18 October 2026

બ્રામ્પટનમાં ક્રિકેટનો નવો અધ્યાય: ‘મેયર ક્રિકેટ કપ’

0
Official Mayor Cricket Cup poster announcing eight-team tennis-ball cricket at Earnscliffe Park’s indoor dome in Brampton on October 17, 2026, with a knockout format and 20-over final.
    The Mayor Cricket Cup is scheduled for October 17, 2026, at Earnscliffe Park’s indoor dome in Brampton. Organized by Wall Street Cricket, JSK Sports and Mihir Oza, the tournament will feature eight teams, tennis-ball cricket, a knockout format and a 20-over final. Image credit: Official event poster courtesy of Mihir Oza.

    Dhwani Online News | By Hitesh Jagad.

    બ્રામ્પટનના રમતગમતના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે, જ્યારે અર્ન્સક્લિફ પાર્ક સ્થિત આધુનિક ઇન્ડોર ક્રિકેટ ડોમ ખાતે શનિવાર, ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પ્રથમ ‘મેયર ક્રિકેટ કપ’નું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા એક માત્ર પોસ્ટરે રમતપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને જોતજોતામાં સમગ્ર સમુદાયમાં કૂતુહલ અને રોમાંચ વ્યાપી ગયો છે. માત્ર આઠ ટીમ વચ્ચે રમાનારી આ સ્પર્ધાએ સ્થાનિક સ્તરે ક્રિકેટના શોખીનોમાં એક નવી જ ઉર્જા પૂરી પાડી છે. ઇન્ડિયાથી આવીને કેનેડામાં સ્થાયી થયેલા દક્ષિણ એશિયાઈ સમુદાય, ખાસ કરીને ઇન્ડો-કેનેડિયન નાગરિકો માટે ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ હૃદયની ખૂબ નજીક જોડાયેલી એક ભાવાત્મક સંવેદના છે.

      ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ના એડિટર હિતેશ જગડ માટે આ સોશિયલ મીડિયા પોસ્ટ માત્ર એક પોસ્ટ ન હતી, પરંતુ તેની પાછળ એક ઊંડો સાંસ્કૃતિક અને સમુદાયગત લગાવ છુપાયેલો હતો. ભારતની ગલીઓ, શાળાઓ અને કોલેજના મેદાનોમાં ક્રિકેટ રમીને મોટા થયેલા ડાયસ્પોરા માટે કેનેડા જેવા દેશમાં પોતાની માનીતી રમતને આટલા મોટા પાયે પ્રોત્સાહન મળવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. વર્ષો સુધી કેનેડિયન જીવનશૈલી અપનાવ્યા પછી પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી. જ્યારે આ જ રમતને સ્થાનિક કક્ષાએ એક સત્તાવાર સ્પર્ધાનું રૂપ મળતું દેખાયું, ત્યારે તેની પાછળની વિગતો જાણવી અત્યંત જરૂરી બની ગઈ હતી.

        આ ઉત્સુકતાને લીધે ધ્વનિ ચીફ એડિટર હિતેશ જગડે બ્રામ્પટનના જાણીતા સામાજિક અને સાંસ્કૃતિક અગ્રણી મિહિર ઓઝા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતનો મુખ્ય હેતુ આ આકર્ષક પોસ્ટર પાછળની વાસ્તવિકતા, આયોજકોની વિચારસરણી, ટુર્નામેન્ટનું માળખું અને ભાગ લેનારી ટીમો માટેના નિયમો વિશે વિગતવાર માહિતી મેળવવાનો હતો. મિહિર ઓઝાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત ‘મેયર ક્રિકેટ કપ’નું આયોજન વોલ સ્ટ્રીટ ક્રિકેટ, જેએસકે સ્પોર્ટ્સ (જય ઠક્કર) અને મિહિર ઓઝા પોતે સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ એક દિવસીય સ્પર્ધામાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને તમામ મેચો ટેનિસ-બોલથી રમવામાં આવશે. સ્પર્ધાનું માળખું અત્યંત રોમાંચક એટલે કે નોક-આઉટ ફોર્મેટનું રાખવામાં આવ્યું છે, જ્યારે આખરી ફાઇનલ મેચ ૨૦ ઓવરની રહેશે.

        આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અર્ન્સક્લિફ પાર્કના નવનિર્મિત ક્રિકેટ ઇન્ડોર ડોમ ખાતે કરવામાં આવ્યું છે. નવી જ ખુલેલી આ આધુનિક સુવિધાનો લાભ લઈને આયોજકોએ પોતાની પ્રથમ ઐતિહાસિક ટુર્નામેન્ટ યોજવાનો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. મિહિર ઓઝાએ વધુમાં ઉમેર્યું હતું કે બ્રામ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન પોતે આ ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરશે. આયોજક મંડળ માટે આ એક એવો સોનેરી અવસર છે જ્યાં તેઓ ખેલાડીઓને એકમંચ પર લાવીને રમત પ્રત્યેના તેમના ઝનૂનને બિરદાવી શકે અને શહેરની નવી સ્પોર્ટ્સ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરી શકે.

