ઓન્ટારિયો બ્રાહ્મણ સમાજની ભવ્ય ‘દિવાળી ગાલા ૨૦૨૬’: કોન્સ્યુલ જનરલ મહાવીર સિંઘવીના હસ્તે ૧૧ વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન
સંસ્કૃતિ, એકતા, પારિવારિક ભાવના અને પ્રતિભાનો અદ્ભુત સંગમ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | ઑન્ટારિયો
ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાની સુવાસ પ્રસરાવતા બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો દ્વારા ૧૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ચાંદની બેન્ક્વેટ હોલ ખાતે ભવ્ય દિવાળી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો, પારિવારિક ભાવના, સામાજિક સમરસતા અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર ૧૧ પ્રતિભાઓના વિશેષ સન્માન સાથે યોજાયેલો આ સમારોહ ઇન્ડો-કેનેડિયન સમાજ માટે યાદગાર બની રહ્યો હતો. વિવિધ પેઢીના સમાજબંધુઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી પ્રકાશના પર્વની ઉજવણી કરી હતી.
બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયોના પ્રમુખ શ્રી ઋષિકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હેતલ ઠાકર, હરિ કિશન ઠાકર, ભાવિક વ્યાસ અને પથિક શુક્લ સહિતની આયોજક ટીમે ભારે ઉત્સાહ અને સમર્પણભાવ સાથે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. કેનેડામાં વસતા ભારતીય પરિવારોને પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલા રાખવા, સમાજના સભ્યો વચ્ચે આત્મીયતા વધારવા અને નવી પેઢીને ભારતીય સંસ્કારોથી પરિચિત કરાવવાની સંસ્થાની પ્રતિબદ્ધતા આ ઉજવણીમાં જોવા મળી હતી.
સમાજના આદરણીય વડીલોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે સમારોહનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંધકારમાંથી પ્રકાશ તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધવાનો દિવાળીનો શાશ્વત સંદેશ દીપ પ્રાગટ્ય દ્વારા વ્યક્ત થયો હતો. મુદિતા અને જિયાન્સી ફાલ્ગુન શુક્લ દ્વારા રજૂ કરવામાં આવેલી સુંદર ગણેશ વંદનાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘રામ આયેંગે તો અંગના સજાયેંગે’ ભક્તિગીત પર રજૂ થયેલી નૃત્યકૃતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કમિટીના સભ્યો અંજલિ દવે અને સોનલ ભટ્ટના કોરિયોગ્રાફી માર્ગદર્શન હેઠળ પેગી પાઠક, રિજુતા ઠાકર, હેતલ ઠાકર, તૃપ્તિ વ્યાસ અને ફાલ્ગુની જોષીએ સુંદર નૃત્ય રજૂ કરીને દિવાળીના આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કર્યું હતું.
યુવા પ્રતિભા ગ્રીષ્મા વ્યાસે પોતાની નૃત્યકલાથી ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા, જ્યારે ધ્રુવ અને પરી લલિત સોનીએ બોલિવૂડ શૈલીની રજૂઆતથી કાર્યક્રમમાં મનોરંજનનો રંગ ઉમેર્યો હતો. ભારતી મહેતા, રીટા વ્યાસ અને હેતલ જોષીની આકર્ષક નૃત્યકૃતિએ ઉજવણીને વધુ રંગીન બનાવી હતી. કોમલ પટેલ અને ગૌરવ પટેલે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.
સમારોહમાં ટોરોન્ટો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી મહાવીર સિંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં શિક્ષણ, વ્યવસાય, રમતગમત, સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજને સહયોગ આપનારા સભ્યો, સ્પોન્સર્સ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પણ બિરદાવવામાં આવી હતી.
