26 November 2026

દિવાળીના પાવન પર્વે બ્રામ્પટનમાં જય હિંદ કેનેડીયન સોસાયટીના યુથ શપથ લઈ નેતૃત્વ સંભાળવા સજ્જ

    ધ્વનિ ઓનલાઇન | બ્રામ્પટન

    કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં વસતા ઈન્ડો-કેનેડિયન સમાજ માટે સાંસ્કૃતિક વારસો અને સમુદાય સેવાનો સુમેળ એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આ જ પરંપરાને એક ડગલું આગળ લઈ જતાં બ્રામ્પટન શહેર ખાતે ‘જય હિંદ સીનિયર્સ ક્લબ’ અને ‘જય હિંદ કેનેડિયન સોસાયટી’ના સંયુક્ત ઉપક્રમે દિવાળીની ભવ્ય ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માત્ર દીપાવલીના પર્વ પૂરતી સીમિત ન રહેતાં, તેમાં ઈન્ડો-કેનેડિયન સમુદાયની નવી પેઢીને આગળ લાવવા અને તેમને નેતૃત્વ સોંપવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું હતું. આ સમારોહ દરમિયાન જય હિંદ સોસાયટી હેઠળ નવરચિત ‘જય હિંદ યુથ ગ્રુપ’ના યુવાનોએ સમાજ સેવા અને કેનેડામાં શક્તિશાળી સામાજિક યોગદાન આપવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. જિમ આર્ચેડેકિન રિક્રિએશન સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રામ્પટનના સ્થાનિક પરિવાર, અગ્રણીઓ, મહેમાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવા પેઢીના આ નવા સંકલ્પને બિરદાવ્યો હતો.

              આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેનેડામાં વસતા ભારતીય મૂળના યુવાનોને એક એવું મંચ પૂરું પાડવાનો છે જ્યાં તેઓ પોતાના વિચારો રજૂ કરી શકે, પોતાની નેતૃત્વ ક્ષમતા વિકસાવી શકે અને સમુદાયના અન્ય સભ્યોને મદદરૂપ થઈ શકે. જય હિંદ કેનેડિયન સોસાયટીના પ્રમુખ ચંદ્રેશ પટેલના નેતૃત્વ અને વિઝનને કારણે આ યુવા મંચ વાસ્તવિકતા બની શક્યો છે. સોસાયટીનું ધ્યેય માત્ર સાંસ્કૃતિક જોડાણ જાળવી રાખવાનું નથી, પરંતુ કેનેડામાં નવા આવેલા ઈન્ડો-કેનેડિયન યુવાનો અને વિદ્યાર્થીઓને કેરિયર ઓપર્ચ્યુનિટીઝ શોધવામાં મદદ કરવી, ગાઇડન્સ પૂરું પાડવું અને તેમને અહીંના સમાજ સાથે સાહજિક રીતે સાંકળવાનું છે. ઈન્ડો-કેનેડિયન કમ્યુનિટીમાં જ્યાં પેઢીઓ વચ્ચેનો સ્નેહ અને સહકાર હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યો છે, ત્યાં આ યુવા ક્ષેત્રે લેવાયેલું પગલું વડીલોના અનુભવ અને યુવાનોની નવી ઉર્જા વચ્ચે એક મજબૂત સેતુનું કામ કરશે.

                યુથ ગ્રુપને યોગ્ય દિશાનિર્દેશ આપવા અને તેમના કાર્યોનું સંચાલન કરવા માટે ૨૩ સભ્યોની એક નવી એક્ઝિક્યુટિવ કમિટીની ઘોષણા કરવામાં આવી હતી. આ સમિતિમાં કિંજલ પટેલની જનરલ સેક્રેટરી તરીકે અને શિરાલી ચોકસીની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આયોજકો દ્વારા યુવા સમુદાયને આહ્વાન કરવામાં આવ્યું હતું કે તેઓ આ નવી લીડરશિપ ટીમ સાથે મળીને કામ કરે અને જય હિંદ યુથને એક વાઇબ્રન્ટ અને સક્રિય નેટવર્ક તરીકે વિકસાવે. જોકે, ઉજવણી દરમિયાન આયોજકોએ ખુલ્લા મનથી સ્વીકાર્યું હતું કે સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારોહ અને રમતગમતના કારણે પ્રથમ દિવસે યુવાનોના વિશેષ સત્રો માટે ધાર્યા જેટલો સમય આપી શકાયો નહોતો. પરંતુ યુવાનોએ દર્શાવેલી ધીરજ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો અને ખાતરી આપવામાં આવી હતી કે ભવિષ્યના તમામ ઇવેન્ટ્સ અને પ્રોગ્રામ્સનું સંચાલન સંપૂર્ણપણે યુવાનો દ્વારા જ કરવામાં આવશે, જેથી તેમની પ્રતિભાને પૂરો ન્યાય મળી શકે.

