લેક ઓન્ટારિયોના તરંગો પર ગૂંજ્યો ગણેશ ભક્તિનો મહાનાદ: મિસિસાગા અને પિકરિંગમાં દ્વિ-દિવસીય ગણેશોત્સવ અને વિસર્જનની ભવ્ય ઉજવણી
Dhwani News Online | Community News | Mississauga

લેક ઓન્ટારિયોના શાંત જળ પર ભક્તિ, સંસ્કૃતિ અને લોકસંગીતનો એવો અદભુત સંગમ સર્જાયો કે સમગ્ર કેનેડાનું વાતાવરણ “ગણપતિ બાપ્પા મોરિયા”ના નાદથી ગૂંજી ઊઠ્યું. ‘ધ્વનિ ઇન્ડો-કેનેડિયન ઓનલાઇન ન્યૂઝ’ નો ખાસ અહેવાલ.

ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી જયઘોષ, ઢોલ-નગારાના ઘેરા નાદ અને શ્રદ્ધાળુઓના અદમ્ય ઉત્સાહ સાથે કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં દ્વિ-દિવસીય ગણેશ મહોત્સવ તથા વિસર્જન પર્વ અત્યંત શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો. હિન્દુ ફેડરેશનના નેતૃત્વ હેઠળ મિસિસાગા રામ મંદિર અને પિકરિંગ સ્થિત દેવી મંદિરના સંયુક્ત સહયોગથી આયોજિત આ મહોત્સવે કેનેડામાં વસતા ઇન્ડો-કેનેડિયન સમુદાયને ભક્તિના એક અનોખા સૂત્રમાં પરોવી દીધો હતો. ઉજવણીનો શુભારંભ મિસિસાગા રામ મંદિર ખાતેથી થયો હતો, જ્યાં ભક્તો પ્રભાત પૂજન, વિશેષ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એકત્રિત થયા હતા. આ તકે ‘કેનેડા ઢોલ તાશા લેઝિમ’ ગ્રુપના કલાકારોએ પરંપરાગત વાદ્યોના તાલે એવી રજૂઆત કરી કે મંદિર પરિસરમાં ઉપસ્થિત બાળકો, યુવાનો અને વડીલો ઝૂમી ઊઠ્યા હતા. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ધાર્મિક વારસાની આ જીવંત ઝાંખી કેનેડાની ધરતી પર જોઈ સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા. રામ મંદિર ખાતે પ્રથમ ચરણમાં શ્રી ગણેશજીની પ્રતીકાત્મક પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ, આ દિવ્ય ઉત્સવ પિકરિંગના એજેક્સ ખાતે આવેલા રોબર્ટસન પાર્કમાં આગળ વધ્યો હતો. મિસિસાગા રામ મંદિરથી શ્રદ્ધાળુઓ માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. બસ પ્રવાસ દરમિયાન પણ ભક્તોએ સતત ભજન-કીર્તન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. રોબર્ટસન પાર્ક ખાતે દેવી મંદિર અને રામ મંદિરના સંયુક્ત ઉપક્રમે સતસંગ, પ્રાર્થના અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. ઇન્ડો-કેનેડિયન પરિવારોએ એકસાથે મળીને આ મહોત્સવને સફળ બનાવ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, હિન્દુ ફેડરેશનના પ્રમુખ પંડિત રૂપનાથ શર્માના કુશળ માર્ગદર્શન, મંદિરના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોના અથાક પરિશ્રમને કારણે જ આટલા મોટા પાયે આયોજન સુચારૂ રૂપે પાર પડ્યું હતું.
આ દ્વિ-દિવસીય ઉત્સવનો સૌથી આકર્ષક અને યાદગાર ક્ષણ રવિવાર, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જોવા મળ્યો હતો. મિસિસાગા રામ મંદિરથી ભક્તો ચાર મોટી લક્ઝરી કોચ બસો મારફતે લેક ઓન્ટારિયો પહોંચ્યા હતા, જ્યાંથી ગણેશ વિસર્જન માટે એક વિશાળ બોટ ક્રૂઝ રવાના થઈ હતી. લેક ઓન્ટારિયોના ખુલ્લા પાણીમાં જ્યારે બોટ આગળ વધી રહી હતી, ત્યારે ઢોલ-નગારા અને લાઈવ મ્યુઝિક બેન્ડના સુરો સાથે ભજનો તથા દેશભક્તિ અને હિન્દી ગીતોથી સમગ્ર બોટ ગૂંજી ઊઠી હતી. લેક ઓન્ટારિયો પર વહેતા પાણીના મોજાં વચ્ચે પણ પંડિત રૂપનાથ શર્મા અને ભક્તજનોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન હતો. આ ક્રૂઝ માત્ર એક ધાર્મિક યાત્રા ન બની રહેતા, સમુદાય વચ્ચેના બંધુત્વ અને પ્રેમનું મહાપર્વ બની ગયું હતું.
બોટ પર જળ વિસર્જનની મુખ્ય વિધિ યોજાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર, આરતી અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશજીની મૂર્તિનું લેક ઓન્ટારિયોના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું. આંખોમાં અશ્રુ અને હૃદયમાં કૃતજ્ઞતા સાથે ભક્તોએ દાદાને વિદાય આપી, અને આવતા વર્ષે ફરીથી વહેલા આવવાનું ભાવભીનું આમંત્રણ પાઠવ્યું. આ વિસર્જન ક્ષણ દરેક શ્રદ્ધાળુ માટે માત્ર ઉત્સવનો અંત નહીં, પરંતુ નવી આશા, સમૃદ્ધિ અને પારિવારિક એકતાના આશીર્વાદ સમાન બની રહી. રામ મંદિર ટીમ અને સ્વયંસેવકોની સુરક્ષા તેમજ આયોજન વ્યવસ્થાની સૌએ મુક્ત મને પ્રશંસા કરી હતી.
આ સફળ આયોજને સાબિત કરી દીધું કે કેનેડા જેવા બહુસાંસ્કૃતિક દેશમાં પણ ભારતીય સમુદાય પોતાની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવામાં કટિબદ્ધ છે. ગ્રેટર ટોરોન્ટો એરિયામાંથી આવેલા સેંકડો ભક્તો માટે ૨૦૨૬નો આ ગણેશોત્સવ અને લેક ઓન્ટારિયો બોટ ક્રૂઝ વિસર્જન એક અવિસ્મરણીય અને દિવ્ય સ્મૃતિ બની રહેશે.
અહેવાલ: હસુ બિહારી સ્થાનકિયા
ફોટોગ્રાફર: અશ્વિનભાઈ ઠાકર

















