જીવનનો નવો વળાંક : પરિવારનો સાથ અને મિત્રોનો સહકાર મુશ્કેલીમાંથી બહાર આવવાની સાચી ચાવી – ઉષા હિરાણી

Writer | Ushaben Hirani | Dhwani News Online | Community – Motivational Story
બેન્ક ઓફિસર જનકભાઈ આજે નોકરી માંથી નિવૃત્ત થઈ રહ્યા હતા. વિદાય સમારંભ રંગે ચંગે પૂરો થયો સૌએ તેમની સુદીર્ઘ સેવા મિલનસાર સ્વભાવ અને પરોપકારી ભાવનાના વખાણ કર્યા. ઘરે આવી જનકભાઈ પણ પોતાની આ લાંબી યાત્રાના લેખાજોખા કરવા લાગ્યા.
બાળપણથી માતા-પિતા એ આર્થિક સંકડામણ વચ્ચે પણ પોતાને ભણાવ્યો. પોતાની હોશિયારી થી આગળ વધતા ભણીને બેંકમાં નોકરી મળી. જીજ્ઞા સાથે લગ્ન થયા અને પ્રેમાળ પત્ની પ્રાપ્ત થઈ. તો દીકરો તુષાર પણ ખૂબ જ હોશિયાર હતો ભણીને એન્જિનિયર બન્યો. તૃપ્તિ સાથે તેના લગ્ન કરાવ્યા. નસીબ જોગે પુત્રવધુ તૃપ્તિ પણ ખૂબ જ લાગણીશીલ અને પરિવાર પ્રેમી હતી. જનકભાઈ પોતાની આ સફળ સુંદર જીવન યાત્રા માટે ઈશ્વરને વંદી રહ્યા . બસ હવે તો સંપૂર્ણ સમય જીજ્ઞા સાથે અને પરિવાર સાથે વિતાવી મોજમાં જ જીવવું છે. જીવનની અધુરી ઈચ્છાઓને સપનાઓ પૂરા કરવા છે.

પણ કોઈનું એ જીવન નહેર જેવી સીધી લીટીમાં ચાલતું જ નથી ને? એ તો નખરાળી નદી જેવું વળાંકો વાળું જ હોય…
એક દિવસ ઓચિંતા જ જીજ્ઞાબેન બાથરૂમમાં પડી ગયા અને બ્રેનહેમરેજ…. તરત જ હોસ્પિટલમાં લઈ ગયા પણ એમનું પ્રાણ પંખેરુ અનંતની વાટે પ્રયાણ કરી ગયું. જનકભાઈ ની બધી ઈચ્છાઓ મનની મનમાં જ રહી ગઈ..
જીજ્ઞાબેન વિના એમનું ગાડું તો ચાલે જ કેમ? એકલા જીવવા તો કદી ટેવાયેલા જ નહીં. સવારથી જ, ” જીજ્ઞા મારો ટુવાલ ક્યાં? મારા કપડાં તૈયાર કર્યા કે નહીં? જીજ્ઞા રૂમાલ આપજે.. અરે ચાવી તો રહી જ ગઈ.. છાપુ તો મળતું નથી.. ગરમ કડક મીઠી આદુ વાળી ચા તો પીવડાવ.. 24 કલાક બસ જીજ્ઞા ..જીજ્ઞા. અને હવે તેમના જીવનમાં સૂનકાર વ્યાપી ગયો પત્નીની ગેરહાજરી તેમના માટે અસહ્ય થઈ પડી. ઘરમાં પુત્ર અને પુત્રવધુ હતાં તેમનું પૂરું ધ્યાન રાખતા પણ અંદરનો ખાલીપો કેમ ભરવો? એકલતા તેમને કોરી ખાવા લાગી. અને નિરાશામાં સરી પડ્યા..
અત્યાર સુધી કાયમ મોર્નિંગ વોકમાં ગાર્ડનમાં જતા યોગા કરતા ક્યારેક જીજ્ઞા પણ તેમાં સાથ આપતી. હવે તેમને કંઈ જ ન ગમતું વધારે ને વધારે એકલા વિચારોમાં ખોવાયેલા રહેવા લાગ્યા. તુષાર સાથે જમતી વખતે પણ ભાગ્યે જ કંઈ બોલતા કે વાત કરતા જાણે જીવનમાંથી રસ જ ઉડી ગયો.

