27 September 2026

કન્ઝર્વેટિવ પક્ષે ડોન પટેલ પર ફરી મૂક્યો વિશ્વાસ : Don Patel’s Dream Gets a Second Chance

0

      Dhwani Online News | Hitesh Jagad | Editorial

      “એક દરવાજો બંધ થાય તો નવો રસ્તો ખુલે છે” – રાજકીય આઘાતને પચાવીને ઈટોબીકો નોર્થમાં ડોન પટેલની નવી રાજકીય ઇનિંગ્સ

      દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે સખત પરિશ્રમ, દિવસ-રાતની અથાક મહેનત અને સમગ્ર ટીમનું સમર્પણ એક જ ક્ષણમાં પાણીમાં બેસી જતું લાગે. મહિનાઓની રાત-દિવસની તૈયારીઓ, સ્ટ્રીટસ-રોડ્સ પર લાગેલા પ્રચાર બોર્ડ, વોલંટિયર દ્વારા પોતાના પરિવારનો સમય જતો કરીને કરવામાં આવેલો ઘરે-ઘરે પ્રચાર અને જનતાનો અતૂટ વિશ્વાસ – આ બધું જ્યારે અચાનક એક આંચકા સાથે સ્તબ્ધ થઈ જાય, ત્યારે સામાન્ય માનવી ભાંગી પડતો હોય છે. પરંતુ ખરા નેતૃત્વની કસોટી આવા જ કઠિન અને પ્રતિકૂળ સમયમાં થતી હોય છે. વર્ષ ૨૦૨૫ ની કેનેડિયન ફેડરલ ચૂંટણી દરમિયાન ઈટોબીકો નોર્થ (Etobicoke North) મતવિસ્તારમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીના અધિકૃત ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઊતરેલા ડોન પટેલ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. મતદાનના અવસર પૂર્વે જ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા તેમને ઉમેદવાર તરીકે તેમણે દૂર કરવામાં આવ્યા અને તેમનું સ્થાન બિલકુલ નવી કેન્ડિડેટ ને સોંપવામાં આવ્યું. આ નિર્ણય માત્ર ડોન પટેલ માટે જ નહીં, પરંતુ તેમની સાથે રાત-દિવસ એક કરનાર વિશાળ સમર્થક વર્ગ અને સ્વયંસેવકો (Volunteers) માટે એક અકલ્પનીય આઘાત અને ભારે નિરાશા સમાન હતો.

        તે સમયે સમગ્ર સમુદાય અને સામાજિક વર્તુળોમાં અનેકવિધ પ્રશ્નો અને તર્ક-વિતર્કો ઊભા થયા હતા. લોકો આશ્ચર્યચકિત હતા કે આખરે એવું તે શું બન્યું કે એક ધમધમતી કેમ્પેઇનને અચાનક વિરામ આપવો પડ્યો. પ્રચાર સમિતિના સાઇનબોર્ડ તો થોડી મિનિટોમાં ઉતારી શકાય છે, પરંતુ તેની પાછળ રહેલી લોકોની આકાંક્ષાઓ અને ભાવનાઓ એટલી ઝડપથી અદૃશ્ય થતી નથી. કેનેડામાં વસતા આપણા સાઉથ એશિયન અથવા ઇન્ડો-કેનેડિયન સમુદાયના લોકો જ્યારે પણ રાજકારણ કે જાહેર જીવનમાં આગળ વધે છે, ત્યારે સમગ્ર કમ્યુનિટી પોતાની આશા-આકાંક્ષાઓ તેમનામાં જોતી હોય છે. વોલંટિયર માત્ર પોતાનો કિંમતી સમય જ નથી આપતા, પરંતુ તેઓ પોતાની સામાજિક પ્રતિષ્ઠા પણ ઉમેદવારના નામે દાવ પર લગાવતા હોય છે. આથી જ, જ્યારે પ્રચાર અચાનક બંધ થયો ત્યારે માત્ર એક ઉમેદવારની નહીં, પરંતુ સમગ્ર સમુદાયની આશાઓને ભારે ધક્કો પહોંચ્યો હતો.

