21 September 2026

ધ્વનિ વિષેશ : સિટી ઓફ બ્રૅમ્પટનના ચાચર ચોકે કમ્યુનિટી ગરબાનું પાંચમું વર્ષ : એક વિઝનરી વિચારથી મ્યુનિસિપલ પરંપરા સુધીની ઐતિહાસિક સફર

0

    ધ્વનિ ઓનલાઈન ન્યૂઝ વિશેષ : હિતેશ જગડ દ્વારા

    ઇન્ડો-કેનેડિયન સમુદાય જ્યારે શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના પાવન પર્વોની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે બ્રૅમ્પટન શહેરમાં સાંસ્કૃતિક ચેતનાનો એક નવો ઉજાસ જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલા    ગણેશ મહોત્સવે અનેક પરિવારોને એકતાના તાંતણે બાંધ્યા છે. આ ઉપરાંત હિન્દુ સભા મંદિર દ્વારા સતત છ દિવસ સુધી નિઃશુલ્ક રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરીને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેથી આર્થિક સીમાઓને ભૂલીને દરેક નાગરિક આ ભક્તિમય ઉત્સવમાં સહભાગી બની શકે. આવી ઉમદા પહેલ કરનાર તમામ આયોજકો અને સ્વયંસેવકો અભિનંદનને પાત્ર છે.

      આ પાવન વાતાવરણ વચ્ચે હવે બ્રૅમ્પટન શહેર વધુ એક સાંસ્કૃતિક ઉત્સવ ઝીલવા આતુરતાપૂર્વક તૈયાર થઈ રહ્યું છે. શુક્રવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બ્રૅમ્પટન સ્પોર્ટ્સ પાર્કના કબડ્ડી ફિલ્ડ ખાતે સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન સિટી ઓફ બ્રામ્પટન દ્વારા વાર્ષિક ‘કમ્યુનિટી ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘હ્યુમન્સ ફોર હાર્મની” ના સહયોગથી યોજાનારા આ નિઃશુલ્ક મહાઉત્સવમાં તૃષા રામી અને દર્શન બુધેલીયા જેવા જાણીતા કલાકારો સાથે સ્થાનિક કલાકારો પોતાના સૂર-તાલ રેડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર દર વર્ષે આ ઉત્સવમાં હજારો લોકો આ કમ્યૂનિટી ગરબામા ભાગ લે છે.

        પરંતુ ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન’નો આ અહેવાલ માત્ર એક ફ્રી ગરબા આયોજન પૂરતો મર્યાદિત નથી. આ વાત છે એક વ્યાપક વિચારની! આ પરંપરાગત ભારતીય કલ્ચર આખરે બ્રૅમ્પટન સિટીના સત્તાવાર સાંસ્કૃતિક કેલેન્ડરનો અવિભાજ્ય ભાગ કેવી રીતે બન્યું? આ સાંસ્કૃતિક બીજ રોપવામાં કોનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો? સિટી ઓફ બ્રામ્પટને ગરબાની વૈશ્વિક મહત્તાને કેમ સ્વીકારી? અને સૌથી અગત્યનું, વર્ષો પહેલાં શરૂ થયેલી આ ભવ્ય પરંપરાને આપણી આવનારી નવી પેઢીઓ સુધી સુરક્ષિત રીતે કેવી રીતે પહોંચાડવી?

        કોઈપણ કાયમી મહત્વ ધરાવતો સામાજિક બદલાવ આપોઆપ નથી સર્જાતો. જાહેર મંચ પર ભવ્ય સફળતા દેખાય તે પહેલાં તેની પાછળ અનેક વિઝનરી વ્યક્તિઓની વિચારધારા, રજૂઆતો અને પડદા પાછળની અથાક સંઘર્ષ અને મહેનત છુપાયેલી હોય છે. કેનેડામાં તાજેતરમાં માઈગ્રેટ નવા ભારતીય પરિવાર માટે આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાણવી અત્યંત આવશ્યક છે.

        બ્રામ્પટન સિટીના પ્રથમ સત્તાવાર કમ્યુનિટી ગરબા વર્ષ ૨૦૧૯માં ૧૮ ઓક્ટોબરના રોજ CAA સેન્ટર ખાતે યોજાય હતા. સ્થાનિક ફૂડ બેન્ક માટે ફૂડ ડોનેશન એકત્ર કરવા સાથે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ આયોજન બ્રૅમ્પટનના ‘કમ્યુનિટી રેકગ્નિશન પ્રોગ્રામ’ હેઠળ શહેરની વિવિધ સંસ્કૃતિઓને બહુમાન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયું હતું. તેણે સાબિત કર્યું કે ગુજરાત અને નવરાત્રિની આસ્થા સાથે જોડાયેલી ગરબાની પ્રાચીન પરંપરા કેનેડિયન મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર નાગરિક જીવનમાં પણ ગૌરવપૂર્ણ સ્થાન મેળવી શકે છે.

