કેટલાક તત્વોને કારણે ભારત-અમેરિકા ના સંબંધોને અસર નહીં થાય : પીએમ. નરેન્દ્ર મોદી
કેટલીક ઘટનાઓ અમેરિકા સાથેના મજબૂત સંબંધોમાં કડવાશ નહીં લાવી શકે. ભારતના વડાપ્રધાને અગ્રણી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેના સંબંધો પરિપક્વ હોવાની વાત પણ કરી


નરેન્દ્ર મોદીએ પહેલી વાર અમેરિકામાં ભારતીય હત્યાના કાવતરાના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, તેઓ કોઈપણ પૂરાવાની “તપાસ” કરશે, પરંતુ “કેટલીક ઘટનાઓ” અમેરિકા-ભારતના સંબંધોમાં કડવાશ લાવી શકશે નહી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્રણી ન્યૂઝ ચેનલ ને એક ઈન્ટવ્યૂ આપ્યો હતો. જેમાં ભારતના વડાપ્રધાને ગયા મહિને યુ.એસ.ના આરોપની રાજદ્વારી અસરને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક ભારતીય અધિકારીએ અમેરિકાની ધરતી પર શીખ અલગાવવાદીની હત્યાના પ્રયાસનો નિર્દેશ આપ્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, “જો કોઈ અમને માહિતી આપે છે, તો અમે ચોક્કસપણે તે દિશામાં તપાસ કરીશું.” “જો અમારા કોઈ નાગરિકે કંઈપણ સારું અથવા ખરાબ કર્યું હશે, તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ. અમે કાયદા પ્રત્યે પ્રતિબદ્ધતા છીએ.”
આ કેસથી માહિતગાર સૂત્રોના દાવા મુજબ હત્યાના પ્રયાસનું લક્ષ્ય એક અમેરિકન અને કેનેડિયન નાગરિક અને અલગાવવાદી જૂથ શીખ્સ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુ હતા.
ભારતે 2020માં પન્નુનને આતંકવાદી જાહેર કર્યા હતો, જેનો પન્નુએ ઇનકાર કર્યો હતો. ભારત વારંવાર પશ્ચિમી દેશો પર શીખ અલગાવવાદ અંગેની તેના દ્વારા જતાવવામાં આવેલી સુરક્ષા બાબતેની ચિંતાઓને ગંભીરતાથી ન લેવાનો આરોપ મૂક્યો છે, જે દક્ષિણ એશિયામાં લાંબો અને લોહિયાળ ઇતિહાસ ધરાવે છે.
મોદીએ કહ્યું હતું કે, ભારત “વિદેશમાં સ્થિત કેટલાક ઉગ્રવાદી જૂથોની પ્રવૃત્તિઓ અંગે ખૂબ જ ચિંતિત છે”.
તેમણે ઉમેર્યું હતું કે, “અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં, આ તત્વો ધાકધમકી આપવામાં રોકાયેલા છે અને હિંસા ભડકાવી રહ્યાં છે.”
આ કાવતરામાં ભારતની કથિત સંડોવણી અંગેની ચિંતાએ યુ.એસ.-ભારત સંબંધોને જટિલ બનાવ્યા છે, જેને રાષ્ટ્રપતિ જો બાઈડેને “વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ” ગણાવ્યા છે.
જો કે, મોદીએ કહ્યું: “આ સંબંધને મજબૂત બનાવવા માટે મજબૂત દ્વિપક્ષીય સપોર્ટ છે, જે પરિપક્વ અને સ્થિર પાર્ટનરશીપને દર્શાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, “સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા માટેનો સહકાર અમારી પાર્ટનરશીપનું મુખ્ય પરિબળ છે. મને નથી લાગતું કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે કેટલીક ઘટનાઓને જોડવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, મોદીએ જૂનમાં વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી અને બાઈડેન સપ્ટેમ્બરમાં જી -૨૦ સમિટ માટે નવી દિલ્હીની મુલાકાતે ગયા હતા. બંને નેતાઓ આ વર્ષે હાઈટેકથી લઈને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ સંમત થયા હતા.
દરમિયાન નોંધપાત્ર વાત એ છે કે, ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ જાહેરાત કરી હતી કે, ભારતે અમેરિકાના આરોપોની તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે અને તે “જરૂરી ફોલો-અપ પગલાં લેશે”.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન એટલા માટે સૂચક છે કારણે કે ગત નવેમ્બરમાં ન્યૂયોર્કના આરોપનો ઘટસ્ફોટ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સપ્ટેમ્બરમાં એક નિવેદન પછી થયો હતો કે, તેમનો દેશ બ્રિટિશ કોલમ્બિયામાં શીખ અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યા પાછળ નવી દિલ્હીના “એજન્ટો”નો હાથ હતો કે કેમ તેની તપાસ કરી રહ્યો છે. ભારતે આ દાવાને “વાહિયાત” ગણાવ્યો હતો અને કેનેડાના ૪૧ રાજદ્વારીઓને દેશ છોડવાની ફરજ પાડીને જવાબ આપ્યો હતો.
યુ.એસ. અને કેનેડિયન કેસોએ ભારતના પશ્ચિમી ભાગીદારોમાં એક્સટ્રાજ્યુડિશ્યલ કિલીંગ્સમાં ભારતની સંભવિત ભૂમિકા વિશે ચિંતા ઉભી કરી છે, જો કે ભારતમાં વર્ષ 2024માં રાષ્ટ્રીય ચૂંટણી યોજવાની છે ત્યારે તેઓએ ઘરઆંગણે મોદીને નુકસાન પહોંચાડવા માટે બહુ ઓછું કર્યું છે.
અમેરિકાથી ભારતના સુમેળભર્યા સંબંધોમાં વધુ મજબૂતાઈ આવી હોવા છતાં, 73 વર્ષીય નરેન્દ્ર મોદીએ “રાષ્ટ્રીય હિત” દ્વારા સંચાલિત વ્યવહારિક વિદેશ નીતિને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે પશ્ચિમી દબાણ છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંબંધ બનાવવાનું ચાલુ રાખ્યું છે અને ડિસ્કાઉન્ટેડ રશિયન તેલ ખરીદ્યું છે. ભારતે ચીન સામે કડક વલણ અપનાવ્યું છે, જેની સાથે તેનો લાંબા સમયથી ચીન સાથે સરહદી વિવાદ ચાલી રહ્યો છે.
મોદીએ કહ્યું, “આપણે એ હકીકતને સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ.” “વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે અને પરસ્પર અવલંબિત પણ છે. આ વાસ્તવિકતા આપણને એ સમજવાની ફરજ પાડે છે કે તમામ બાબતો પર સંપૂર્ણ સંમતિ સહયોગ માટેની પૂર્વશરત ન હોઈ શકે.”