          સોશિયલ મીડિયા પરની કેટલીક જૂની પ્રવૃત્તિઓને લઈને પક્ષ દ્વારા ગેરસમજ ઊભી થઈ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું . એ અતિશય કઠિન ક્ષણોમાં ડોન પટેલે જે પરિપક્વતા અને સંયમ દાખવ્યા તે ખરેખર નોંધપાત્ર હતા. તેમણે પક્ષના નિર્ણય સામે જાહેર મંચ પર કોઈ આક્રોશ વ્યક્ત કરવાને બદલે કે પક્ષના નેતૃત્વ સામે આક્ષેપબાજી કરવાને બદલે અત્યંત સ્થિરતા અને ગંભીરતાનો માર્ગ પસંદ કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પક્ષના નિર્ણયનું સન્માન કરે છે અને તેની સામે કોઈ એપીલ (Appeal) કે વિરોધ નોંધાવશે નહીં. જ્યારે ભવિષ્ય સંપૂર્ણપણે અસ્પષ્ટ હોય, ત્યારે ધીરજ અને સંયમ જાળવવો એ અત્યંત દુષ્કર કાર્ય છે. એપ્રિલ ૨૦૨૫ માં ડોન પટેલ માટે આગળનો રસ્તો સાવ બંધ જણાતો હતો. તેઓ જાણતા નહોતા કે તેમને ક્યારેય ફરીથી જાહેર જીવનમાં આવી સેવા કરવાનો કે પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે કે કેમ.

          આ પરિસ્થિતિ માત્ર રાજકારણ પૂરતી મર્યાદિત નથી. કેનેડામાં સ્થાયી થયેલા અનેક ઇન્ડો-કેનેડિયનો આ અનુભવ સાથે પોતાની જાતને સરસ રીતે જોડી શકે છે. પછી તે અનેક રાઉન્ડના ઇન્ટરવ્યુ આપ્યા બાદ હાથમાંથી જતી રહેલી ડ્રીમ જોબ (Job) હોય, નવો વ્યવસાય કે બિઝનેસ શરૂ કરતી વખતે અચાનક આવી પડતી કાનૂની કે નાણાકીય અડચણો હોય, કે પછી અભ્યાસમાં વર્ષોની મહેનત છતાં ધાર્યું પરિણામ ન મળવું હોય. જીવનમાં જ્યારે પણ આવો કઠોર આઘાત લાગે છે, ત્યારે ‘હંમેશાં હકારાત્મક રહો’ જેવી સરળ સલાહ ખૂબ ઉપદેશાત્મક અને અવાસ્તવિક લાગતી હોય છે. પરંતુ ડોન પટેલે સાબિત કર્યું કે નિષ્ફળતા કે પછડાટ એ જીવનનો અંત નથી, પણ એક નવા વિષય અને નવા પાઠની શરૂઆત છે. તેમણે પોતાના આક્રોશને નકારાત્મકતામાં બદલાવા ન દીધો, પરંતુ પરિસ્થિતિનો સ્વીકાર કરીને શાંતિથી આગળ વધવાનો નિશ્ચય કર્યો.

            ઘટનાના લગભગ ૧૭ મહિના પછી, ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ (Dhwani News Online) સાથેની એક ખાસ એક્સક્લુઝિવ વાતચીતમાં ડોન પટેલે ખુલાસો કર્યો છે કે કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા તેમને ફરી એકવાર ઈટોબીકો નોર્થમાંથી જ પોતાના અધિકૃત ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ‘ધ્વનિ ન્યૂઝ’ના ચીફ એડિટર હિતેશ જગડ સાથેની ખાસ મુલાકાતમાં તેમણે આ નવી જવાબદારી અંગે પોતાનો ઉત્સાહ અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યા હતા. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેમજ સ્થાનિક સામાજિક વર્તુળોમાં વધાઈઓ અને શુભકામનાઓનો ધોધ છવાઈ ગયો છે. ૨૦૨૫ ની એ કડવી યાદોને ભૂલીને આજે ફરી એકવાર તેમની ટીમ અને સમર્થકોમાં એક નવો ચૈતન્યપૂર્ણ પ્રાણ પૂરાયો છે.