તુષાર અને તૃપ્તિને ચિંતા થવા લાગી કોઈ વાર તેઓ મુવી જોવાનો પ્લાન બનાવતા તો ક્યાંક ફરવા જવાનું કહેતા. પણ જનકભાઈ તો ના જ પાડી દેતા.
એકવાર તુષાર તેમને માંડ મનાવીને બોડી ચેકઅપ માટે ડોક્ટરને ત્યાં લઈ ગયો. ફેમિલી ડોક્ટર જાણીતા હતા સમસ્યા સમજી ગયા. જનકભાઈ ને પણ ઘણું સમજાવ્યા સાથે જ નિયમિત ચાલવા યોગ કરવાની સલાહ આપી.
બીજા જ દિવસે સવારે તુષાર એ પપ્પાના હાથમાં ટ્રેકસૂટ ને સ્પોર્ટ્સ શૂઝ આપ્યા. ” ચાલો તો પપ્પા પહેરી લો હું પણ આવું છું આપણે બંને ગાર્ડનમાં વોક માટે જઈએ. ” તૃપ્તિ એ પણ તેમની ભાવતી ગરમ કડક મીઠી આદુ વાળી ચા નો કપ પકડાવ્યો. ને એમ જનકભાઈ ને ડિપ્રેશન માંથી બહાર કાઢવાનું અભિયાન શરૂ થયું..
ધીમે ધીમે રોજ ગાર્ડનમાં ચાલવા જતા તુષાર એ બીજા સાથે વાતો કરવાની શરૂ કરી. જનકભાઈ ના જુના મિત્રો પણ મળ્યા અને તેમની સાથે અલગ મલકની વાતો કરવા લાગ્યા. તેમની સાથે બે રાઉન્ડ મારી તુષાર નીકળી જવા લાગ્યો ને હવે મિત્રોની કંપનીમાં જનકભાઈ ભળવા લાગ્યા. ક્યારેક ફ્રુટ ડિશ તો ક્યારેક જ્યુસ ને નાળિયેર પાણી લેતા થયા..
ગાર્ડનના મિત્રોમાં મોટેભાગે સિનિયર સિટીઝનો હતા તેમની પાસે સમયની કમી ન હતી ક્યારેક રાજકારણની ચર્ચા તો ક્યારેક ધર્મની વાતો ક્યારેક તહેવારોનું મહત્વ તો વળી વરસાદને મોસમ પણ તેમની વાતો ના વિષય રહેતા.
મોડેથી જનકભાઈ ઘરે આવતા ત્યારે તેમને ભાવતો ગરમ નાસ્તો તૈયાર રહેતો ને જમવામાં પણ તૃપ્તિ તેમની પસંદ ના પસંદ નો બરાબર ખ્યાલ રાખવા લાગી. સવારના પણ તેમના બેડ પર દરેક જરૂરી વસ્તુ તૈયાર મળતી. ધીમે ધીમે જનકભાઈ અવસાદ માંથી બહાર આવવા લાગ્યા..
ગાર્ડનમાં આનંદભાઈ તેમના ખાસ મિત્ર બની ગયા . ઘણીવાર જનકભાઈ તેમની સાથે જિજ્ઞાની યાદોને સંભારણા વાગોળતા. પણ આનંદભાઈ જેનું નામ પોતે પણ હંમેશા આનંદમાં રહેતા અને જનકભાઈ ને પણ કદી દુઃખી ન રહેવા દેતા તેમનું એક જ ધ્રુવ વાક્ય.. મોજે મોજ રોજે રોજ… તેમની શીખ પ્રમાણે જનકભાઈ ઘરમાં પણ કઈ વસ્તુ લાવવા મૂકવામાં તૃપ્તિને મદદ કરવા લાગ્યા.
હવે તો આનંદભાઈ અને જનકભાઈ ના નેતૃત્વમાં આ સિનિયર સિટીઝન ક્લબ એ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. શાળાઓ શરૂ થતા નોટબુક વિતરણ તો શિયાળામાં ધાબળા વિતરણ વારે તહેવારે જરૂરિયાત મંદોની મીઠાઈ પતંગ રંગ પિચકારીઓનું વિતરણ કે અનાજનું વિતરણ એમ સેવાકીય પ્રવૃત્તિઓમાં જનકભાઈ નો સમય તો ક્યાં પસાર થઈ જતો તે જ ખબર ન પડતી.
એવામાં તૃપ્તિએ સારા સમાચાર આપ્યા. અને દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. જનકભાઈ તો બન્યા દાદા.. અને હવે તો મૂડીનું વ્યાજ સંભાળતા તેમની પાસે સમય જ ક્યાં?
પરિવારના પ્રેમ અને મિત્રોના સાથ સહકારથી મોટી મુસીબતો પણ ટાળી શકાય છે…..