          ટુર્નામેન્ટમાં ભાગ લેનારી પ્રત્યેક ટીમે ૨૦૦ ડોલરની એન્ટ્રી ફી ચૂકવવાની રહેશે, જેને આયોજકો આટલી મોટી સ્પર્ધા માટે અત્યંત નોમીનલ એટલે કે નજીવી રકમ ગણાવે છે. સ્પર્ધાની વિજેતા ટીમને ભવ્ય ‘મેયર ક્રિકેટ કપ’ની ઝળહળતી ટ્રોફી એનાયત કરવામાં આવશે, જ્યારે રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા ટીમને પણ તેમની ઉત્કૃષ્ટ રમત બદલ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. વ્યક્તિગત શ્રેષ્ઠતાને બિરદાવવા માટે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જેવા વિશેષ એવોર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. જોકે, રોકડ પુરસ્કાર અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

          આઠ ટીમો વચ્ચે નોક-આઉટ પદ્ધતિથી રમાનારી આ સ્પર્ધામાં પ્રત્યેક મેચ “કરો અથવા મરો” સમાન બની રહેશે. હારનારી ટીમ તરત જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે જ્યારે વિજેતા ટીમ આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ ફોર્મેટના કારણે તમામ મેચોમાં ભારે રોમાંચ જોવા મળશે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં આટલી મોટી સ્પર્ધાનું ગોઠવણ કરવું એ આયોજકો માટે મોટો પડકાર હતો. બ્રામ્પટનમાં ક્રિકેટ પ્રેમીઓ અને ટીમોની કોઈ કમી નથી, પરંતુ મર્યાદિત સમયમાં ખેલાડીઓનો સંપર્ક કરવો અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું એ એક કઠિન કાર્ય છે, પરંતુ આયોજકો અને કેપ્ટનોના ઝડપી નિર્ણયોને કારણે આ શક્ય બન્યું છે.

            બ્રામ્પટનના ઇન્ડો-કેનેડિયન સમુદાયમાં મિહિર ઓઝા માત્ર એક સફળ બિઝનેસમેન કે અગ્રણી જ નથી, પરંતુ તેઓ કમ્યૂનિટીના પડખે ઊભા રહેનારા એક વિશ્વાસુ કમ્યૂનિટી લીડર પણ છે. વ્યવસાયિક ક્ષેત્રે મોર્ગેજ બ્રોકર અને રિયલ એસ્ટેટ બ્રોકરેજનું સફળ સંચાલન કરતા મિહિરભાઈએ પોતાની પ્રોફેશનલ કુશળતાની સાથેસાથે સામાજિક નિસ્વાર્થ સેવાઓ દ્વારા લોકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. જ્યારે પણ સમુદાયના ઉત્થાન કે હિતની વાત આવે છે, ત્યારે તેઓ હંમેશાં સૌથી આગળ રહીને આગેવાની લે છે અને કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર સમુદાયની પડખે ઊભા રહે છે.

            તેમની આ જ સામાજિક પ્રતિબદ્ધતા અને લોકસેવાની ભાવના તેમને બ્રામ્પટનના અન્ય અગ્રણીઓથી અલગ પાડે છે. ‘નવલી નવરાત્રી’ જેવા ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવના સફળ આયોજન દ્વારા તેમણે દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિને કેનેડાની ધરતી પર ધબકતી રાખી છે. હવે ક્રિકેટ ક્ષેત્રે ‘મેયર ક્રિકેટ કપ’ જેવી પહેલ કરીને તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર તહેવારો જ નહીં, પરંતુ રમતગમત દ્વારા પણ યુવાનો અને પરિવારોને એક તાંતણે બાંધવામાં માને છે. બ્રામ્પટનનો સમુદાય હંમેશાં તેમના પર ગર્વ અનુભવે છે કારણ કે તેમની દરેક પ્રવૃત્તિ પાછળ માત્ર એક જ ઉદ્દેશ્ય હોય છે – સમુદાયની ભલાઈ અને ઉત્સાહને હંમેશાં જળવી રાખવો.

              ઇન્ડો-કેનેડિયન પરિવાર માટે ક્રિકેટ માત્ર સ્કોરબોર્ડ સુધી સીમિત નથી; તે ભારતની ગલીઓ, શાળા-કોલેજની સ્મૃતિઓ, મિત્રો સાથેની ચર્ચાઓ અને મનપસંદ ટીમ માટેના ઉમંગ સાથે જોડાયેલું છે. કેનેડામાં ક્રિકેટ રમવાથી આ જૂની યાદો તાજી થાય છે અને નવા દેશમાં નવી મિત્રતા કેળવવાનો અવસર મળે છે. ભારતમાં ચોમાસું રમત અટકાવે છે, જ્યારે કેનેડામાં કડકડતી ઠંડી, સ્નો અને ટૂંકા દિવસો રમતમાં મોટો બાધક બને છે. અર્ન્સક્લિફ પાર્કનો ઇન્ડોર ડોમ હવે ખેલાડીઓને બારેમાસ ક્રિકેટ રમવાની અદ્ભુત તક પૂરી પાડશે.

              આગામી સમયમાં આવી વધુ ટુર્નામેન્ટ્સ યોજાશે કે નહીં તેનો આધાર ભવિષ્યના આયોજનો પર રહેશે, પરંતુ હાલ તો સૌનું ધ્યાન આ પ્રથમ ‘મેયર ક્રિકેટ કપ’ને સફળ બનાવવા પર કેન્દ્રિત છે. ભાગ લેવા ઇચ્છતી ટીમો અને સુકાનીઓએ વધુ માહિતી અને સમયપત્રક માટે મિહિર ઓઝા, વોલ સ્ટ્રીટ ક્રિકેટ અથવા જેએસકે સ્પોર્ટ્સનો સીધો સંપર્ક કરવાનો રહેશે. ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ આયોજકો અને તમામ આઠ ટીમોને આ ટુર્નામેન્ટ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

                Share with friends

                What do you feel about this?

                Leave a Reply

                Your email address will not be published. Required fields are marked *

                You may have missed

                Total
                0
                Share