        આ ભગીરથ કાર્યની શરૂઆત ગુજરા ઇન્ડો-કેનેડિયન સમુદાયના અગ્રણી કમ્યુનિટી લીડર્સ શ્રી ડોનભાઈ પટેલ, શ્રી પથિકભાઈ શુક્લા અને ‘હ્યુમન્સ ફોર હાર્મની’ સંસ્થાના સ્થાપકોના એક સુંદર વિચારથી થઈ હતી. તેમણે સૌપ્રથમવાર સિટી ઓફ બ્રામ્પટન અને મેયર પેટ્રિક બ્રાઉન સમક્ષ આ કલ્પના રજૂ કરી હતી. એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનને નવરાત્રિ તહેવારનું ઇન્ડો-કેનેડિયન સમુદાય માટેનું ગૂઢ સામાજિક-ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું અને ગરબાને સિટીની સત્તાવાર વાર્ષિક ઇવેન્ટ તરીકે પ્રસ્થાપિત કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.

        અનેક વિચાર-વિમર્શ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ, સિટી ઓફ બ્રામ્પટને આ પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કર્યો અને વર્ષ ૨૦૧૯માં પ્રથમવાર આ નવતર કમ્યુનિટી ગરબાનું સફળ આયોજન શક્ય બન્યું. ત્યારથી જ ‘હ્યુમન્સ ફોર હાર્મની’ સંસ્થાએ સત્તાવાર કમ્યુનિટી પાર્ટનર તરીકે અત્યંત નિષ્ઠાપૂર્વક ભૂમિકા ભજવી છે. શ્રી ડોનભાઈ પટેલ અને શ્રી પથિકભાઈ શુક્લા પોતાના સાંસ્કૃતિક અનુભવો અને પ્રભાવશાળી કમ્યુનિટી લીડરશિપ દ્વારા સમાજમાં એકતા, સમરસતા અને સાંસ્કૃતિક જોડાણ વધારવા માટે આજે પણ સક્રિયપણે કાર્યરત રહીને પોતાની નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે.

        સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો, ઇન્ડો-કેનેડિયન સમુદાય અને વિશેષ કરીને ગુજરાતીઓ માટે ગરબા એ માત્ર સંગીત કે મનોરંજન નથી. નવરાત્રિ એ એક ગૂઢ આધ્યાત્મિક અને દિવ્ય પર્વ છે. ગરબા મૂળભૂત રીતે શક્તિ અને જગતજનની જગદંબાના સ્ત્રી સ્વરૂપની પૂજા-અર્ચના છે. તે ધૂન, તાલ અને સમૂહ ભાવના દ્વારા સમગ્ર સમાજને એકસાથે જોડે છે. કોઈ પણ જાત ના ભેદભાવ વગર.

        પરિવારો આખું વર્ષ નવરાત્રિની રાહ જુએ છે. બાળકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થાય છે અને મોટેરાંઓ સાથે ગરબે ઘૂમે છે. મા અંબાના આશીર્વાદ, શ્રદ્ધા અને આપણી ભારતીય ઓળખ આ ઉત્સવમાં એકરૂપ થઈ જાય છે. આ જ કારણ છે કે બ્રૅમ્પટન જેવા શહેરના જાહેર જીવનમાં ગરબાને સત્તાવાર પ્લેટફોર્મ મળવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે.

        કોરોના મહામારીના કઠિન સમયગાળા બાદ, બ્રૅમ્પટન સિટીએ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ગેજ પાર્ક ખાતે કમ્યુનિટી ગરબાનું પુનઃ ભવ્ય આયોજન કર્યું હતું. સિટીની સત્તાવાર જાહેરાતમાં તેને ‘બીજો કમ્યુનિટી ગરબા’ તરીકે સ્પષ્ટ આલેખવામાં આવ્યો હતો.

          વર્ષ ૨૦૨૩માં વધુ એક મહત્વપૂર્ણ વહીવટી પ્રગતિ થઈ. બ્રૅમ્પટનની ૨૬ એપ્રિલ, ૨૦૨૩ની કમિટી ઓફ કાઉન્સિલ મીટિંગમાં મેયર પેટ્રિક બ્રાઉને ‘હ્યુમન્સ ફોર હાર્મની’ સાથે મળીને આ કમ્યુનિટી ગરબાને સિટીના ૨૦૨૩-૨૦૨૬ના ‘કોર્પોરેટ ઇવેન્ટ્સ લિસ્ટિંગ’માં સત્તાવાર રીતે સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સરકારી રેકોર્ડ સાબિત કરે છે કે કેવી રીતે એક સામાજિક વિચાર બ્રામ્પટનની કાયમી મ્યુનિસિપલ સિસ્ટમનો હિસ્સો બન્યો.