              રાજકીય અને જાહેર જીવનમાં પ્રવેશતા દરેક ઉત્સાહી વ્યક્તિ માટે ડોન પટેલનો આ પુનઃપ્રવેશ એક મોટો બોધપાઠ છે. માત્ર ઉત્સાહ કે લાગણીઓથી રાજકારણ ચાલતું નથી; જાહેર જીવનમાં તમારી ટીકાઓને સહન કરવાની, પ્રતિકૂળ સંજોગોમાં પણ ધૈર્ય રાખવાની અને લોકોનો વિશ્વાસ પુનઃ સંપાદિત કરવાની ક્ષમતા હોવી ખૂબ જરૂરી છે. પક્ષના કઠિન નિર્ણયોને શિરપાવ ગણીને પણ પોતાની જાતને સાબિત કરવાની તક ઝડપી લેવી એ જ સાચા નેતાની ઓળખ છે. ૨૦૨૫ ના આંચકા બાદ ભાંગી પડવાને બદલે તેમણે સમુદાય વચ્ચે રહીને શાંતિથી સેવાકાર્ય ચાલુ રાખ્યું, જેનું પરિણામ આજે તેમની સામે ઉમેદવારીના રૂપમાં આવ્યું છે.

              જોકે, આ નવી ઉમેદવારી એ આખરી વિજય નથી પણ એક નવી અને કઠિન સફરની શરૂઆત છે. ડોન પટેલે હવે ઈટોબીકો નોર્થના ઘરે-ઘરે જઈને મતદારોને મળવું પડશે, તેમની સ્થાનિક સમસ્યાઓ સમજવી પડશે અને કન્ઝર્વેટિવ પાર્ટીની નીતિઓ દ્વારા તેઓ કેવી રીતે આ વિસ્તારનો વિકાસ કરશે તે સમજાવવું પડશે. અંતિમ નિર્ણય તો પ્રજાના હાથમાં જ રહેવાનો છે. પરંતુ, ૨૦૨૫ ના મોટા સેટબેક (Setback) પછી આ રીતે મજબૂતીથી પુનરાગમન કરવું એ પોતાનામાં જ એક ઉત્સાહવર્ધક સિદ્ધિ છે.

                આ વાત દરેક એવા વ્યક્તિ માટે પ્રેરણાસ્રોત છે જે પોતાના જીવનમાં કોઈક ને કોઈક મોરચે નિષ્ફળતા કે અડચણનો સામનો કરી રહ્યા છે. દરવાજો બંધ થઈ જવાથી રસ્તો પૂરો થઈ જતો નથી. જો તમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય અને ઈરાદા નેક હોય, તો સમય જતાં નવા માર્ગો અવશ્ય ખૂલે છે. ડોન પટેલનું સ્વપ્ન ૨૦૨૫ માં ચોક્કસપણે અટકી ગયું હતું, પરંતુ તેમણે આશા છોડી નહોતી. આજે જ્યારે તેઓ ફરીથી ઈટોબીકો નોર્થના ચૂંટણી મેદાનમાં ઊતરવા જઈ રહ્યા છે, ત્યારે સમુદાય માટે સૌથી પ્રેરણાદાયી બાબત માત્ર તેમને મળેલી નવી તક નથી, પરંતુ તમામ વિપરીત સંજોગો છતાં ફરીથી ઊભા થઈને પડકારોનો સામનો કરવાની તેમની અદમ્ય ઇચ્છાશક્તિ છે.

                આ તકે, ‘ધ્વનિ ઇન્ડો-કેનેડિયન ઓનલાઇન ન્યૂઝ’ પરિવાર અને સમગ્ર સમુદાય તરફથી ડોન પટેલને તેમની આ નવી રાજકીય ઇનિંગ્સ માટે હૃદયપૂર્વકના અભિનંદન અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય સફળતા મળે તેવી અનંત શુભકામનાઓ

                Share with friends

                What do you feel about this?

                Leave a Reply

                Your email address will not be published. Required fields are marked *

                You may have missed

                Total
                0
                Share