27 September 2026

ધ્વનિના ડિજિટલ મંચ પર જ્યોતિષ સમ્રાટ અશ્વિન રાવલનું ભાવભીનું સ્વાગત: ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે સંસ્કૃતિ અને આધ્યાત્મનો નવો સૂર્યોદય

0

    Dhwani News Online | Coming Soon Astro Corner with Shri Ashwin Raval

    કેનેડાના ગ્વેલ્ફથી પ્રકાશિત થતા લોકપ્રિય અને અગ્રણી ઇન્ડો-કેનેડિયન ઓનલાઇન ‘ધ્વનિ’ દ્વારા પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર એક અત્યંત વિશિષ્ટ અને આવકારદાયક નવતર પ્રયોગનો પ્રારંભ કરવા જઈ રહ્યું  છે. ગુજજુ કમ્યુનિટી અને કેનેડિયન કલ્ચર વચ્ચે એક મજબૂત સેતુ બાંધતા આ પ્લેટફોર્મ પર હવે વિખ્યાત જ્યોતિષી અને વરિષ્ઠ સાહિત્યકાર શ્રી અશ્વિન રાવલનો ‘એસ્ટ્રો કોર્નર’ વિધિવત રીતે શરૂ થઈ રહ્યો છે. ધ્વનિ ન્યૂઝ ઓનલાઈનનો આ નવો વિભાગ ઇન્ડો-કેનેડિયન પાઠકોને તેમના જીવનના મૂંઝવતા પ્રશ્નોના સચોટ ઉકેલો મેળવવાની એક સુવર્ણ તક પૂરી પાડશે. કેનેડામાં વસતા દક્ષિણ એશિયાઈ સમુદાય માટે માતૃભાષા ગુજરાતી, ભારતીય પરંપરાઓ, સનાતન સંસ્કૃતિ અને જ્યોતિષશાસ્ત્ર જેવા ગહન વિષયો સાથે જીવંત સંપર્ક જાળવી રાખવા માટે ધ્વનિનો આ પ્રયાસ એક અત્યંત સરાહનીય પહલ બની રહેશે.

      જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન આપનાર ૭૮ વર્ષીય અશ્વિન રાવલજીનો ૫૦ વર્ષનો દીર્ઘ અને બહોળો અનુભવ છે. માત્ર વ્યક્તિગત કુંડળી વિશ્લેષણ કે કન્સલ્ટેશન સુધી સીમિત ન રહેતા, તેમણે ગુજરાતના જાણીતા અખબારોમાં પોતાના લોકપ્રિય કોલમ્સ દ્વારા જ્યોતિષ વિદ્યા જેવા જટિલ વિષયને અત્યંત સરળ, રોચક અને સર્વભોગ્ય ભાષામાં સામાન્ય વાચકો સુધી પહોંચાડ્યો છે. છેલ્લા ચાર દાયકા દરમિયાન તેમણે ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, દિવ્ય ભાસ્કર અને ફૂલછાબ જેવા પ્રતિષ્ઠિત સમાચારપત્રોમાં જ્યોતિષીય લેખો અને સાપ્તાહિક ભવિષ્યવાણીનું સતત લેખન કરીને વાચકોના દિલ જીત્યા છે. હાલમાં પણ તેઓ મુંબઈના જન્મભૂમિ અને સૌરાષ્ટ્ર-કચ્છના ફૂલછાબ દૈનિકમાં દર રવિવારે આઘ્યાત્મિક અને જ્યોતિષીય વિષયો પર માર્ગદર્શક લેખો લખી રહ્યા છે. ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન સાથેનું તેમનું આ નવું જોડાણ કેનેડામાં વસતા જૂના અને નવા વાચકો માટે અત્યંત ઉત્સાહવર્ધક બની રહેશે.

        અશ્વિન રાવલજી માત્ર એક કુશળ એસ્ટ્રોલોજર જ નથી, પરંતુ એક ઉચ્ચ કોટિના સાહિત્યકાર પણ છે. તેમણે અત્યાર સુધીમાં ૭ બહુચર્ચિત નવલકથાઓ અને ૫૦થી વધુ રસસભર વાર્તાઓની રચના કરી છે. તેમનું આ સાહિત્યિક પ્રદાન તેમના વ્યક્તિત્વને એક અલગ જ ઊંચાઈ આપે છે. ધ્વનિ ઓનલાઇન ન્યૂઝ આગામી દિવસોમાં પાઠકો માટે તેમની આ સર્જનાત્મક વાર્તાઓ અને સાહિત્યિક કૃતિઓ પણ પ્રગટ કરવાની યોજના ધરાવે છે, જેનાથી વિદેશની ધરતી પર માતૃભાષાના સાહિત્યિક વારસાને વધુ મજબૂતી મળશે.

        આ નવતર એસ્ટ્રો કોર્નરનું મુખ્ય આકર્ષણ રીડર્સ પાર્ટિસિપેશન એટલે કે વાચકોની સીધી ભાગીદારી રહેશે. કેનેડાના વ્યસ્ત લાઈફસ્ટાઈલ વચ્ચે જીવન, કારકિર્દી, પરિવાર કે ભવિષ્યને લગતી મૂંઝવણો ધરાવતા પાઠકો પોતાના પ્રશ્નો ધ્વનિ ન્યૂઝની ટીમ મારફતે મોકલી શકશે, જેના ઊંડાણપૂર્વકના અને શાસ્ત્રોક્ત જવાબો અશ્વિનભાઈ પોતાના આગામી હપ્તાઓમાં આપશે. ધ્વનિ પરિવાર શ્રી અશ્વિન રાવલનું ડિજિટલ મીડિયાના આ નવા અધ્યાયમાં હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને તમામ ઇન્ડો-કેનેડિયન વાચકોને આ અનન્ય સાંસ્કૃતિક અને આઘ્યાત્મિક પ્રવાસમાં જોડાવવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવે છે.

          Share with friends

          What do you feel about this?

          Leave a Reply

          Your email address will not be published. Required fields are marked *

          You may have missed

          Total
          0
          Share