          ત્યારબાદ ૨૦૨૪ અને ૨૦૨૫માં આ ગરબા મહોત્સવ અવિરતપણે યોજાયો. ૨૦૨૫ની સત્તાવાર જાહેરાતમાં, સિટીએ તેને એક ઉત્કૃષ્ટ ફેમિલી-ફ્રેન્ડલી ફ્રી ઇવેન્ટ ગણાવી બ્રામ્પટનના વિશાળ ગુજરાતી સમુદાયના વારસાને બિરદાવ્યો હતો. હવે, ૨૦૨૬માં આ પરંપરા વધુ દબદબાભેર પુનરાવર્તિત થઈ રહી છે.

          આજે બ્રામ્પટન શહેર પોતાના મ્યુનિસિપલ ફેસ્ટિવલ કેલેન્ડરમાં કમ્યુનિટી ઈદ, તમિલ હેરીટેજ મંથ, વિયેતનામીસ લુનાર ન્યૂ યર, ફિલિપિનો હેરીટેજ મંથ, નાઈજીરિયન ઈન્ડિપેન્ડન્સ ડે અને દિવાળી મેળો  જેવા અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો ઉજવે છે. આ એવા જીવંત શહેરનું પ્રતીક છે જ્યાં મલ્ટીકલ્ચરલિઝમ માત્ર વાતોમાં નહીં પરંતુ સરકારી અને જાહેર સ્થાનો પર પ્રત્યક્ષ દ્રશ્યમાન થાય છે. આપણી ભવ્ય સંસ્કૃતિ માત્ર આપણા ઘરો કે મંદિરો સુધી સીમિત ન રહેતા કેનેડાના જાહેર સ્થાનો પર પણ પૂર્ણ માન-મર્યાદા સાથે રજૂ થઈ શકે છે. ઓન્ટારિયો અને સમગ્ર કેનેડાના અન્ય શહેરો બ્રામ્પટનના આ સફળ મોડેલમાંથી પ્રેરણા લઈ શકે છે.

          પરંતુ અહી એક અતિ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે:  ભવિષ્યનું શું..? શું આ અવિરત પરંપરા ચાલુ રહશે ? ચાલુ રેહવી જોઈએ..?

          ભવિષ્યમા નેતાઓ અને મેયરો બદલાશે, સરકારી નીતિઓ અને વહીવટદારો બદલાશે, સંસ્થાઓના ચહેરાઓ બદલાશે અને આજે ગરબા ગાવા આવતા પરિવારની જગ્યાએ નવી પેઢી આવી જશે. પરંતુ આપણી આ દિવ્ય પરંપરા અવિરત ચાલુ રહેવી જોઈએ. કેનેડામાં ઉછરી રહેલા આપણા બાળકો અને પૌત્રોએ નવરાત્રિ અને ગરબાની ભવ્યતા માત્ર ફોટોગ્રાફ્સ કે સોશિયલ મીડિયામાં જોવી ન પડે. તેઓ પોતે રાસ-ગરબાના તાલે ઝૂમે, અને આ ઉજવણી પાછળ રહેલી આસ્થા અને સંસ્કૃતિનું મૂલ્ય સમજે તે અનિવાર્ય છે. સાંસ્કૃતિક વારસો આપોઆપ આગળ નથી વધતો, તેને સભાનપણે ધપાવવો પડે છે.

            આ કાર્યમાં સામાજિક સંસ્થાઓ, માતા-પિતા, કલાકારો, સ્વયંસેવકો અને સ્થાનિક સ્પોન્સર્સની મોટી ભૂમિકા છે. અને અંતે, યુવા પેઢીએ આનો કાર્યભાર સંભાળવો પડશે.

            વર્ષ ૨૦૨૬ના બ્રૅમ્પટન કમ્યુનિટી ગરબામાં આવેલું કોઈ નાનું બાળક જ્યારે ૨૦ કે 25 વર્ષ પછી પોતાના બાળકના હાથ ઝાલીને આ જ મેદાનમાં ગરબે ઘૂમવા આવશે, ત્યારે કદાચ તેને એ ખબર નહીં હોય કે પ્રથમ બેઠક કે રજૂઆત કોણે કરી હતી! પરંતુ તેને એક વાતની ચોક્કસ ખબર હશે: “દર નવરાત્રિએ બ્રામ્પટન સિટી ગરબાની ઉજવણી કરે છે!” જો આ સિદ્ધ થશે, તો આ પ્રોજેક્ટ શરૂ કરનાર તમામ લોકોએ એક અમર પરંપરાનું સર્જન કર્યું ગણાશે.

