ્સ ઊભી કરવા માગે છે અથવા હાલના કેટલા વર્કર્સની નોકરીઓ જાળવી રાખશે. આ સિવાય તેમના આયોજિત ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાની સમયમર્યાદા (Timeline) અંગે પણ વિગતવાર આંકડા આપવા પડશે.

      મેયર બ્રાઉને સ્પષ્ટ શબ્દોમાં સૂચન કર્યું છે કે બ્રેમ્પટનના વર્તમાન અનુભવી વર્કર્સ જ આ ફેક્ટરીના ભવિષ્યના કોઈપણ આયોજનનો પ્રાથમિક હિસ્સો હોવા જોઈએ. રોશેલ કંપનીએ પ્લાન્ટના કામદારોનું પ્રતિનિધિત્વ કરતી યુનિયન ‘યુનિફોર લોકલ ૧૨૮૫’ (Unifor Local 1285) ના નેતાઓ સાથે તાત્કાલિક ટેબલ પર બેસીને સીધી વાટાઘાટો શરૂ કરવી જોઈએ. “સિટી ઓફ બ્રેમ્પટન પ્રથમ દિવસથી જ યુનિફોર અને આપણા સ્થાનિક વર્કર્સની સાથે મજબૂતીથી ઊભું છે અને આગળ પણ ઊભું રહેશે. આ પ્લાન્ટના કોઈપણ નવા ભવિષ્યની શરૂઆત આપણા કામદારોના હિતોના રક્ષણ સાથે જ થવી જોઈએ,” તેમ તેમણે ઉમેર્યું હતું.

      અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં થયેલો આ સમજૂતી કરાર (MOU) એ માત્ર ખરીદ-વેચાણ અંગેની પ્રાથમિક પ્રક્રિયા છે, જેને કોઈ આખરી વેચાણ કે ફાઇનલ ડીલ માની શકાય નહીં. હવે સમગ્ર કમ્યુનિટી અને ઓટો સેક્ટરની નજર સ્ટેલાન્ટિસ અને રોશેલ વચ્ચે થનારી આગામી વાટાઘાટો પર ટકેલી છે. આ વાટાઘાટો બ્રેમ્પટન સ્થિત ફેક્ટરીમાં ફરીથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને એમ્પ્લોયમેન્ટ શરૂ કરવાનો વાસ્તવિક માર્ગ મોકળો કરશે કે કેમ તે જોવું રહ્યું.

      બ્રેમ્પટન શહેર માટે આ મુદ્દો માત્ર જમીન કે પ્રોપર્ટીના વેચાણ પૂરતો સીમિત નથી. આ એસેમ્બલી પ્લાન્ટ દાયકાઓથી આપણા શહેરના મેન્યુફેક્ચરિંગ ઈકોનોમીની કરોડરજ્જુ રહ્યો છે. હજારો ઈન્ડો-કેનેડિયન પરિવારો પોતાની રોજીરોટી અને જોબ સુરક્ષા પાછી મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેયર બ્રાઉને પોતાના નિવેદનના અંતમાં ભારપૂર્વક કહ્યું કે, “આપણા બ્રેમ્પટનના કામદારોએ પૂરતી રાહ જોઈ લીધી છે. હવે તેમને આ સ્થાનિક પ્લાન્ટમાં સ્પષ્ટ જવાબો અને એક સુરક્ષિત ભવિષ્ય મળવું જ જોઈએ.”

      This news based on Statement from Mayor Patrick Brown on Stellantis–Roshel MOU for Stellantis Brampton Assembly Plant

      Share with friends

      What do you feel about this?

      You may have missed

      Total
      0
      Share