જીવનચક્રનો અદ્ભુત વળાંક: ઘડપણમાં છલકતું બાળપણ

Writer : Parul Shah (Brampton) | Dhwani Online | Community – Story
” કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન” …..જ્યારે પણ નિખાલસતા, આત્મીયતા અને લાગણી-પ્રેમ થી ભરપૂર જીવન નું ચક્ર આ અવસ્થા માં ઘડપણ થી બાળપણ માં પહોંચે છે,ત્યારે આપણે સમય ના ચક્ર ની ગતિશીલતા ને માણી એ છીએ. જીવન ની શરૂઆત માં જયારે બાળપણ પોતાની ગતિ માં ફરતું ફરતું જીવન ની સાંજ તરફ વળતું જાય છે ત્યારે જીવન નો અંત એ તેની શરૂઆતમાં પરિવર્તિત થતો હોય તેમ લાગે છે. બાળપણ થી ઘડપણ નું જીવન એક ફિલ્મ ની જેમ સ્મરણો ના સફર માં સવાર થઈ ને દોડે છે.જીવન ને ધબકતું, ધધકતું રાખવું હોય તો માનવે તેના બાળપણ ને ફરી થી ઈશ્ર્વર ની અદ્ભુત દેન સમજી ને જીવવું જોઈએ.
માયા ના જાળમાં ફસાયેલો માનવી જયારે થાકી, હારી જાય, શરીર થી અશક્ત થવા માંડે છે.પારિવારીક જવાબદારીઓમાં થઈ મુક્ત થવા માંગે છે ત્યારે તેને પોતાના બાળપણ ના દિવસો તરોતાજા થઈ જાય છે.તેને ફરી થી એ સમય ને પોતાનો કરી લેવાની ઈચ્છા થઈ જાય છે.

બાળપણ ની નિર્દોષતા, યુવાની ની મદમસ્તા માં મળતી જાય છે ને માણસ ગર્વિલો બનતો જાય છે.તેને પોતાની શક્તિઓ, બુધ્ધિચાતુરયા અને અરજિત ધનસંપતિ નો ગર્વ થતો જાય છે.પરંતું આ ચક્ર જયારે વૃદ્ધાવસ્થા તરફ અગ્રસર થતા તેનું મન બાળપણ ની જૂની ગલીઓ તરફ વળતું જાય છે. તેને બાળપણ ની માસૂમતા,મનગમતા જીવન જીવવાની ઈચ્છાઓ, નાનપણ ના ભેરુ સાથે કરેલી મસ્તીઓ, સીમિત સંસાધનો સાથે જીવન નિર્વાહ કર્યા ની વાતો યાદ આવે છે.બાળપણ ની યાદો ને પોતાના કુટુંબીજનો ને બતાવે છે ત્યારે ઘડપણ ની આંખો ના ચમકારા કંઈક અલગ હોય છે.
બાળસુલભ મન માં કોઈ ઐશ્વર્ય ની લાલચ નથી હોતી. તેમની દુનિયા તો મુઠ્ઠી ભર પ્રેમ માં સમાઈ જાય છે.તેમને તો પોતાની વાત ને કોઈ ધ્યાન થી સાંભળે, સમજે,પ્રેમ થી વાત કરે તેવી જ અપેક્ષા રાખતા હોય છે આવી જ ઈચ્છાઓ ઘડપણ માં પણ મન માં ઉભરાતી હોય છે.પોતાની જીદ થી વાત મનાવતા બાળક નું ચિત્ર ઘડપણ માં ફરી થી જીંવત થઈ જાય છે
ઉમ્ર ની સાથે ચહેરા પર પડેલી અનુભવ ની કરચલી ઓ, દાંત વગર ના ચહેરા નું હાસ્ય નિર્દોષતા ની ચરમ સીમા પર ઘડપણ માં પહોંચે છે.બાળક ની જેમ આવું હાસ્ય જવાબદારીઓ થી મુક્ત થયા પછી અને અનુભવ ને મેળવ્યા પછી જ આવી શકે છે.
વધતી ઉમ્ર ના પડાવ પર જ્યારે ઘડપણ પહોંચે છે ત્યારે તે આ બાળપણ ની અવસ્થા ઓ ના એક એક તબક્કાઓ ને પાર કરતો હોય તેવું લાગે છે.
નાનું બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે.તેને ઉપેક્ષિત થવું બિલકુલ ગમતું નથી તેવી જ પરિસ્થિતિ ઘડપણ માં પણ ઉત્પન્ન થાય છે.તેમનું મન પણ ઉપેક્ષા ઓ અને સંવેદનહીનતા માં દુઃખી અને નારાજ થાય છે.બાળપણ માં બાળક નું મન ખૂબ જ ચંચળ અને પ્રવૃતિમય હોય છે ને તેની પ્રવૃતિ અવનવી ને અચરજ ભરેલી હોય છે.તેવી રીતે ઘડપણ માં પણ માનવી મન ની ચંચળતા અને નટખટ પ્રવૃતિઓ ને પુનઃ જીવવા માંગે છે એ એને અનુભવવા માંગે છે.કાંઈ પણ પરવા કર્યા વગર જીવન જીવવું એ બાળપણ ને તેઓ ઘડપણ માં માણે છે તેથી તેમનું ઘડપણ સ્વર્ગ થી સુંદર બની જાય છે.”કુદરત નું ચક્ર એવું અનોખું ફરે છે કે માનવ ઘડપણ માં પાછો બાળક બને છે.”
“જિંદગી ના પુસ્તક ના છેલ્લા પાના ઉપર એક અદ્ભુત કવિતા ત્યારે જ લખી શકાય જયારે વર્ષો ના અનુભવી ઘડપણ માં એક નાના બાળક નું બાળપણ છલકાય છે.”
પારૂલ શાહ-બ્રેમ્પટન (કેનેડા)