            ધ્વનિ ઓનલાઇન ન્યુસ નું કમ્યૂનિટી ને આહ્વાન છે, સિટી ઓફ બ્રામ્પટન ના ગરબા મા ઉત્સાહ થી પરિવાર સાથે જોડજો અને મિત્રો ને પણ સાથે લેતા જજો, અને તમારા સોસિયલ મીડિયા ઉપેર ઉત્સાહ કહજો કે “THANK YOU CITY OF BRMAPTON WE PROUD OF YOU” ઉપરાંત હ્યૂમન એંડ હારમનીનો પણ આભાર માનજો કે જેમના અથાગ પ્રયત્નો કારણે આજે નવરાત્રી સમય દરમ્યાન ગરબા સિટી ઓફ બ્રામ્પટનમા હવે દર વર્ષ નો ઉત્સવ બની ગયો છે.

            ‘ધ્વનિ ઓનલાઈન ન્યૂઝ’ બ્રૅમ્પટન સિટી અને સમગ્ર ઇન્ડો-કેનેડિયન સમુદાયનો હૃદયપૂર્વક આભાર માને છે. અમે ‘હ્યુમન્સ ફોર હાર્મની’, તમામ સ્વયંસેવકો, કલાકારો, સ્પોન્સર્સ અને સિટી સ્ટાફનો પણ આભાર માનીએ છીએ.

            સમાજ માટે સૌથી મોટું પ્રદાન એ નથી કે જેના પર કોઈ એક વ્યક્તિનું નામ લખેલું હોય; સૌથી મોટું પ્રદાન એ છે જે તમામના નામ ભુલાઈ ગયા પછી પણ વિરાસત બનીને અમર રહે છે. ગરબાને સર્વસમાવેશક રાખો, પરિવાર અને યુવાનોને જોડી રાખો અને નવરાત્રિની આસ્થાને અક્ષિણ રાખો. સરકારો અને નેતાઓ બદલાશે, પણ આપણો સાંસ્કૃતિક વારસો અવિરત ચાલતો રહેવો જોઈએ.

              ધ્વનિ ઓનલાઈન ન્યૂઝ ની વિશેષ પ્રસ્તુતિ 
              બ્રામ્પટન સિટીનો ઉત્સવ ગરબો (કુમ કુમ ના પગલાં પડ્યા અને "એક વાર બોલું કે બે વાર બોલું - ગીતા રબારી " ના સુપરહિટ થીમ પર

              માડી તારા ગરબા ગવાય કેનેડા ચોકમાં,
              દીવડા પ્રગટ્યા છે બ્રૅમ્પટનના ચોકમાં...
              જય અંબે, જય બહુચર, જય જગદંબા મા!

              એ હાલો પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ,
              એ હાલો, એ હાલો, પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ!

              સાત સમુંદર પાર કરીને આવ્યા કેનેડા દેશ,
              તોય નથી ભૂલ્યા આપણો રૂડો ગુજરાતી વેશ!
              ઢોલીડા ના તાલે હવે ભેગાં મળીને ગાઈએ...
              એ હાલો પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ!

              ચણિયાચોળી, કેડિયાં સોહે, આભલે મઢિયાં આસોપાલવ પાન,
              મા અંબાના ગરબે ઘૂમે આખુંય બ્રામ્પટન શહેર !
              મા અંબાના ચરણોમાં શિશ નમાવીએ...
              એ હાલો પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ!

              ત્રણ તાડીનો તાલ વાગે, વાગે ઝાંઝરનો ઝણકાર,
              આપણી આ સંસ્કૃતિનો અમર છે શણગાર!
              માતાજી તારા ચાચરનો ચોક કેનેડામાં રચાવીએ...
              એ હાલો પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ!

              બાળ, યુવાન ને વડીલો હરખે ભેગાં થાય,
              માડી તારા આશીર્વાદથી વારસો આ સચવાય!
              નવી પેઢીને સંગ લઈને ભક્તિનો રંગ જમાવીએ...
              એ હાલો પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ!

              એ હાલો... એ હાલો... પેલા સિટી ઓફ બ્રામ્પટનના ગરબે ઘૂમવા જઈએ!

              બોલો અંબે માત કી જય!

              Share with friends

              What do you feel about this?

              Leave a Reply

              Your email address will not be published. Required fields are marked *

              You may have missed

              Total
              0
              Share