દિવાળી ગાલાનું સૌથી ગૌરવપૂર્ણ આકર્ષણ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર ૧૧ પ્રતિભાઓનો સન્માન સમારોહ રહ્યો હતો. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ સૌરિન દવેનું સન્માન કરવામાં આવ્યું હતું. કાયદા અને અભિનય ક્ષેત્રે સિદ્ધિઓ બદલ ખુશી દવેને ‘યુથ આઇકન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે વ્યવસાય ક્ષેત્રે સત્યમ ત્રિવેદીને ‘ગુજરાતી પ્રાઇડ’ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
સામાજિક નેતૃત્વ અને જાહેર સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન બદલ પથિક શુક્લનું સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સક્રિયતા અને સોકર કોચ તરીકેના યોગદાન બદલ કરણ ઠાકરને ‘યુથ આઇકન’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા.
કૂકિંગ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર રીટા વ્યાસને મહિલા ઉદ્યોગસાહસિક તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. યુવા પાઇલટ તરીકે સિદ્ધિ મેળવનાર પ્રથમ દવેને ‘યુથ આઇકન’ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ‘વાસ્તુ વિઝન’ થકી વ્યવસાય ક્ષેત્રે યોગદાન બદલ કલ્પેશ જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ક્રિકેટ ક્લબના સ્થાપક તરીકે રમતગમત ક્ષેત્રે યોગદાન બદલ શ્રમિક ત્રિપાઠીને બિરદાવવામાં આવ્યા હતા. મહિલા સશક્તિકરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ બિંદુ પુરોહિતનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે દૃષ્ટિ મહેતાને ‘યંગ ટેલેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
વિવિધ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રોની પ્રતિભાઓનું સન્માન કરીને સંસ્થાએ કેનેડામાં ભારતીય મૂળની નવી પેઢીને પોતાની કારકિર્દીમાં આગળ વધવાની સાથે સાંસ્કૃતિક મૂળિયાં સાથે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરી હતી. આવા સન્માન સમાજની યુવા પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બની રહે છે.
કમિટીના સભ્યો વ્રજેશ ભટ્ટ, કલ્પેશ જોષી, સમીર જોષી અને દેવાંગ વ્યાસે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ફોટોગ્રાફર ધીરેન પંડ્યાએ સમારોહની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારી હતી.
આયોજકોએ કાર્યક્રમની સફળતા માટે સ્પોન્સર્સ, સ્વયંસેવકો, મીડિયા સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, કમિટીના સભ્યો અને સમગ્ર બ્રાહ્મણ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. વિવિધ એપેટાઇઝર્સ, પરંપરાગત વાનગીઓ અને મીઠાઈઓ સાથેના સ્વાદિષ્ટ ભોજનનો ઉપસ્થિત મહેમાનોએ આનંદ માણ્યો હતો.
સમારોહના સમાપન પ્રસંગે પ્રમુખ શ્રી ઋષિકેશ ભટ્ટે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સભ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કેનેડામાં વસતા ભારતીય પરિવારો માટે આવા કાર્યક્રમો માત્ર તહેવારની ઉજવણી પૂરતા મર્યાદિત નથી. તેઓ નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનું, સામાજિક સંબંધોને મજબૂત બનાવવાનું અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનું અસરકારક માધ્યમ બની રહે છે. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આવી સામૂહિક ઉજવણીઓનું વિશેષ મહત્ત્વ છે.
બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયોની દિવાળી ગાલા ૨૦૨૬ની ઉજવણીએ દર્શાવ્યું હતું કે સમાજની સાચી શક્તિ પરસ્પર સન્માન, સેવાભાવ, પ્રતિભાઓને પ્રોત્સાહન અને એકતામાં રહેલી છે. ભારતીય સંસ્કૃતિના જતન સાથે કેનેડામાં સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવાનો સુંદર સંદેશ આપતા આ સમારોહનું સમાપન સંસ્થાની ભાવનાને પ્રતિબિંબિત કરતા શબ્દો સાથે થયું હતું — ‘આપણો સમાજ, આપણું ગૌરવ, આપણો પરિવાર.’
સમાચાર સ્રોત: બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો દ્વારા આપવામાં આવેલી સત્તાવાર પ્રેસ રિલીઝના આધારે આ સમાચાર તૈયાર કરવામાં આવ્યા છે.

