                  આ સાંસ્કૃતિક સાંજનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. જેમાં અમરજોત સંધૂ, ચંદ્રેશ પટેલ, કિંજલ પટેલ અને શિરાલી ચોકસીએ જોડાયા હતા. ત્યારબાદ કેનેડા અને ભારત બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું, જેણે ત્યાં ઉપસ્થિત તમામ ઈન્ડો-કેનેડિયન્સના દિલમાં પોતાના મૂળ વતન અને પોતાની કર્મભૂમિ પ્રત્યેના પ્રેમને પુનઃ તાજો કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પારુલ શાહ અને તેમની ટીમે અત્યંત ભક્તિભાવપૂર્વક ગણેશ વંદના રજૂ કરી હતી. ગણેશ વંદના બાદ મનીષા પુવાર દ્વારા કાર્યક્રમનું સંચાલન સંભાળવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર સાંજના માહોલને પોતાની અનોખી શૈલી અને ઉર્જાથી જીવંત રાખ્યો હતો. મનીષા પુવાર અને તૃષાલી પટેલે પરિવારો અને ખાસ કરીને બાળકો માટે ફન ગેમ્સનું આયોજન કર્યું હતું, જેમાં તમામ વયજૂથના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

                    સંગીત અને મનોરંજનની સભામાં સચિન અને તેમની ઓર્કેસ્ટ્રા ટીમે બોલિવૂડના ગીતો અને ભક્તિગીતોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યો અને મહેમાનોએ ગરબાના તાલ પર ઝૂમીને દિવાળીના ઉત્સવને માણ્યો હતો. આ પ્રસંગે અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમરજીત સિંહ ગિલ, અમરજોત સંધૂ, કેવલ શાહ અને યોગી ચહલનો સમાવેશ થાય છે. ઉપસ્થિત અતિથિઓએ જય હિંદ કમ્યુનિટીની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને ચંદ્રેશ પટેલના નેતૃત્વની પ્રશંસા કરી હતી. સાંજના અંતે તમામ સભ્યો અને મહેમાનોએ સાથે મળીને કમ્યુનિટી ડિનરનો આનંદ લીધો હતો, જેણે એક વિશાળ વિસ્તૃત પરિવારનો અનુભવ કરાવ્યો હતો.

                    આ સમગ્ર ઇવેન્ટની સફળતા પાછળ અનેક સ્વયંસેવકો અને દાતાઓનો મોટો હાથ રહ્યો હતો. ચંદ્રેસ પટેલે કાર્યક્રમમાં વિશેષ યોગદાન આપવા બદલ સુગ્નેશ પટેલ, સચિન, મનીષા પુવાર અને યોગી ચહલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આ આયોજનને આર્થિક તથા સામાજિક ટેકો આપનાર ડોનર્સ અર્ચના વકીલ, સુગ્નેશ પટેલ, કેવલ શાહ, દીપક પટેલ, દર્શન શાહ અને દિવ્યાંગ ત્રિવેદીનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. પડદા પાછળ રહીને રાત-દિવસ મહેનત કરનાર કલ્પેશ શાહનું ડિનર અને હોલ વ્યવસ્થાપન માટે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે પ્રમોદ પટેલ, કીર્તિ જાની, પ્રકાશ પટેલ, કાંતિ પટેલ, યોગેશ મોદી, અરૂણ પટેલ અને હીરેન પટેલ જેવા નિષ્ઠાવાન કાર્યકરોએ કાર્યક્રમને સુચારૂ રીતે સંપન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

                      વિશેષરૂપે, જય હિંદ વિમેન્સ ટીમના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્લાનિંગ અને પ્રિપેરેશનમાં મીના રાયઝાદા, પારુલ શાહ, હેમા પંડ્યા, અનીતા પટેલ, આશા પટેલ, ભગવતી પટેલ, ભારતી પટેલ અને પ્રવીણા ગોરડિયાએ અગત્યની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતે શિરાલી ચોકસી દ્વારા આભાર વિધિ (વોટ ઓફ થેંક્સ) રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર અહેવાલ આયોજક સમિતિ વતી જોઈન્ટ સેક્રેટરી અને મીડિયા કોઓર્ડિનેટર ડૉ. અજય રાયઝાદા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

                      બ્રામ્પટનમાં યોજાયેલી આ દિવાળી ઉજવણી માત્ર એક તહેવારની ઉજવણી બનીને ન રહેતાં ઈન્ડો-કેનેડિયન સમુદાયમાં સેવા, સંગઠન અને યુવા સશક્તિકરણનું એક નવું પ્રતિક બની રહી છે. કેનેડામાં નવા આવતા ભારતીય યુવાનો માટે કરિયર ગાઇડન્સ અને સામાજિક સપોર્ટ આપવાનો જે સંકલ્પ જય હિંદ સોસાયટીએ લીધો છે, તે ચોક્કસપણે અત્રે વસતા ભારતીય સમુદાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

                      (આ સમાચાર જય હિંદ કેનેડિયન સોસાયટી દ્વારા આપવામાં આવેલી પ્રેસ રિલિઝ પર આધારિત છે | તસવીર સૌજન્ય: જય હિંદ કેનેડિયન સોસાયટી)

                      Share with friends

                      What do you feel about this?

                      You may have missed

                      Total
                      0
                      Share