6 November 2026

કેનેડાની ધરતી પર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો ઘોષ: માર્ખમમાં સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીએ ઈન્ડો-કેનેડિયનોએ રાષ્ટ્રીય એકતાનો ગૂંજાવ્યો નાદ

0

    Dhwani News Online | Markham, Ontario

    કેનેડાના માર્ખમ સ્થિત સનાતન મંદિરમાં ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવી હતી. ૬૦૦થી વધુ ભારતીય સમુદાયના અગ્રણીઓ, કેનેડિયન રાજકીય નેતાઓ, રાજદ્વારીઓ અને કલાકારોના મહાસંગમ સાથે કેનેડાની ધરતી પરથી માતૃભૂમિની એકતા અને સાંસ્કૃતિક વારસાનો એક અતુલનીય અને શક્તિશાળી સંદેશ ગુંજાયો હતો. આ કાર્યક્રમ માત્ર એક રાષ્ટ્રીય નેતાને ભાવાંજલિ આપવાનો ઔપચારિક ઉત્સવ ન બની રહેતાં, માતૃભૂમિથી હજારો કિલોમીટર દૂર વસતા ઈન્ડો-કેનેડિયન ડાયસ્પોરાનો પોતાની જડો સાથેના અતૂટ જોડાણ અને દેશભક્તિનો બુલંદ પુરાવો બન્યો હતો. ૨૪ ગામ પાટીદાર સમાજ, ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ (FOGA) અને સનાતન મંદિરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમારંભમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ ભારતીય સમુદાયોને એક જ મંચ પર જોડવામાં આવ્યા હતા.

                                                  સમારંભમાં ભારતીય જનતા પાર્ટીના ફોરેન અફેર્સ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ વિજય ચોથાઈવાલે, ફોરેન અફેર્સ સેન્ટ્રલ કમિટીના સભ્ય શ્રી અશ્વિન જોહર, માર્ખમના આદરણીય મેયર ફ્રેન્ક સ્કારપિટી, ઓન્ટારિયોના MPP બિલી પૅંગ, માર્ખમના કાઉન્સિલર રિચ લાઉ, નિમિષા પટેલ અને ભારતીય કોન્સ્યુલેટ જનરલના અરુણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ફોગાના પ્રમુખ દાદુભાઈ પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ કેનેડા અને ભારતના રાષ્ટ્રગીતો સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ગણેશ વંદના અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ પ્રસંગે આધ્યાત્મિક અને ગંભીર માહોલ સર્જાયો હતો.

                                                    વક્તાઓએ સરદાર પટેલની અસાધારણ નેતૃત્વ ક્ષમતા, રજવાડાંઓના એકીકરણ અને અખંડ ભારતની સ્થાપનામાં તેમના અદમ્ય યોગદાનને યાદ કર્યું હતું. અરુણ કુમાર અને વિજય ચોથાઈવાલેએ વિદેશમાં રહેતા ભારતીયો માટે સરદારના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો. કમિટી મેમ્બર કમલેશ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો હતો. FOGAના સેક્રેટરી મહેન્દ્ર પટેલે ઓવરસીઝ ગુજરાતીઓ અને ભારતીયો માટે માતૃભૂમિના આર્થિક વિકાસમાં સહભાગી બનવા અને રોકાણ કરવા માટેના આહ્વાનરૂપી વિચારો રજૂ કર્યા હતા. આ ઉત્સવનું સૌથી આકર્ષક અને ગૌરવવંતુ પાસું કેનેડાની ધરતી પર ભારતીય કળા, સંગીત અને સાહિત્યને ધબકતા રાખનાર ૩૪ પ્રતિભાશાળી કલાકારોનું વિશેષ સન્માન હતું. IFA કેનેડા ના ડિરેક્ટર શ્રી જયેશ બ્રહ્મભટ્ટે તમામ કલાકારોનો વ્યક્તિગત પરિચય આપીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું, જ્યારે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કલાકારોને સરદાર પટેલ પ્રશંસપત્ર તથા ત્રિરંગા ખેસથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                                      સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય પ્રદેશોના નૃત્યો અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદના મેયર હિતેશ બારોટ તરફથી મળેલા શુભેચ્છા સંદેશાઓનું પણ પઠન કરાયું હતું. બપોરના ૨:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી વિવિધ નાસ્તા અને ચા-પાણીની વ્યવસ્થા સાથે, ટોરોન્ટો રિધમના ચંપકરાજ પટેલના મ્યુઝિક ગ્રૂપ દ્વારા ઉપસ્થિત સૌને રમઝટ ગરબાના તાલે ઝૂમાવવામાં આવ્યા હતા. ગુજરાતની આ પરંપરાગત કળા અને સંગીતે સમગ્ર સભાખંડમાં ઉત્સવનું અદભુત વાતાવરણ સર્જ્યું હતું.

                                                      કાર્યક્રમના અંતિમ ચરણમાં ૬૦૦થી વધુ મહેમાનો માટે ગુજરાતી ફૂડ્સના જયશીલ પટેલ દ્વારા તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ અને પરંપરાગત ગુજરાતી ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૪ ગામ પાટીદાર સમાજના રશ્મિકાંત પટેલ અને સમર્પિત સ્વયંસેવકોની ટીમે ઉત્કૃષ્ટ આતિથ્યભાવ દર્શાવી ભોજન સમારોહ સફળ બનાવ્યો હતો.

                                                        સમગ્ર કાર્યક્રમનું સફળ અને આકર્ષક સંચાલન વૃંદા ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.

                                                        આયોજકોએ IFA કેનેડા, જી-પેક, ગુજરાતી ફૂડ્સ, કમલેશ પટેલ (ઓલસ્ટેટ ઇન્સ્યોરન્સ), રમેશ કાનાણી (ઈમ્પિરિયલ પેસ્ટ કંટ્રોલ), હરકાંત પટેલ, હેરી ઈન્સ્યોરન્સ સર્વિસીસ, પીએલ મેટલ અને અમિત કંસારા (સન સાઈ કિચન એન્ડ કાઉન્ટર ટોપ્સ) સહિતના તમામ પ્રાયોજકો અને મીડિયા જગતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

                                                        અત્રે ચોવીસ ગામ પાટીદાર સમાજ તેમજ આ કમિટી એ ગુમાવેલા કર્મઠ એવા કાર્યકર ઈન્દુબેન પટેલને ખાસ શ્રદ્ધાંજલિ.

                                                        ૨૪ ગામ પાટીદાર સમાજ વતી મહેન્દ્ર પટેલ તરફથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌનો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ ઉજવણી સમિતિના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. અંતમાં સહુએ રાષ્ટ્રીય એકતાના શપથ લઈ સરદાર સાહેબના આદર્શોને અનુસરવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. આ ભવ્ય આયોજને પુનઃ સાબિત કરી બતાવ્યું કે ભૌગોલિક અંતરો કે સીમાઓ ક્યારેય સાંસ્કૃતિક ઓળખને મિટાવી શકતી નથી.

                                                          Share with friends

                                                          What do you feel about this?

                                                          Leave a Reply

                                                          Your email address will not be published. Required fields are marked *

                                                          You may have missed

                                                          Total
                                                          0
                                                          Share